________________
૭૧૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
પરંતુ તેને નિજ અભિપ્રાય મુજબ ફેરવવાની બુદ્ધિથી અનંતા રાગ-દ્વેષ કરી કરીને હું દુ:ખી થયો છું. અજ્ઞાનભાવથી તો મેં અત્યાર સુધી દુ:ખ, દુ:ખ અને દુ:ખ જ વેદ્યું છે, પણ હવે સદ્ગુરુના પ્રતાપે એ દુઃખનો આરો આવ્યો છે. મહાભાગ્યે મને સદ્ગુરુબોધ મળ્યો છે. હવે મને સમજ પડી ગઈ છે કે હું તો માત્ર મારાં પરિણામોનો જ કર્તા છું. મારા આત્મામાં પ્રત્યેક સમયે પરિણમનરૂપ ક્રિયા થાય છે, જેનો કર્તા હું સ્વયં છું. પરિણામરૂપ કર્મને હું પોતે જ કરું છું, મારા વડે જ કરું છું. તે પરિણમન નિરંતર મારી જ શક્તિથી થયા કરે છે. પર સાથે મારે કોઈ સંબંધ નથી, તેથી તેમાં રાગ-દ્વેષ કરવા નિરર્થક છે. પ્રત્યેક દ્રવ્યની ક્રિયાનો કર્તા તે દ્રવ્ય સ્વયં છે, તો હું નાહકનો પરમાં કર્તા-ભોક્તાપણાનો ભ્રમ સેવું છું. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું કરી શકે એમ હોય તો દ્રવ્યસ્વતંત્રતાનો નાશ થઈ જાય. દેહની અવસ્થાઓને હું યથેચ્છ પલટાવી શકું અથવા દેહની અનુકૂળ મનાતી પર્યાયોથી મને લાભ કે પ્રતિકૂળ લાગતી અવસ્થાઓથી મને નુકસાન થાય છે - આવું માનવું તે નરી મૂર્ખતા છે. માટે મારા અને પરના સ્વાધીનપણાની શ્રદ્ધા કરી, મારા કલ્યાણનો માર્ગ સરળ બનાવું. અજ્ઞાન અને અલ્પ પુરુષાર્થને છંદી હવે શીઘ્રમેવ જ્ઞાનરૂપ પરિણમનનો તીવ્ર પુરુષાર્થ સાધું.....' આમ, તત્ત્વવિચાર-પૂર્વક વર્તવાથી જગતમાં થતા અન્ય ફેરફારો પ્રત્યે હવે તેને કાંઈ પણ લેવાદેવાની વૃત્તિ સુખ-દુ:ખની વૃત્તિ રહેતી નથી, એટલે ક્લેશ-કષાયથી છૂટવાનું સહજ બની જાય છે. વળી, તે પોતાના ચૈતન્યસ્વરૂપનો અચિંત્ય મહિમા વિચારી પોતાના ઉપયોગને સ્વ-આત્મા તરફ વાળવાનો પુરુષાર્થ કરે છે અને બાહ્ય તરફ ઝૂકતી પરિણિતને પાછી વાળે છે. શાંતિ અનુભવવા માટે પોતાના શાંત સ્વરૂપમાં જ પોતાના ઉપયોગને દોરી જાય છે, કારણ કે નિજાત્મા સિવાય બહાર કશેથી પણ શાંતિ મળશે નહીં એની તેને ખાતરી થઈ છે. જેમાં શાંતિ નથી એવા જગતના તમામ પદાર્થો સાથે તેને કંઈ પ્રયોજન રહેતું નથી. તેને તો તેના આત્મા સાથે જ પ્રયોજન રહે છે. પરદ્રવ્યોમાંથી સુખ-શાંતિ મેળવવાની વિપરીત ચેષ્ટા ત્યાગી, તે પોતાના વાસ્તવિક સ્વરૂપનો અનુભવ કરવાનો પુરુષાર્થ કરે છે.
પૂર્વે કરેલી બાહ્ય ધર્મપ્રવૃત્તિથી તેની અંતરની પરિણતિમાં કોઈ પરિવર્તન આવ્યું ન હતું, પરંતુ હવે ચિંતનની દિશા બદલાતાં તેની દશામાં સ્થૂળ અને સૂક્ષ્મ ફેરફારો થાય છે. શુદ્ધાત્મપ્રાપ્તિની વિધિ યથાર્થપણે સમજાયા પછી અંતરની પરિણતિ માર્ગ બદલ્યા વિના રહે નહીં. પરિણતિનો સ્વભાવ છે કે જેનો મહિમા લાગે ત્યાં દોડી જાય. સદ્ગુરુએ આપેલ બોધના ચિંતન દ્વારા સ્વભાવ અને વિભાવનાં લક્ષણ નક્કી કરી, બન્નેને ભિન્ન જાણ્યા પછી અદ્ભુત, ગંભીર, શાંત સ્વતત્ત્વનો અચિંત્ય મહિમા સમજાતાં પરિણતિ સ્વયમેવ અંદર ઢળે છે. મારું સ્વરૂપ શુદ્ધ હોવાથી તેને અન્ય કોઈ વસ્તુ સાથે સંબંધ નથી; હું સદૈવ એક ચૈતન્યમાત્ર છું, અખંડ આનંદકંદ છું, સુખધામ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org