________________
૬૬૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન
છે કે બાહ્ય અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો તે હું નથી, તે મારું સ્વરૂપ નથી. તે સંયોગો મારાથી ભિન્ન છે. આત્મા પરનું કાંઈ પણ કરી શકતો નથી અને પરથી કદી આત્માને લાભ કે નુકસાન થઈ શકતાં નથી. બહારમાં ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો આવે પણ તે આત્માના સ્વતંત્ર સ્વભાવમાં કાંઈ કરી શકનાર નથી. સંયોગોના કારણે સુખ-દુ:ખ નથી, માટે બહારની અનુકૂળતા-પ્રતિકૂળતાનું લક્ષ કરવું ઘટતું નથી. બહારના કોઈ સંયોગથી આત્માનો ધર્મ થતો નથી કે અટકતો નથી. ગમે તેટલી બાહ્ય અનુકૂળતા જીવને આત્મસન્મુખ થવામાં મદદરૂપ નથી બનતી અને ગમે તેવી બાહ્ય પ્રતિકૂળતા પણ જીવને સ્વથી વિમુખ થવામાં કારણભૂત નથી બનતી. તેથી દોષ સંયોગનો નથી, પણ દોષ જીવની વિપરીત માન્યતાનો છે. પરસંયોગમાં થતી ઇષ્ટ-અનિષ્ટની કલ્પનાના કારણે અનંત સંસારનું મૂળ પોષાય છે. સંયોગો સાથેનું આ જોડાણ સ્વરૂપ પ્રાપ્તિમાં નડતરરૂપ થાય છે. બાહ્ય નિમિત્તાધીન દૃષ્ટિથી પરમાં ઠીક-ઠીક માને છે તથા તે વડે રાગાદિમાં એકાગ્ર થાય છે, તેથી જ બંધન છે. બહારના સંયોગોના કારણે બંધન નથી.' આવો તત્ત્વનિર્ણય થતાં આત્માર્થીને એ જ ભાવના રહે છે કે હું સંયોગોનું જોડાણ તોડી સ્વભાવમાં સ્થિત થાઉં અને સમભાવમાં ઝૂલું. જો અનુકૂળ-પ્રતિકૂળ સંયોગોમાં રોકાઈ જઈશ તો સ્વરૂપનો અભ્યાસ થઈ શકશે નહીં, તેથી અનુકૂળતાપ્રતિકૂળતાની ઉપેક્ષા કરીને સ્વરૂપના અભ્યાસમાં લાગી જાઉં.'
આમ, આત્માર્થીને સંયોગોની અપેક્ષા હોતી નથી. તેને અનુકૂળતાની હોંશ હોતી નથી. પુણ્યના ફળરૂપે સાનુકૂળ સંજોગો મળે તો પણ તે અનુકૂળતાને ઇષ્ટ માનતો નથી, પણ પોતાના નિર્મળ પવિત્ર સ્વભાવ તરફ ઢળવાનો પ્રયત્ન કરે છે. બાહ્ય સાધનો સારાં હોય તો જ ધર્મ થાય, શરીર સારું હોય તો જ ધર્મ થાય; સાધનો સારાં ન હોય તો ધર્મ ન થાય અને શરીર સારું ન હોય તો ધર્મ ન થાય એવી ભ્રાંતિ તેને હોતી નથી. અનુકૂળતા ન મળે અથવા પૂરતી ન મળે અથવા બીજાને મળે છે એટલી પોતાને ન મળે તો તે રડારોળ કરતો નથી. તેનું વલણ જ એવું હોય છે કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ સમભાવે રહેવું. સગવડની યાચના ન કરવી. અનુકૂળતા હોય કે ન હોય, તેના ઉત્સાહમાં કાંઈ ફરક આવતો નથી.
જેમ આત્માર્થીને સંયોગોની અનુકૂળતાની ઇચ્છા હોતી નથી, તેમ તેને સંયોગોની પ્રતિકૂળતાની ફરિયાદ પણ હોતી નથી. પરમાર્થમાર્ગે આગળ વધતાં પ્રતિકૂળ સંયોગો આવે ત્યારે, અસંયોગી ચૈતન્યતત્ત્વનો અનુભવ કરવાની જેને તાલાવેલી લાગી છે એવો આત્માર્થી જીવ પ્રતિકૂળતાની દરકાર છોડી ચૈતન્યસ્વભાવ તરફ વળવાનો પ્રયત્ન કરે છે. આત્માર્થ સાધવાની કામના હોવાથી તે પ્રતિકૂળતાને ગણકારતો નથી. તે સંયોગોનો વાંક કાઢતો નથી કે સંયોગોની પ્રતિકૂળતાને સંભારતો નથી. તે સમસ્યાથી ગભરાતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org