________________
૭૩૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
તે શક્તિઓ પર્યાયમાં ઊછળવા માંડે છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે પર્યાયમાં રાગ હોય ત્યાં સુધી રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કઈ રીતે થઈ શકે? પહેલાં રાગ ટળી જશે પછી રાગરહિત સ્વભાવની શ્રદ્ધા થશે' એમ વિચારીને જે જીવ સમ્યક્ શ્રદ્ધા કરતો નથી, તે જીવ પર્યાયદૅષ્ટિથી રાગને પોતાનું સ્વરૂપ માને છે. પર્યાયમાં રાગ હોવા છતાં પર્યાયષ્ટિ છોડીને સ્વભાવદૅષ્ટિ કરવાથી રાગરહિત સ્વરૂપનો અનુભવ થાય છે. જે વખતે ક્ષણિક પર્યાયમાં રાગ હોય, તે વખતે જ રાગરહિત એવા ત્રિકાળી સ્વભાવની પ્રતીતિ કરવામાં આવે તો તે પ્રતીતિના જોરે રાગ અલ્પ કાળમાં ટળી જાય છે. આવી પ્રતીતિ વગર રાગ કદી ટળી શકતો નથી.
‘પહેલાં રાગ ટળી જાય પછી રાગરહિત આત્માની શ્રદ્ધા કરી શકાય', એમ નહીં પણ ‘પહેલાં રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કરું તો સ્વભાવની એકાગ્રતા વડે રાગ ટળશે' એ યથાર્થ માન્યતા છે. રાગ ટળે તો શુદ્ધાત્માની શ્રદ્ધા કરું' એવી જેની માન્યતા છે તેની દૃષ્ટિ સ્વભાવ ઉ૫૨ નથી અને તે મોક્ષમાર્ગના ક્રમને પણ જાણતો નથી, કેમ કે તે સમ્યક્ શ્રદ્ધા પહેલાં સમ્યક્ચારિત્રને ઇચ્છે છે. મારો સ્વભાવ રાગ ઉત્પન્ન કરવાનો નથી, પરંતુ રાગનો નાશ કરવાનો છે' એવા વીતરાગી અભિપ્રાયપૂર્વક, રાગરહિત સ્વભાવના લક્ષે જે પરિણમન થાય તેમાં ક્ષણે ક્ષણે રાગ તૂટતો જાય અને રાગનો નાશ થાય; પણ જો પર્યાય ઉપર જ દૃષ્ટિ રાખીને હું રાગી છું’ એવા રાગીપણાના અભિપ્રાયપૂર્વક, વિકારના લક્ષે જે પરિણમન થાય તેમાં તો રાગની જ ઉત્પત્તિ થયા કરે, પણ રાગ ટળે નહીં. તેથી પર્યાયમાં રાગ હોવા છતાં તે જ વખતે પર્યાય ઉપરથી દૃષ્ટિ હટાવીને સ્વભાવ ઉપર દૃષ્ટિ કરી, રાગરહિત ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા કરવી એ જ આત્માર્થીનું કર્તવ્ય છે અને એ જ મોક્ષમાર્ગનો ક્રમ છે. સમ્યગ્દર્શનથી જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. સમ્યગ્દર્શન પ્રગટે ત્યારે જેટલો ક્ષયોપશમ હોય તેટલું સમ્યજ્ઞાન અને જેટલી સ્થિરતા હોય તેટલું સમ્યક્ચારિત્ર પ્રગટે છે. સમ્યગ્દર્શનથી જે સત્ય જાણ્યું તે ગ્રહણ કરવાની ઇચ્છા થાય છે, અર્થાત્ સમ્યક્ચારિત્રનો ઉત્સાહ જાગે છે. જેમ જેમ સમ્યગ્દર્શન શુદ્ધ થતું જાય છે, તેમ તેમ સમ્યક્ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે અને ક્રમે કરીને સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ અને પૂર્ણતા થવાનો અવસર આવે છે.
આમ, યથાર્થ મોક્ષમાર્ગની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે. સમ્યગ્દર્શન વગર આત્મપ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય ત્રણે કાળમાં અને ત્રણે લોકમાં નથી; માટે આત્મસ્વરૂપની સાચી સમજણ દ્વારા માન્યતાને સમ્યક્ કરવાનો પ્રયત્ન કરવો એ જ સીધો અને સાચો ઉપાય છે. આત્મસ્વભાવની રુચિપૂર્વક સમ્યગ્દર્શનનો મહિમા જાણીને જે જીવ સત્ સમજવાનો અભ્યાસ કરે છે, તે જીવનો મિથ્યાત્વભાવ મંદ પડતો જાય છે. આત્મસ્વરૂપની સમજણ દ્વારા તેનું શ્રદ્ધાન સવળું થતું જાય છે. અભિપ્રાય સમ્યક્ થતાં કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org