Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬ ૨૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બાહ્યમાં મુનિવેષ હોય તથા મુનિ જેવું બાહ્ય આચરણ હોય. અહીં છઠ્ઠા ગુણસ્થાનકવર્તી મુનિની વાત કરી છે. તેવા મુનિ જ સાચા ગુરુ છે એમ આત્માર્થી જીવ માને છે. ચોથા ગણસ્થાનકે આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય છે. ત્યાં અનંતાનુબંધી કષાયનો ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષય થયો હોવાથી આંશિક સ્વરૂપાચરણરૂપ સમ્મચારિત્ર - અત્યંતર વિરતિ તો હોય જ છે, પરંતુ સંયમાચરણનો અભાવ હોવાથી તેને અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. આ ભૂમિકામાં વિશેષ વિશેષ કાળના અંતરે કોઈક કોઈક વાર નિર્વિકલ્પ સ્થિતિ થાય છે. પાંચમા ગુણસ્થાનકે ચોથા ગુણસ્થાનક કરતાં અલ્પ અલ્પ કાળને આંતરે નિર્વિકલ્પ અનુભવ થાય છે અને છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકવર્તીને તો વારંવાર, અંતર્મુહૂર્તમાં જ, નિયમથી વિકલ્પ તૂટીને સ્વાનુભવ થયા કરે છે. ચોથા, પાંચમા તથા છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકવર્તી સાધકના આત્મજ્ઞાનમાં - આત્મપ્રતીતિમાં કોઈ ભેદ નથી, પરંતુ આત્મસ્થિરતામાં ભેદ છે. આત્મજ્ઞાનપૂર્વક આત્મસ્થિરતા જ્યાં વિશેષપણે છે એવા છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનકવર્તી મુનિ સદ્દગુરુપદને યોગ્ય છે એમ આત્માથી જીવ માને છે.
આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના જે પંચમહાવ્રતધારી હોય તેને દ્રવ્યલિંગી એટલે કે વેષધારી જ કહેવાય છે. જે આત્માનુભવી હોય, જે નિરંતર આત્મભાવમાં રમણ કરનારા હોય, જે વસ્તુગતે વસ્તુનું સ્વરૂપ પ્રકાશનારા હોય, જે સત્પરુષોના સનાતન સંપ્રદાયને અનુસરનારા હોય, જે સારભૂત એવી સંવરક્રિયાના આચરનારા હોય; તે જ સાચા શ્રમણ છે, તે જ સાચા સાધુ છે, તે જ સાચા મુનિ છે, તે જ સદ્દગુરુપદને શોભાવનારા છે. આત્માર્થી જીવ બાહ્ય લિગ - વેષથી નિરપેક્ષપણે સાચા ભાવલિંગી સાધુને ઓળખી તેમની ભક્તિ કરે છે. ગમે તે મત, પંથ, વેષમાં રહેલ આત્મજ્ઞ પુરુષોને સપુરુષ તરીકે ઓળખી તેમનો આદર કરે છે. તે નથી જોવા બેસતો કે તેમણે સફેદ કપડાં પહેર્યા છે કે પીળાં, લંગોટી પહેરી છે કે નગ્ન છે, કારણ કે તે યથાર્થપણે સમજે છે. કે ધર્મ કાંઈ કપડાંમાં સમાયો નથી; અને તેથી જ્યાં ભાવસાધુપણું દેખે છે ત્યાં નમે છે અને તેવા ભાવસાધુને જ સદ્ગુરુપદે સ્થાપી આત્મકલ્યાણ સાધે છે.
આમ, આત્માર્થી યથાર્થ પરીક્ષા કરીને, એટલે કે આત્મજ્ઞાનની વિદ્યમાનતાની ચકાસણી કરીને સદ્ગુરુને સ્વીકારે છે, કારણ કે આત્મદ્રષ્ટા આત્માનુભવી જ્ઞાની પુરુષ જ સન્માર્ગે લઈ જનાર સદ્ગુરુ છે. જેમ દીવાથી દીવો પ્રગટે છે, તેમ જેમણે આત્મા સાક્ષાત્ અનુભવ્યો છે એવા આત્મદ્રષ્ટા સગુરુ જ આત્મસિદ્ધિ કરાવી શકે છે. જેમને આત્મજ્ઞાન નથી એવા પોતાના કુળના ગુરુને આત્માર્થી જીવ સદગુરુ માનતો નથી. શ્રીમદ્ કહે છે -
‘લૌકિક દષ્ટિ ભૂલી જવી. લોકો તો જે કુળમાં જન્મે છે તે કુળના ધર્મને માને છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org