Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૩૯
૬૯૭
કષાયની શક્તિ ક્ષીણ થતી નથી, ત્યાં સુધી મુક્તિપથ ઉપર પ્રગતિ થતી નથી.
જીવને માત્ર મોક્ષની અભિલાષા જાગે ત્યારે તેને આત્માની ધૂન લાગે છે. તેને માત્ર એક શુદ્ધ આત્મા જોઈએ છે. તેનું ધ્યાન બીજા કશામાં ચોંટતું નથી. તેને આત્મહિતના વિષયમાં તીવ્ર જાગૃતિ હોય છે અને અન્યમાં તેને રસ પડતો નથી. તેને આત્માની એવી લગની લાગે છે કે સ્વરૂપ પ્રગટ થયા વિના રહે નહીં. પોતામાં માત્ર મોક્ષની અભિલાષા પ્રગટી છે કે નહીં તેની જીવે ચોકસાઈ કરવી ઘટે છે. જો સાચી અભિલાષા હોય તો આત્માની વાત સાંભળીને ઉમળકો આવે છે, સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવા માટે પુરુષાર્થ ઊપડે છે, પ્રયોગાત્મક અભ્યાસમાં રસ પડે છે. પરંતુ જો માત્ર મોક્ષની અભિલાષા ન હોય તો આત્માની સાચી રુચિ જાગતી નથી અને જીવ આત્મશ્રેય સાધવામાં અસમર્થ નીવડે છે.
જીવને ભવનો ખેદ જાગે ત્યારે તેને ભવ પરવડતા નથી. તેને ભવનો અભાવ થાય તેવા ભાવમાં જ રુચિ રહે છે. તેને ભવ વધે તેવા ભાવમાં રસ પડતો નથી અને તેનાથી છૂટવાની જ વૃત્તિ હોય છે. તેને વિભાવનો થાક લાગે છે, પરિભ્રમણથી અટકવું છે. “અરે જીવ! હવે બહુ થયું, હવે તો આ પરિભ્રમણથી થોભ' એમ નિર્વેદ ઉત્પન્ન થાય છે. શરીર, સંસાર અને ભોગની અસારતા તેને ભાસે છે, તે પ્રત્યે તેનું વલણ ઉદાસીનતાસભર હોય છે. પરંતુ જીવ ભવથી ખેદ પામ્યો ન હોય તો તેને સંસારની વાતોમાં રસ આવે છે. પરમાંથી સુખ આવતું ન હોવા છતાં અજ્ઞાનથી તે તેમાં સુખ કહ્યું છે અને તેને મેળવવાની ઇચ્છા કરે છે. સ્વભાવને ભૂલી પરમાં સુખની સ્થાપના કરી તે મિથ્યાત્વ પુષ્ટ કરે છે અને મિથ્યાત્વ સહિતની વિષયની પ્રવૃત્તિમાં તેને તીવ્ર રસનાં પરિણામ થાય છે. વિષયમાં થતી તન્મયતા બતાવે છે કે તેને એવી માન્યતા છે કે ‘સંયોગોમાં જ સુખ છે, સંયોગ વગર સુખ હોય નહીં.' જ્યાં ઇષ્ટ સંયોગ નથી ત્યાં સુખ નથી એવો તેનો મત હોવાથી તેણે પરસંયોગોના સર્વથા અભાવરૂપ મોક્ષને સ્વીકાર્યો જ નથી, મોક્ષતત્ત્વની શ્રદ્ધા જ તેને થઈ નથી. તે સુખને સંયોગાશ્રિત ગણતો હોવાથી તેને મોક્ષના વિષયનિરપેક્ષ સુખમાં શ્રદ્ધા થતી નથી. ભવનો ખેદ જાગે તો સંયોગનિરપેક્ષ, ઇન્દ્રિયાતીત સુખનો લક્ષ બંધાય અને તેની પ્રાપ્તિના અભ્યાસમાં દક્ષ થવાય, પરંતુ જ્યાં તેમ થયું નથી ત્યાં સાચો પુરુષાર્થ પ્રગટતો નથી.
- જીવને પ્રાણીદયા જાગે ત્યારે તેને સર્વ જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ પ્રગટે છે. તેનાં પરિણામ કોમળ બને છે. કરુણા, દયા આદિ ગુણોનો વિકાસ થવાથી દયાની રક્ષા માટે વ્રતાદિ ગ્રહણ કરાય છે. કોઈ જીવને પોતાના કારણે દુઃખ ન પહોંચે અને સર્વ જીવોનું મંગળ સધાય એવી વૃત્તિ રહે છે. આવી ચિત્તવૃત્તિ વિના જીવ સાચો ધાર્મિક થઈ શકતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org