________________
ગાથા-૪૦
૭/૯
આત્માને તલસતી તેની પરિણતિ આત્મશાંતિ તરફ વેગપૂર્વક દોડે છે.
આત્માર્થી જીવને આત્મપ્રાપ્તિની આવી ઝંખના હોવાથી તેને સદ્ગુરુના બોધથી પોરસ ચઢે છે. સદ્ગુરુનાં વચનો સાંભળતાં આખો આત્મા ઊછળી જાય એવું શૂરાતન ચઢે છે. તેની સત્પાત્રતારૂપ યોગ્ય ભૂમિકામાં સદ્ગુરુના બોધનું પરિણમન થાય છે અને આત્માના અખંડ અને અવ્યાબાધ સુખને ઉત્પન્ન કરનાર સુવિચારણા પ્રગટે છે. વૈરાગ્ય અને ઉપશમરૂપ સત્પાત્રદશા આવી હોવાથી સદ્ગુરુના બોધ વડે સુવિચારણા પરિપક્વ થાય છે અને તેની ક્ષિતિજો વિસ્તરે છે. પરંતુ આવી યથાર્થ પાત્રતાનો અભાવ હોય ત્યાં શ્રવણ નિષ્ફળ જાય છે, અથવા તો તેનો નહીંવત્ લાભ થાય છે. સાંભળવાનું કામ સરળ છે, પણ બોધને જીવનમાં ઉતારવાનું કામ કઠિન છે. અપાત્ર જીવને સમ્યક કાર્ય કરવાની ઇચ્છા થતી નથી અને તેથી સમ્યક ધર્મ તેનાથી હજારો ગાઉ દૂર રહે છે. તે સદ્ગુરુના બોધને પરિણમાવવાનો કોઈ પ્રયત્ન કરતો નથી અને વૃત્તિને બહાર જ ભટકાવ્યા કરે છે. ખરેખર તો આનો અર્થ એમ જ થાય છે કે તેણે સદ્ગુરુનો બોધ સાંભળ્યો જ નથી. જે દેશનાનું પરિણામ અંતરમાં ઊગી ન નીકળે તેનું શ્રવણ, શ્રવણ કહેવાય જ નહીં. માત્ર અવાજનાં મોજાં કાનના પડદાને અથડાયાં એટલું જ કાર્ય થયું ગણાય. તીવ્ર વિષય-કષાયની વૃત્તિઓનો રોધ કરી, આત્માર્થીના તથારૂપ ગુણોને પ્રાપ્ત કરવા પ્રત્યે જો જીવ જાગૃત રહે નહીં તો તેને સદ્ગુરુનો બોધ પરિણમતો નથી.
જ્યારે સત્પાત્રદશા આવે છે ત્યારે આત્માર્થી જીવ પોતે કોણ છે? પોતાનું સ્વરૂપ કેવું છે?' વગેરે પ્રકારના વિચારો વિવેકપૂર્વક અને શાંત ભાવે કરે છે. સંસારથી ચિત્તને પાછું વાળીને તે દેવ-ગુરુની ભક્તિમાં લીન રહે છે. પોતાની વૃત્તિઓને આમ તેમ રખડતી રોકીને તેને આત્મવિચારમાં જોડવા મથે છે. અંતરનો માર્ગ શોધવા તે જ્ઞાની પાસે જઈ પોતાના દિલની વેદના ઠાલવે છે અને ચૈતન્યના હિતની રીત સમજવા અત્યંત આદ્રભાવે તે સદ્ગુરુને વિનંતી કરે છે કે હે પ્રભુ! હવે હું આ સંસારભ્રમણથી થાક્યો છું, હવે મને સંસારસુખ વહાલું નથી લાગતું; સંસારથી છૂટીને મારો આત્મા પરમ સુખને પામે એવો ઉપાય કૃપા કરીને મને બતાવો.' શિષ્યની આવી યાચનાથી પ્રેરાઈને તેમજ તેની યથાર્થ યોગ્યતા જોઈને સદ્ગુરુ તેને વારંવાર બોધદાન કરે છે. પ્રેરણા વડે ઉત્સાહ અને ખુમારી વધારી, તત્ત્વશ્રદ્ધાન કરાવી, પુનઃ પુનઃ સ્વ-પરનું ભિન્નપણે જેથી ભાસે એવી ચિંતનધારામાં તેના ચિત્તપ્રવાહને જોડી, સ્વમાં સ્વપણું સ્થાપવા અર્થે શિષ્યને પ્રેરિત કરે છે.
સદ્ગુરુ શિષ્યને તેનો આનંદદાયક ચૈતન્યદરબાર દેખાડે છે. તેઓ બોધે છે કે હે જીવ! જ્ઞાનચક્ષુ ખોલીને અતિશય મહિમાવંત એવો ચૈતન્યનો દરબાર જો . ચૈતન્યના ભવ્ય દરબારમાં અનંત ગુણો પોતપોતાની શક્તિ સહિત બિરાજી રહ્યા છે. ત્યાં જીવત્વ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org