Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૩૭
૬૬૭
વાડો, લૂગડાં, બાહ્યત્યાગ એ ક્રિયામાર્ગશુષ્કજ્ઞાનીપણું, માનાર્થ કે મતાર્થ એવું કંઈ પણ પર પ્રયોજન ન આવ્યું. માત્ર આત્માર્થ, સમ્યક્રપરમાર્થ પામવાની તેને અંતરખોજ છે; તેમાં બીજી કલ્પના, ચમત્કાર, મંત્ર, તંત્ર, હઠયોગ, મનની ધારણા, પુણ્ય, યોગ આદિ જડભાવના અંશની પણ તેને ઇચ્છા હોતી નથી. જે છું તે પામું. પૂર્ણ શક્તિરૂપ શુદ્ધ અવિનાશી છું તેવો થાઉં. તેની જ શ્રદ્ધા - સમ્યકઅભિપ્રાય, રાગની રુચિ રહિત જ્ઞાન તે જ્ઞાનની સ્થિરતા - પૂર્ણ વીતરાગતાની જ તેને કામના છે. બીજો જડભાવનો - પૂજાવાનો માનાર્થ મતાર્થ આદિ કોઈ સંસારભાવનો રોગ મનમાં પણ તેને નથી.”
આત્માર્થી જીવને સંસારપક્ષની દરકાર છૂટી જવાથી તેને ચૈતન્યની ધૂન લાગે છે. “મારો આત્મા જ જ્ઞાનાનંદસ્વરૂપ છે' એવી જેને ધૂન લાગી છે તેના પ્રયત્નનો ઝુકાવ સ્વસમ્મુખ હોય છે. તેનો ઝુકાવ રાગ તરફ હોતો નથી. રાગથી પાછી ખસીને તેની પરિણતિ અંતરમાં વળે છે. જેને આત્મા રુચ્યો છે તેવા આત્માર્થીને ત્વરાથી આત્માર્થ સાધવાની તાલાવેલી લાગે છે. તેના અંતરમાં આત્મપ્રાપ્તિનો પ્રયાસ સતત ચાલુ જ રહે છે. આત્માર્થ સાધવા અર્થે પોતાના ઉપયોગને અંતર્મુખ કરવા-રાખવા, જરૂરી એવો સંયમ તે અવશ્ય પાળે છે. જેમ નાવમાં ભરાયેલું પાણી ઉલેચવા માટે સુજ્ઞ પુરુષો બન્ને હાથે પ્રયત્ન કરે છે, તેમ સંગ-પ્રસંગ ઘટાડીને, આરંભ-પરિગ્રહ ઓછો કરી, વ્યાપારવ્યવહારથી ઝટ નિવૃત્તિ લઈ આત્માર્થી જીવ નિજકાર્યમાં તત્પર થાય છે.
આત્મપ્રાપ્તિની તીખી જિજ્ઞાસા જાગી હોવાથી તેના અંતરમાં નિજ શુદ્ધાત્મસ્વભાવ સિવાય અન્યનો - શરીર, ઇન્દ્રિય, લક્ષ્મી, મકાન, સ્ત્રી, પુત્ર, ચક્રવર્તી-ઇન્દ્રાદિની રિદ્ધિ વગેરે પરપદાર્થોનો તેમજ શુભ-અશુભ પરભાવોનો મહિમા છૂટી ગયો હોય છે. તેને વિષય-કષાયની તુચ્છતા લાગતી હોય છે અને નિરંતર આત્માનો મહિમા વર્તતો હોય છે. તેને આત્માના બેહદ સ્વભાવનો વિશ્વાસ હોવાથી અને તે બેહદ સ્વભાવને સાધવા માટે બેહદ પુરુષાર્થ એવા સદ્ગુરુની નિશ્રા હોવાથી તેના પુરુષાર્થમાં પણ ઉત્સાહની બેહદતા હોય છે. તેની પાસે આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે નીતરતું હૈયું હોય છે, રગે રગે ઊછળતી રુચિ હોય છે, છલોછલ પ્રેમ હોય છે, નિત્ય જાગૃત ઉપયોગ હોય છે, અંતરની ધગશ અને પ્રસન્નતા હોય છે. કોઈ પણ પ્રસંગમાં તે હારતો નથી, થાકતો નથી. તેણે નક્કી કર્યું હોય છે કે ‘પ્રયત્નમાં કોઈ પણ હદ બાંધ્યા વગર મારે મારા આત્માને સાધવો જ છે અને ન સધાય ત્યાં સુધી હું લેશમાત્ર થાકવાનો નથી, બલ્ક ઉત્સાહ વધારવાનો જ છું.' ધ્યેયપ્રાપ્તિ માટે તે ઉતાવળ નથી કરતો, પરંતુ પ્રમાદનો ત્યાગ કરી અખૂટ ધીરજપૂર્વક અભ્યાસ કરે છે. અનન્ય પ્રેમથી અને અદમ્ય પુરુષાર્થથી ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૧૬૬-૧૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org