________________
६८०
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
છૂટવારૂપ મોક્ષની ઇચ્છા સિવાય જ્યાં બીજી કોઈ સાંસારિક પદાર્થો મેળવવાની કામના નથી, મોક્ષ પ્રત્યે ગમન કરવાનો જ જ્યાં અદમ્ય ઉત્સાહ વર્તે છે એવું ‘માત્ર મોક્ષ અભિલાષ'રૂપ આત્માર્થીનું બીજું લક્ષણ છે.
કાર્યસિદ્ધિનું રહસ્ય વિચારીએ તો જણાશે કે કોઈ પણ કાર્યની સિદ્ધિમાં સૌથી પ્રથમ તો તે કાર્ય માટેની અંતરંગ ઇચ્છા જાગવી જોઈએ. અંતરંગ ઇચ્છા હોય તો જ રસ્તો મળે છે. મનોવિજ્ઞાનનો નિયમ છે કે જ્યાં આનાથી મને લાભ થશે', ‘આનાથી મને સુખ મળશે' એવી બુદ્ધિ ઊપજે; ત્યાં તેની પ્રાપ્તિ માટે અંતરંગ ઇચ્છા જાગે, તેનું ચિંતન-સ્મરણ રહ્યા કરે અને તેની પ્રાપ્તિ માટે પૂરા રસથી અને પૂરી તન્મયતાથી
પ્રયત્ન થાય.
રુચિ વિનાના ભોજનમાં જેમ મીઠાશ આવતી નથી, કોળિયો ગળે ઊતરતો નથી, પરાણે ઉતારવો પડે છે, મોળ આવે છે અને વમન કે અજીર્ણ થાય છે; તેમ અંતરંગ રુચિ વિનાના પરમાર્થરૂપ ભોજનમાં સાચી મીઠાશ આવતી નથી, સંવેગમાધુર્ય નીપજતું નથી, સત્ય તત્ત્વ ગળે ઊતરતું નથી, પરાણે ઉતારવું પડે છે, અણગમારૂપ મોળ આવે છે અને તે સત્ય તત્ત્વ પેટમાં ટકતું નથી, દેખાડો કરવારૂપ વમન થાય છે અથવા મિથ્યા આગ્રહ તેમજ અભિમાનરૂપ અજીર્ણ ઊપજે છે. જ્યારે રુચિપૂર્વક કરેલા ભોજનમાં મીઠાશ આવે છે, કોળિયો હોંશે હોંશે એની મેળે ગળે ઊતરે છે, પરાણે ઉતારવો પડતો નથી, પેટમાં ટકે છે, મોળ આવતી નથી અને વમન થતું નથી કે અજીર્ણ ઊપજતું નથી, પણ બરાબર પાચન થઈ એકરસ બની શરીરને પુષ્ટ કરે છે; તેમ સાચી રુચિથી કરેલા પરમાર્થરૂપ ભોજનમાં સાચી મીઠાશ આવે છે, સંવેગમાધુર્ય નીપજે છે, સત્ય તત્ત્વનો કોળિયો હોંશે હોંશે એની મેળે ગળે ઊતરે છે, પરાણે ઉતારવો પડતો નથી, સહેજે અંતરમાં ઠરે છે, અરુચિરૂપ મોળ આવતી નથી, દાંભિક ડોળઘાલુ દેખાવરૂપ તેનું વમન થતું નથી કે આગ્રહ તેમજ અભિમાનરૂપ અજીર્ણ થતું નથી; પણ અંતરાત્મપરિણામરૂપે બરાબર પરિણત થઈ પાચન થઈ, એક પરમ અમૃતરસરૂપ બની તે આત્માને પુષ્ટ કરે છે. સન્માર્ગપ્રવેશમાં રુચિનું કેટલું મહત્ત્વ છે તે આ દૃષ્ટાંત ઉપરથી સમજી શકાય છે.
-
અંતરંગ ભાવરૂપ ઇચ્છાથી જીવની વૃત્તિમાં અજબ પલટો આવી જાય છે, કારણ કે જેવી રુચિ ઊપજે છે તેવું તેને અનુસરતું આત્મવીર્ય સ્કુરાયમાન થાય છે. સાચા દિલથી કોઈ પણ વસ્તુ રુચી ગયા પછી તે ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવા માટે જરૂરી પ્રયત્ન થાય છે. મોક્ષની જેને સાચી અંતરેચ્છા ઊપજી છે, તે જીવ ઇષ્ટ સાધના માટે અવશ્ય પ્રયત્ન કરે છે અને તેની પ્રાપ્તિમાં ગમે તેટલાં વિઘ્ન નડે તોપણ તેનો પ્રયાસ છોડતો નથી. ધ્યેયસિદ્ધિમાં વચ્ચે ઉપસ્થિત થતાં વિઘ્નોથી અને અવરોધોથી વિચલિત થયા વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org