Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
નિધિમાંથી સ્ફુરેલી, અસંખ્ય ભવ્યોને પ્રેરણા આપી સન્માર્ગે વાળનારી, સહેલાઈથી કંઠસ્થ કરી શકાય એવી અને સૂત્રાત્મક છતાં સરળ અને સુબોધ શૈલીએ લખાયેલી તેમની સર્વોત્તમ કૃતિ છે. તેમાં શિષ્યની શંકા અને ગુરુના સમાધાનરૂપ સંવાદશૈલી પ્રયુક્ત થઈ હોવાના કારણે ગ્રંથવિષય ગહન હોવા છતાં ભારેખમ અને જટિલ ન બનતાં સુગ્રાહ્ય, સુબોધક અને સુરુચિપોષક બન્યો છે.
૩૦
સાહિત્યના આદિ કાળથી સભ્રંથના સર્જકો, વિવિધ ભૂમિકાના ભવ્ય જીવો કઈ રીતે સરળતાથી બોધ પામી શકે અને ઇષ્ટની પૂર્તિ સાધી શકે તે લક્ષમાં રાખી, વિવિધ પ્રકારનાં ભાષાપ્રયોગ, રજૂઆતપદ્ધતિ તથા કથનશૈલી અપનાવતા આવ્યા છે. ઉત્તમ અને અમૂલ્ય સંસ્કૃતિઓના નિધાનમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પોતાની વિશિષ્ટ પ્રકારની નિરૂપણશૈલીથી એક અનોખી ભાત પાડે છે. તેની રચના પ્રશ્નોત્તરરૂપે થયેલી છે. આ શૈલીના અનેક લાભ છે. ગ્રંથકર્તાને વાચક સમક્ષ જે તત્ત્વરહસ્ય પ્રગટ કરવું હોય તે તેઓ પ્રશ્નોત્તરશૈલી દ્વારા સરળતાથી પ્રગટ કરી શકે છે, પોતાની ઇષ્ટ પદ્ધતિ અનુસાર તેને જેવો આકાર આપવો હોય તે સુગમતાથી આપી શકે છે. સળંગ શૈલીમાં લખાયેલા પદ્ય કે ગદ્ય ગ્રંથોમાં ક્યાંક વિષયાંતર તો ક્યાંક ક્લિષ્ટતા, ક્યાંક વિષયસંક્ષેપ તો ક્યાંક અનભિપ્રેત વિસ્તારનો અવકાશ સંભવે છે. આ કારણે પ્રત્યેક વાચક ગ્રંથનો મર્મ આસ્વાદી શકતો નથી, જેથી ગ્રંથનું વાંચન કરવા છતાં તેના યથાર્થ લાભથી તે વંચિત રહે છે. પ્રારંભિક કક્ષાના વાચકોને સળંગ ગ્રંથના અભ્યાસ દરમ્યાન સ્વયં વિચારસ્ફુરણાનો અવકાશ ઓછો રહે છે, જ્યારે પ્રશ્નોત્તરશૈલી વાચકના ચિત્તમાં જિજ્ઞાસા જગાડે છે. એક પ્રશ્નની રજૂઆત થતાં તે અંગેની વિચારણા ઓછાવત્તા અંશે અવશ્ય જાગે છે.
આ સ્વયંસ્ફુરિત સુવિચારણા સાધકને એકાગ્ર થવામાં ઉત્તમ નિમિત્ત બને છે. વળી, આ શૈલીમાં ગ્રંથકર્તા પોતાના મંતવ્યને તો રજૂ કરે જ છે, પરંતુ સાથે તે મંતવ્યથી વિરુદ્ધ પ્રકારની જે દલીલો ઊઠવાનો સંભવ હોય તે દલીલોનો પણ પોતે જ પ્રતિવાદી વતી ઉલ્લેખ કરી, તે દલીલોનું તાર્કિક નિરસન આપી શકે છે.
આમ, વિષયની રજૂઆતમાં પ્રશ્નોત્તરશૈલીનું આગવું સ્થાન હોવાથી ભૂતકાળમાં પણ અનેક ગ્રંથકર્તાઓએ સંવાદશૈલીનો આશ્રય લીધો છે. દ્વાદશાંગીમાં મૂર્ધન્ય પદ ધરાવતા પંચમ અંગ ‘શ્રી ભગવતી સૂત્ર'ની રચના પ્રશ્નોત્તરરૂપે જ થઈ છે, જેમાં શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમે શ્રી મહાવીરસ્વામી ભગવાનને પૂછેલા ૩૬,૦૦૦ પ્રશ્નોનું સંકલન છે. શ્રી ગૌતમસ્વામી ઉપરાંત શ્રી અગ્નિભૂતિ, શ્રી વાયુભૂતિ અને શ્રી મંડિયપુત્તના કેટલાક પ્રશ્નોની નોંધ પણ આ શાસ્ત્રમાં સંવિહિત છે. ‘જ્ઞાતાધર્મકથા', ‘અનુત્તરોપપાદિકદશા', ‘વિપાકસૂત્ર’, ‘નિર્યાવલિકા' આદિ કેટલાંક આગમો એવાં છે જેની પ્રરૂપણા શ્રી સુધર્માસ્વામીએ શ્રી જંબૂસ્વામીના પ્રશ્નોના આધારે, ભગવાન શ્રી મહાવી૨ પાસેથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org