Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૩૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નથી, ત્યાં સુધી જ્ઞાનીપુરુષને પણ ભૂમિકા અનુસાર રાગાદિ ભાવ થાય છે. એક બાજુ ત્રિકાળી શુદ્ધ સ્વભાવના અવલંબને જેટલી શુદ્ધિ પ્રગટી છે તેટલી આનંદધારા, શાંતિધારા છે; તો બીજી બાજુ અસ્થિરતાવશ રાગ પણ છે, અશાંતિ પણ છે. જેમ કોઈ માણસ પ્રથમ કમળાના રોગથી પિડાતો હોય, સારવાર વગેરેથી તે રોગ મટી ગયા પછી પણ પૂર્ણ સ્વાથ્ય તરત આવતું નથી, તેને હજુ નબળાઈ રહે છે. નીરોગતાના લક્ષ યોગ્ય ખોરાક લેવાથી થોડા વખતમાં તે નબળાઈ ટળી જાય છે અને પુષ્ટિ થાય છે. તેમ મિથ્યાત્વરૂપ અંતરરોગ મટ્યા પછી પણ જ્ઞાની પુરુષને પૂર્ણ શુદ્ધતા તરત પ્રગટતી નથી, અસ્થિરતારૂપ નબળાઈ હજુ રહે છે. ચારિત્રમોહનીય કર્મના ઉદયમાં રાગાદિ થાય છે, પરંતુ ત્યાં પણ જ્ઞાન અને શ્રદ્ધા અલિપ્ત રહે છે. પૂર્ણ શુદ્ધિના લક્ષે અંતરસ્થિરતારૂપ આનંદના ખોરાક દ્વારા અલ્પ કાળમાં સર્વજ્ઞપણારૂપ આરોગ્ય પ્રગટે છે. પૂર્ણ ત્રિકાળી ધ્રુવ સ્વરૂપની ભાવના કરતાં, તેનો આશ્રય કરતાં પર્યાયમાં પૂર્ણતા પ્રગટે છે. ‘હું અપૂર્ણ, મલિન પર્યાય જેટલો નથી, પણ વર્તમાનમાં પણ પૂર્ણ નિર્મળસ્વભાવી છું' એવા જોરે અનાદિ મિથ્યાત્વરૂપ અંતરરોગ ટળે છે અને તે જ સ્વભાવના ઉગ્ર અવલંબને અલ્પ કાળે પૂર્ણ શુદ્ધતા - મોક્ષદશા પ્રગટ થાય છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
“જ્યાં પ્રગટે સુવિચારણા, આત્મતત્ત્વની ખોજ; ઊંડું અંતરમુખ જુવે, ચિદાનંદની મોજ. આત્મભાન આવે દશા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; શુદ્ધ દ્રવ્ય પર્યાયની, થાય યથાર્થ પિછાન. એવું સહજ સ્વભાવથી, નિજ સ્વરૂપનું જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, શુદ્ધ આત્માનું ધ્યાન. ધ્યાન શુકલ સંપૂર્ણતા, શૈલેશીનું સ્થાન; એક સમય સમ શ્રેણીએ, પામે પદ નિર્વાણ.'
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૩ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૧૬૧-૧૬૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org