Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૭૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આશ્રય કરે તો સ્વાભાવિક પરિણમન થાય છે અને પરનો આશ્રય કરે તો વૈભાવિક પરિણમન નીપજે છે. પર્યાયમાં તથારૂપ યોગ્યતાના કારણે વૈભાવિક પરિણમનથી જે કષાય થાય છે તે એક સમયની પર્યાય સુધી જ સીમિત રહે છે અને તે સ્વભાવની તો બહાર જ છે. જેમ પાણી ઉપર તેલનું ટીપું તરે પણ અંદર પેસી શકે નહીં, તેમ આત્માની અવસ્થામાં થતા કષાય અંતરના શુદ્ધ જ્ઞાનઘન સ્વભાવમાં પ્રવેશ પામી શકતા નથી. આ કષાય આત્માના અધિકારી સ્વભાવના લક્ષે થતા નથી, પરંતુ જીવ જ્યારે પરલક્ષ કરે છે ત્યારે તે વર્તમાન અવસ્થામાં ઉત્પન્ન થાય છે. પરનો આશ્રય કરવાથી જીવની અવસ્થામાં તે ઉત્પન્ન થતા હોવાથી તે ટાળી શકાય છે. વર્તમાન સંયોગી અવસ્થાનું લક્ષ છોડી, ત્રિકાળી અસંગ, જ્ઞાનાનંદરસપૂર્ણ સ્વભાવનો લક્ષ કરવામાં આવે તો તે કષાયનો નાશ થઈ શકે છે. પોતે અકષાયસ્વભાવી છે, જ્યારે કષાયભાવ તો વિકારી ભાવ છે, અપવિત્ર છે, નાશવાન છે, દુઃખરૂપ છે એવો નિર્ણય થયો હોવાથી આત્માર્થી જીવ કષાયોને ટાળવાનો ઉપાય કરે છે.
આત્માથી જીવ પરસંયોગના કારણે પોતાને કષાય થાય છે એમ માનતો નથી, જ્યારે મિથ્યાદષ્ટિ જીવ પરસંયોગના કારણે પોતાને કષાય થાય છે એમ માને છે. તે એમ સમજે છે કે કષાય થવામાં પોતાનો દોષ નથી, તે તો બીજાના કારણે થાય છે. પરંતુ આત્માર્થી જીવ જાણે છે કે કષાયો પોતાની નબળાઈના કારણે જ થાય છે, એટલે કે કષાયો પોતાના કારણે જ, પોતાથી જ થાય છે અને પોતાનો પુરુષાર્થ વધારી કષાયોને અટકાવવા કે નાશ કરી શકવા પોતે સમર્થ છે. શુદ્ધ આત્મસ્વરૂપની જાગૃતિ ઉદયપ્રસંગે ભૂલી જવાથી પોતાની અસાવધાનીના કારણે પરના નિમિત્તે પોતે કષાય ઉત્પન્ન કરે છે. પરના નિમિત્તે કષાય થાય છે, પણ પર કાંઈ કષાય કરાવતું નથી. જો પરવસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ જીવને કષાય કરાવતાં હોય તો એક જ પ્રકારના સંયોગના નિમિત્તે સર્વ જીવોનું પરિણમન સમાન જ થવું ઘટે, પરંતુ એવું તો જોવા મળતું નથી. એક જ પ્રકારના સંયોગમાં જુદા જુદા જીવોમાં જુદી જુદી પરિણતિ જોવા મળે છે. પ્રત્યેક જીવની પ્રત્યેક પર્યાય પોતાની યોગ્યતાનુસાર જ પરિણમે છે. જો જીવ પરાશ્રય કરે તો પર્યાયમાં જરૂર વિકાર ઉત્પન્ન થાય, પણ સ્વાશ્રય કરતાં વિકાર ઉદ્ભવી શકતા નથી.
વળી, અજ્ઞાની જીવ ઊંધી કલ્પના કરી એમ બહાનાં આપે છે કે ‘કર્મ મને કષાય કરાવે છે, તેના ઉદયે મારે કષાય કરવો પડે છે', કર્મ નચાવે તેમ નાચવું પડે છે', ‘મારાં કર્મ ભારે છે', “આ તો મારાં મોહનીય કર્મનો દોષ છે', “જ્યાં સુધી કર્મ માર્ગ ન આપે ત્યાં સુધી હું શું કરું?', ‘હું પોતે તો કષાય કરવા માંગતો નથી, પણ કર્મો મારો કેડો મૂકતાં નથી'. આ પ્રકારે તે પોતાની ભૂલ સ્વીકારતો નથી અને તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org