Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૨૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વ્રતનું પારમાર્થિક સ્વરૂપ સમજ્યા વિના અને તેના લક્ષ વિના બાહ્ય સ્થૂળ વત કરવામાં આવે તો તે નામવ્રત કહેવાય છે. બાહ્ય વ્રત જો સામાજિક બંધનથી થાય, લોકલાજથી થાય, જાહેરાતની વૃત્તિથી થાય, સાંસારિક કામનાથી થાય કે અન્યના અનુકરણની વૃત્તિથી થાય તો તેની ગણના વ્યવહાર વ્રતમાં થતી નથી. બાહ્ય વ્રત નિશ્ચયષ્ટિપૂર્વક હોય તો જ તે વ્યવહાર વ્રત કહેવાય છે. તથારૂપ ભાવ વિનાના વ્રત નામવતની સંજ્ઞા પામે છે. ભગવાને વ્રતોનું પ્રતિપાદન કર્યું છે, તેથી તેના પાલનથી મોક્ષ મળશે એમ માની, આત્મલક્ષ વિના માત્ર રૂઢિગતપણે વ્રતોનું પાલન કરવાથી ધર્મ થતો નથી અને તેથી તેવાં વ્રતો નિશ્ચય વતનું કારણ બની શકતાં નથી. તપ – તપની વ્યાખ્યા કરતાં જ્ઞાનીઓ કહે છે કે સ્વસ્વરૂપમાં પ્રતપન કરવું, અર્થાત્ આત્મલીનતા દ્વારા વિકારો ઉપર વિજય પ્રાપ્ત કરવો તે તપ છે. જેના વડે આત્મા સ્વરૂપમાં પ્રતાપે, નિજસ્વરૂપતેજ ઝળહળે તે તપ છે. વળી, અન્ય સ્થળે તપની વ્યાખ્યા કરતાં જ્ઞાનીઓએ ઇચ્છાના નિરોધને તપ કર્યું છે. આ બન્ને નિશ્ચય તપની વ્યાખ્યાઓ છે. અસ્તિથી આત્મસ્વરૂપમાં લીનતા અને નાસ્તિથી ઇચ્છાઓનો અભાવ એ નિશ્ચય તપ છે. આમ, ચૈતન્યનું પ્રતપન અને ઇચ્છાનિરોધ તે જ નિશ્ચય તપ છે. નિશ્ચય તપ વખતે જીવને શુદ્ધોપયોગ વર્તે છે અને શુદ્ધ પરિણામ કર્મની નિર્જરાનું કારણ હોવાથી નિશ્ચય તપથી જીવને નિર્જરા થાય છે.
શુદ્ધોપયોગમાં સ્થિર રહી શકે તે અર્થે સાધક શુદ્ધોપયોગના લક્ષપૂર્વક વ્યવહાર તપ કરે છે. વ્યવહાર તપનું અવલંબન લેવાથી તેના ભાવ અશુભમાં જતા નથી. તેનો પુરુષાર્થ રાગ-દ્વેષ તોડવા તરફ વળે છે અને ક્રમે કરીને તે શુદ્ધ ભાવમાં નિર્વિકલ્પપણે સ્થિર થાય છે. શાસ્ત્રમાં બાર પ્રકારના વ્યવહાર તપ બતાવ્યાં છે. તેમાંથી છ બહિરંગ તપ છે અને છ અત્યંતર તપ છે. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, સંલીનતા અને કાયક્લેશ એ બાહ્ય તપ છે અને પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃજ્ય, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાન એ અત્યંતર તપ છે. અનશન આદિ બાહ્ય તપ સ્વાધ્યાય આદિ અત્યંતર તપને સહાયકારી થાય છે, તેથી તે અવશ્ય કરવા યોગ્ય છે. જેમ કે ઉપવાસ આદિ હોય ત્યારે આહારની પંચાત મટી જાય છે, મન સ્વચ્છ રહે છે અને સ્વાધ્યાય આદિમાં પ્રવર્તવાની અનુકૂળતા અને અવકાશ મળે છે. આ રીતે બાહ્ય તપ અત્યંતર તપને પુષ્ટિ આપે છે, તેથી જો બાહ્ય તપ યથાશક્તિ સમજણપૂર્વક કરવામાં આવે તો તે કલ્યાણકારી નીવડે છે. બાહ્ય અને અત્યંતર તપ બન્ને આત્મસાધનામાં ઉપયોગી છે. આ બાર પ્રકારના તપ ભલે તે બાહ્ય તપ હોય કે અત્યંતર - તેમાં એક શુદ્ધોપયોગરૂપ વીતરાગભાવની જ પ્રધાનતા છે. પ્રત્યેક તપમાં વીતરાગભાવની વૃદ્ધિ થાય તો જ તે મોક્ષાર્થે સાર્થક નીવડે છે, અન્યથા નહીં. પંડિત શ્રી ટોડરમલજી “મોક્ષમાર્ગ પ્રકાશક' માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org