Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૧૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
ક્ષયોપશમાદિ દોષથી કોઈ ઘટ-પટાદિ પદાર્થો અયથાર્થ જણાય તો પણ તેના કારણે મોક્ષમાર્ગરૂપ પ્રયોજન સાધવામાં તેમને કોઈ વિપરીત પરિણામ થતાં નથી, કારણ કે પ્રયોજનભૂત મૂળ વસ્તુ જાણવામાં તેમને તે વિપરીતતા ક્યારે પણ નડતી નથી. પ્રયોજનભૂત તત્ત્વોમાં જ્ઞાનીને કદી વિપરીતતા થતી નહીં હોવાથી તેઓ રાગાદિ વિકારને કદી જ્ઞાનરૂપ કે સ્વ રૂપ જાણતા નથી. પ્રયોજનભૂત તત્ત્વો, સ્વ-પરની ભિન્નતા વગેરેને તો તેમનું જ્ઞાન યથાર્થપણે જ જાણે છે. તેમનું સર્વ જ્ઞાન સમ્યજ્ઞાન જ છે, જ્યારે અજ્ઞાની કદાચ દોરીને દોરી, સર્પને સર્પ વગેરે અપ્રયોજનભૂત તત્ત્વોને સાચી રીતે જાણી પણ લે, તો પણ તેનું જ્ઞાન પ્રયોજનભૂત સ્વને જાણતું નહીં હોવાથી તેની વ્યાવહારિક રીતે ગણાતી સર્વ સાચી જાણકારી પણ મિથ્યા છે, કારણ કે સ્વ-પરનો ભેદ સમજવામાં તો તે ભૂલ જ કરતો હોય છે. મોક્ષમાર્ગને સાધવામાં જે જ્ઞાન કામ આવે અથવા જે જ્ઞાનમાં વિપરીતતા ન હોય તે જ્ઞાન જ સમ્યજ્ઞાન છે. વ્યાવહારિક જ્ઞાન ભલે ગમે તેટલું હોય પણ મોક્ષમાર્ગ સાધવામાં જે જ્ઞાન કામ ન આવે તે જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. જગતમાં સૌથી પ્રયોજનભૂત મુખ્ય અને મૂળ વસ્તુ નિજ શુદ્ધાત્મા છે અને તેનું જ્ઞાન થયા પછી જીવનું સર્વ જ્ઞાન સમ્યજ્ઞાન જ ઠરે છે.
જ્ઞાની કદાચિત્ દોરીને સર્પ સમજે, અપ્રયોજનરૂપ પદાર્થને અન્યથા જાણે, તોપણ તેમનું જ્ઞાન સમ્યજ્ઞાન જ છે; કારણ કે એ પ્રક્રિયામાં આત્માના સ્વરૂપની સમજણમાં કોઈ ભૂલ થતી નથી, એ તો માત્ર બહારના ક્ષયોપશમ જ્ઞાનનો અભાવ છે. જ્ઞાનાવરણના ઉદયજન્ય ભાવ જે બારમા ગુણઠાણા સુધી હોય છે, તેને અપેક્ષાએ ‘અજ્ઞાન' કહેવાય; પરંતુ મોક્ષમાર્ગ સાધવા માટે અથવા તો આત્માનું સાચું સ્વરૂપ જાણવા માટે જ્ઞાનીને જે જ્ઞાન છે તે તો સમ્યક્ જ છે. દોરડીને દોરડી ન જાણતાં કદાચ તેઓ તેને સર્પ જાણે તોપણ તેમના જ્ઞાનમાં કોઈ સ્વ-પર-એકત્વબુદ્ધિ પ્રગટતી નથી કે રાગાદિ પરભાવમાં તન્મયબુદ્ધિ થતી નથી, એટલે કે આત્મા વિષેનું તેમનું જ્ઞાન જેમ છે તેમ જ રહે છે, મિથ્યા થતું નથી. તે વખતે પણ તેમનું ભેદજ્ઞાન તો યથાર્થપણે જ વર્તી રહ્યું હોવાથી તેમનું સર્વ જ્ઞાન સમ્યજ્ઞાન જ છે. સ્વભાવને અને પરભાવને અલગ કરવાનું અપૂર્વ કાર્ય જ્ઞાનીના જ્ઞાનમાં પ્રતિક્ષણે થઈ જ રહ્યું હોવાથી એ જ્ઞાન રાગથી જુદું પડીને આત્મસ્વભાવનું થઈ જાય છે.
- એક જીવ ઘણાં શાસ્ત્રો ભણેલો હોય અને હજારો જીવો તેની પૂજા કરતા હોય; પણ જો તેને શુદ્ધાત્માના અનુભવપૂર્વકનું શ્રદ્ધાન નથી તો તેનું બધું જ્ઞાન મિથ્યા છે. બીજો એક જીવ નાનું દેડકું હોય, માછલું હોય, સર્પ હોય, સિંહ હોય કે બાળકદશામાં હોય, તેને શાસ્ત્ર વાંચતાં ન આવડતું હોય કે આત્મા વિષે બોલતાં પણ ન આવડતું હોય, છતાં જો તેને શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન છે તો તેનું બધું જ જ્ઞાન સમ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org