________________
ગાથા-૭
૧૯૩
અગ્નિ કરતાં પણ વધુ ભયાનક છે. અગ્નિમાં ઇંધન નાખતાં અગ્નિ વધે છે અને ઇંધન કાઢી લેતાં અગ્નિ બુઝાઈ જાય છે; પરંતુ વિષયતૃષ્ણારૂપ અગ્નિમાં વિષયભોગરૂપ ઇંધન નાખતાં તો તે અગ્નિનો દાહ વધે જ છે અને વિષયભોગરૂપ ઇંધન ન મળે તોપણ તે વિષયતૃષ્ણારૂપ અગ્નિનો દાહ વધતો જ રહે છે; એટલે બન્ને અવસ્થાઓમાં આ વિષયતૃષ્ણારૂપ અગ્નિ તો જીવને બાળ્યા જ કરે છે. ચૈતન્યના શાંત રસનું પાન કરતાં જીવ તે બળતરામાંથી છૂટે છે. વિષયભોગનો ત્યાગ કરવાથી અને સ્વરૂપના અભ્યાસમાં અવિરતપણે પુરુષાર્થ કરવાથી જીવને ચૈતન્યસુખનો સ્વાદ સાંપડે છે, તેથી આત્મસ્વરૂપમાં તન્મયતા પ્રાપ્ત કરવા માટે જીવે આરંભ-પરિગ્રહ ઘટાડી ત્યાગ અને વૈરાગ્યનું બળ વધારવું જોઈએ.
ત્યાગ એટલે બાહ્ય અને અત્યંતર પરિગ્રહની નિવૃત્તિ. સ્ત્રી, પુત્ર, ઘર, ધન આદિ પરદ્રવ્યોના ત્યાગને બાહ્ય ત્યાગ અને ક્રોધાદિ વિકારી ભાવોના ત્યાગને અત્યંતર ત્યાગ કહેવાય છે. વાસ્તવમાં તો પ૨વસ્તુમાં તન્મયતા, તાદાત્મ્યપણું ન કરવારૂપ અત્યંતર ત્યાગ એ જ ખરો ત્યાગ છે. આત્માની સમજણ કરી મિથ્યાત્વ તથા રાગાદિ ભાવ છોડવા એ જ ખરો ત્યાગ છે, પરંતુ આત્મલક્ષપૂર્વક થતો બાહ્ય ત્યાગ અત્યંતર ત્યાગનું કારણ બનતો હોવાથી તે પણ ત્યાગ કહેવાય છે. બાહ્ય સંયોગોનો ત્યાગ તે સંયોગો પ્રત્યેના મમત્વાદિ ભાવોની નિવૃત્તિમાં સહાયકારી હોવાથી તે બાહ્ય ત્યાગ પણ ઉપકારી છે અને તેથી ત્યાગમાર્ગની આરાધના અર્થે જેના સંગમાં, જેના પરિચયમાં રહેવાથી તે વિકારી ભાવો ઊપજવા, પોષાવા કે વૃદ્ધિ પામવા સંભવે છે તેવાં પ્રસંગો, વ્યક્તિઓ અને પદાર્થોનો પણ ત્યાગ કરવો ઘટે છે.
વૈરાગ્ય એટલે ગૃહ-કુટુંબાદિ ભાવને વિષે અનાસક્તબુદ્ધિ; સંસાર,દેહ અને ભોગો પ્રત્યે ઉદાસીનભાવ. સંસાર અને પરપદાર્થોનું સ્વરૂપ યથાર્થપણે સમજાતાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. સંસાર સદા સર્વત્ર સંયોગ-વિયોગ, રાગ-દ્વેષ આદિ આકુળતાનાં કારણોથી ભરેલો છે, તેથી સંસાર સર્વથા ક્લેશમય અને એકાંતે દુઃખરૂપ છે. સંસારના પદાર્થો પણ કેવળ દુઃખનાં કારણ છે. તે પદાર્થોનાં સ્વરૂપનો વિચાર થતાં સત્સુખ પરપદાર્થોમાં નથી, પરંતુ નિજાત્મતત્ત્વમાં છે એમ નિર્ધાર થાય છે. પરપદાર્થોની તુચ્છતા સમજાતાં તે તરફના ભાવો વિરામ પામે છે અને તેની તૃષ્ણા નિવૃત્ત થાય છે. પરદ્રવ્યમાંથી મન ખસી જતાં, તેમાં ઉદાસીન વૃત્તિ આવતાં, નિજાત્મતત્ત્વની સન્મુખ થવાય છે અને સત્સુખપ્રાપ્તિનો માર્ગ ગ્રહણ થાય છે. આમ, સંસારની નિઃસારતા સમજાવાથી, વિષયોમાં અપ્રવૃત્તિ થવાથી અને ભવની ઉત્પત્તિનાં કારણો ઉપર અરુચ આવવાથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે.
આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આ ત્યાગ-વૈરાગ્યભાવ કેળવવો અત્યંત આવશ્યક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org