Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૩૯
૭૦૧
જાગે તે આત્મહિતના પ્રયત્ન સિવાય એક ક્ષણ પણ નકામી જવા ન દે. જ્યારે અંતરમાં આવો અપૂર્વ ભાવ ઊગે ત્યારે જ મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. આત્માર્થીને તો સ્વભાવનો ઉદ્યમ કરીને પોતાનું હિત કરવું છે. સ્વભાવને ભૂલીને પર-ભાવના પ્રેમના કારણે અહિત થયું હોવાથી હવે તેને સ્વભાવને યથાર્થ સમજીને પોતાનું અપૂર્વ હિત કરવું છે.
જ્ઞાનીઓ જીવને સત્પાત્રદશા પ્રગટાવવા માટે બોધે છે કે હે ભવ્ય! જગતની કોઈ રિદ્ધિ, સિદ્ધિ કે સમૃદ્ધિ જેની તોલે આવી શકે એમ નથી એવી તારી આત્મસમૃદ્ધિ અનંત છે, અનુપમ છે, વચનાતીત છે; છતાં તને આત્માની રુચિ કેમ જાગતી નથી? આત્માર્થીપણું પ્રગટાવવામાં તારું વીર્ય કેમ પ્રવર્તતું નથી? આ મનુષ્યભવમાં પુરુષાર્થ નહીં કરે તો મોક્ષમાર્ગ ક્યારે પામીશ? અત્યારે તું અલ્પ દુઃખ પણ સહન કરી શકતો નથી, તો પછી જેના ગર્ભમાં તેનાથી અનંતગણાં દુ:ખ પડ્યાં છે એવા આત્મબ્રાંતિરૂપ અંતરરોગને મટાડવાનો ઉદ્યમ તું શા માટે કરતો નથી? ભવભ્રમણનો અભાવ કરવા આ ઉત્તમ માનવદેહ મળ્યો છે, તેને પરિભ્રમણનું જે મૂળ કારણ એવા મિથ્યાત્વમાં વેડફી દેવો યોગ્ય નથી. માટે હે જીવ! આત્મકલ્યાણ સાધવું જ છે એવો નિશ્ચય કર. મોક્ષ ઉપર દૃષ્ટિ માંડીને અપૂર્વ લગનીથી મોક્ષને સાધવા માટે જાગૃત થા. હવે તો મોક્ષને સાથે જ છૂટકો છે એવી ખુમારી પ્રગટાવ. આત્માર્થીપણાની પ્રાપ્તિનો પુરુષાર્થ ઉપાડી મોક્ષમાર્ગને પામ અને અંતરરોગ મટાડ.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘દશા ન એવી જ્યાં સુધી, સત્સંગે કરી થાય; ત્યાં લગી સાચી યોગ્યતા, કેમ કરી પ્રગટાય. જ્યાં સુધી એવી યોગ્યતા, જીવ લહે નહિ જોગ; ત્યાં આગળ ન વધી શકે, હરવા ભવ દુઃખ રોગ. મૂળ રોગ મિથ્યાત્વથી, ગમે વિષયના ભોગ; મોક્ષમાર્ગ પામે નહીં, કરે અનેક પ્રયોગ. મોક્ષમાર્ગ વિણ જીવને, લેશ ઘટે નહિ શોક; દુઃખદ સ્થિતિ તે અનુભવે, મટે ન અંતર રોગ.''
*
*
*
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૨-૨૨૩ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ
શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૫૩-૧૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org