Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૩૨
૫૯૧ જીવ પક્ષપાતરહિત મધ્યસ્થ હોય તો જ તે તત્ત્વનું માપતોલ બરાબર કરી શકે છે, અર્થાત્ તત્ત્વની યથાતથ્ય પરીક્ષા કરી શકે છે. વીતરાગમાર્ગમાં દષ્ટિરાગને અવકાશ જ નથી. કોઈ સ્વીકાર કરે કે ન કરે, પોતાના મિથ્યા આગ્રહોનો ત્યાગ કરે કે ન કરે, સત્ય તો સત્ય જ રહે છે. સત્યના આધારે જીવે પોતાની ધારણાઓ બદલવી ઘટે છે. જો જીવની ધારણાઓ સત્ય હોત તો જીવ દુઃખી ન હોત અને તેને વીતરાગમાર્ગની પ્રાપ્તિ થઈ હોત. પરંતુ વાસ્તવિક સિદ્ધાંતથી અપરિચિત સર્વ ધારણાઓ મૂળથી જ અસત્યના આધાર ઉપર બંધાયેલી હોવાથી તે ધારણાઓ વીતરાગમાર્ગની પ્રાપ્તિમાં અવરોધરૂપ બને છે. મધ્યસ્થતાના પ્રકાશથી સર્વ મિથ્યા આગ્રહોનું અંધારું દૂર થાય છે.
- આત્માર્થી જીવ પોતાના સર્વ આરહોનો ત્યાગ કરી મધ્યસ્થપણે વસ્તુસ્વરૂપનું દર્શન કરે છે. તે વસ્તુસ્વરૂપનો નિર્ણય કરવા પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે છે. પોતાનો અભિપ્રાય આપતી વેળા ‘આ મારો મત છે', ‘મારું આમ માનવું છે', “હું આમ સમજું છું' - એ રીતે બોલવાની જાગૃતિ ચૂકતો નથી. પોતાની મતિ અલ્પ અને અશુદ્ધ છે એમ જાણતો-માનતો હોવાથી તે પોતાને જેમ લાગે છે તેમ જ વસ્તુસ્થિતિ છે એવો દાવો કરતો નથી. પોતાની ભૂલ પકડાય તો તે તરત સત્યનો સ્વીકાર કરી ભૂલને ટાળી દે છે. એકાંતિક માન્યતાની પકડમાં ફસાઈ ન જાય એ માટે તે હંમેશાં પોતાની વૃત્તિની ચકાસણી કરતો રહે છે.
મતાર્થી જીવમાં મધ્યસ્થતા ન હોવાથી તે કોઈ પણ એક પક્ષ પ્રત્યે ઢળી જાય છે અને સત્યાસત્યની સાચી તુલના કરી શકતો નથી. તે પોતાના મત-પંથ-સંપ્રદાયની સાથે જોડાયેલ વ્યક્તિ કે માન્યતાના ગુણ-દોષ જોયા-જાણ્યા વિના, કેવળ સાંપ્રદાયિક મમત્વથી દોરવાઈ જઈ, તેની પ્રત્યે આંધળો અનુરાગ રાખી, તેના ગુણગાન કરવામાં તત્પર રહે છે અને પોતાના મત-પંથ-સંપ્રદાયની બહારની વ્યક્તિ કે માન્યતા પ્રત્યે દ્વેષ, અરુચિ, અનાદર કે અસહિષ્ણુતા દાખવે છે. આ દૃષ્ટિરાગનું લક્ષણ છે. આ પોતાનો પક્ષ છે એમ જાણી તે તેના પ્રત્યે રાગ કરે છે અથવા આ તો પારકો પક્ષ છે એમ જાણી તેના પ્રત્યે દ્વેષ કરે છે, તેથી તે સત્ય વસ્તુને ગ્રહણ કરી શકતો નથી. જો તે સ્વ કે પર પક્ષ પ્રત્યે ઢળ્યા વિના મધ્યસ્થ રહીને સત્ય-અસત્યની તુલના કરે તો જ તે તત્ત્વને પામી શકે છે. તે પોતાના સિદ્ધાંતનો વિચારરહિત કેવળ રાગથી સ્વીકાર કરતો નથી અને પરસિદ્ધાંતનો વિચારરહિત કેવળ દ્વેષથી ત્યાગ કરતો નથી, પરંતુ મધ્યસ્થ દૃષ્ટિથી વિચાર કરીને સ્વસિદ્ધાંતનો આદર અથવા પરસિદ્ધાંતનો ત્યાગ કરે છે. ૧ આચાર્યશ્રી ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘જ્ઞાનસાર, માધ્યસ્થાષ્ટક, શ્લોક ૭
'स्वागमं रागमात्रेण द्वेषमात्रात् परागमम् । न श्रयामस्त्यजामो वा किन्तु मध्यस्थया दृशा ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org