Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
દીક્ષા લે તો પણ તે યથાર્થ મુનિ બની શકતો નથી.'
મુનિપણાનું સ્વરૂપ સમજ્યા વિના દ્રવ્યલિંગી - બાહ્યત્યાગી ‘સાધુ છું, પંચ મહાવ્રત પાળું છું' એમ અભિમાન કરે છે, પણ તેની પરિણતિનું ઠેકાણું નથી હોતું. તેની પરિણતિ બહાર જ ભટક્યા કરે છે. તે કષાયોના નિયંત્રણનું લક્ષ રાખતો નથી અને ઊલટું બાહ્ય ત્યાગનો અહંકાર સેવે છે. ત્યાગનું પ્રયોજન અહંકારનું વર્જન છે, વર્ધન નથી; ત્યાગ અહંકારની ક્ષતિ માટે છે, તેના પોષણ માટે નથી. પરંતુ દ્રવ્યલિંગી બાહ્ય ત્યાગના અહંકારમાં તણાઈ જઈ અનધિકૃત ચેષ્ટા કરે છે અને પરિણામે તેને સંસારનાં અનંત દુઃખનું ભાજન બનવું પડે છે.
વળી, દ્રવ્યલિંગી બાહ્ય ત્યાગના ફળરૂપે ભોગસંપદાને ઇચ્છે છે, જ્યારે મુનિ તો સ્વરૂપસ્થિરતા ઇચ્છે છે. વેષધારી ભોગસામગ્રીમાં લુબ્ધ થાય છે, પરંતુ મુનિ તો તેમાં ઉદાસીન રહે છે. બાહ્યત્યાગી પુણ્ય ઇચ્છે છે, જ્યારે મુનિને ન તો પુણ્યનો ગમો હોય છે, ન પુણ્યફળનો. બાહ્યત્યાગી દેવ ગતિમાં સુખ માને છે, જ્યારે મુનિ તેને અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં વિઘ્નરૂપ દીર્ઘ કાળની જેલ માને છે. બાહ્યત્યાગીનો અભિપ્રાય ભોગાભિલાષાયુક્ત હોય છે, જ્યારે મુનિનો અભિપ્રાય મોક્ષાભિલાષાયુક્ત હોય છે. જો બાહ્યત્યાગીનો અભિપ્રાય પરિવર્તિત થઈ, આત્મસન્મુખ થાય તો તેનો બાહ્ય ત્યાગ પણ સાર્થક થાય અને મોક્ષપંથમાં સહાયક નીવડે. આમ, બાહ્યત્યાગી અંતરમાં રહેલ અહંકાર, આસક્તિ આદિ ગ્રંથિઓના કારણે આત્મકલ્યાણથી વંચિત રહી જાય છે, જ્યારે પોતાના અંતરની શુદ્ધિ કરી જેઓ નિર્ગથ બન્યા છે તેઓ શીધ્ર ધ્યેયપ્રાપ્તિ કરે છે. બહારથી સમાન દેખાતો હોવા છતાં બન્નેના ત્યાગના ફળમાં અંતરંગ અભિપ્રાયની ભિન્નતાના કારણે આવું મહાન અંતર પડે છે. માત્ર બાહ્ય ત્યાગ કરી લેવાથી જીવ મુનિદશા પામી શકતો નથી. દેખાવમાં સાધુ હોય, પરંતુ અંતરમાં વિષય-કષાયની મંદતા ન હોય તો તે નામમાત્ર સાધુ છે. જ્યાં સુધી આત્મા-અનાત્મા વચ્ચેનો ભેદ જાણે નહીં, આત્માના ગુણોનું અંશે પણ વેદન થાય નહીં, ત્યાં સુધી બાહ્ય વેષ કે બાહ્ય વાતાદિ પરમાર્થે સફળ નથી અને તેથી તે બાહ્યલિંગી ખરેખરો સાધુ નથી. શ્રીમદ્ પ્રકાશે છે – ૧- આ સંદર્ભમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનું વચન મનનીય છે, જેનો ઉલ્લેખ ગાથા ૨૪ના વિવેચનમાં કર્યો હોવા છતાં, પુનરુક્તિનો દોષ આચરીને પણ અત્રે વિચારણાર્થે પુનઃ ટાંકીએ છીએ. જુઓ : “સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૩, કડી ૨૨
“જિહાં લગે આતમદ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું;
તિહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાણ્યું.' અર્થાત્ સ્વાનુભવ ન લાધે ત્યાં સુધી એ આત્માનું ગુણઠાણું પહેલું જ રહે છે; પછી ભલે એ વ્રતધારી શ્રાવક હોય, મુનિ હોય, આચાર્ય હોય કે ગચ્છાધિપતિ હોય. તેથી ફલિત થાય છે કે માત્ર બાહ્ય ત્યાગ અને દ્રતાદિનાં પાલન કરવાથી કોઈ છછું ગુણસ્થાનક પ્રાપ્ત કરતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org