________________
૩૧૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
મનન, સ્મરણ અને અનુપ્રેક્ષણ આદિ પરમાર્થમાર્ગે ત્યારે જ કલ્યાણકારી થઈ શકે કે જ્યારે જીવ સર્વ પ્રકારના કુળધર્મ તથા સાંપ્રદાયિક આગ્રહનો પરિત્યાગ કરી, મધ્યસ્થ બુદ્ધિએ સ્વહિત અર્થે અભ્યાસ કરે. “મારું માનેલું જ સાચું છે' ઇત્યાદિ આગ્રહવાળી માન્યતાઓ છોડીને શાસ્ત્રો વાંચવા-વિચારવાથી જ સત્ય સમજાય છે. તેથી સુપાત્ર જીવ શાસ્ત્રાધ્યયનમાં સ્વચ્છંદાદિ દોષોનો ત્યાગ કરી, અપેક્ષામૂલક વિશાળ દૃષ્ટિ રાખી, જ્યાં જ્યાં, જે જે બોધની પ્રાપ્તિ થાય; ત્યાં ત્યાં, તે તે બોધને તે તે દૃષ્ટિકોણથી ગ્રહણ કરે છે; પણ એકાંતપક્ષને ગ્રહણ કરી લઈ હઠાગ્રહી થતો નથી. જ્યારે સાધક મતમતાંતરનો ત્યાગ કરી, ગુણગ્રાહક થઈ, આત્માની શુદ્ધિ અર્થે સદ્ગુરુની આજ્ઞાએ શાસ્ત્રને સેવે છે ત્યારે સત્ય વિવેકની પ્રાપ્તિ થવાથી તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આમ, ગાથાના પ્રારંભમાં ‘અથવા' શબ્દથી પ્રકારાંતરે, સદ્ગુરુના સાક્ષાત્ સમાગમના વિરહમાં પણ, શાસ્ત્રવિચારણાની ભલામણ શ્રીમદે કરી છે.
આત્માર્થી જીવને પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ આ જગતમાં મહાશરણરૂપ લાગે વિશેષાર્થ છે. તેમના સત્સમાગમમાં તેને અપાર સુખ, શાંતિ અને સલામતી પ્રાપ્ત થાય છે. અત્યંત ઝૂરણા અને ઉત્કંઠાથી તે ભવકાનનમાંથી નીકળવાનો ઉપાય પૂછે છે. જીવે શું શું ભૂલો કરી, એ ક્યાં ક્યાં ચૂક્યો કે જેથી એની આવી સ્થિતિ થઈ અને હવે એણે શું કરવાનું છે, કઈ રીતે આગળ વધવાનું છે તે સર્વ ખૂબ ધીરજથી અને વાત્સલ્યથી સદ્ગુરુ તેને સમજાવે છે. તેમના શબ્દે શબ્દમાંથી કરુણા અને વીતરાગતા ટપકે છે. સદ્ગુરુની મધુરી વાણી અને અમી ભરેલી નજર તેના ઉપર વરસતાં તેનો આત્મા આહ્લાદિત થઈ જાય છે અને તેને સદ્ગુરુ પ્રત્યે જન્માંતરનો પ્રેમ ઊમટી આવે છે. તે મોક્ષમાર્ગે તીવ્ર સંવેગથી આગળ વધે છે.
આમ, સદ્ગુરુના મહાકલ્યાણકારક સાન્નિધ્યમાં આત્માર્થનું પોષણ થાય છે. તેમની શાંત દશા જોતાં, તેમની વીતરાગવાણી સાંભળતાં જગતની સર્વ જંજાળ ભૂલી જવાય છે અને ઉત્સાહથી મોક્ષમાર્ગે પુરુષાર્થ થાય છે. પરંતુ પ્રત્યક્ષ સદ્ગુરુની આવી શીતળ છાયાનો યોગ થવો વિરલ છે અને ક્વચિત્ પ્રાપ્ત થાય તોપણ તેમનો સમાગમ નિરંતર રહેવો તો મહાદુર્લભ છે. સદ્ગુરુનો સતત સત્સંગ ન મળતો હોય તેવા સંજોગોમાં સુપાત્ર જીવે પોતાનું આત્મબળ ટકાવી રાખવા શું કરવું જોઈએ? પ્રસ્તુત ગાથામાં તેનું સમાધાન કરતાં કહ્યું છે કે સદ્ગુરુના સાક્ષાત્ સમાગમના વિયોગમાં તેમણે આજ્ઞા કરેલ સત્શાસ્ત્રનું અવલંબન લેવું જોઈએ. શ્રીમદે એક સ્થળે લખ્યું છે
‘તે પુરુષનાં વચનો આગમસ્વરૂપ છે, તોપણ વારંવાર પોતાથી વચનયોગની પ્રવૃત્તિ ન થાય તેથી, તથા નિરંતર સમાગમનો યોગ ન બને તેથી, તથા તે વચનનું શ્રવણ તાદેશ સ્મરણમાં ન રહે તેથી, તેમ જ કેટલાક ભાવોનું સ્વરૂપ જાણવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org