Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૭૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
પોતાનો પક્ષ એવો દૃઢ કરે છે કે તેમને સાચું સમજવાનો અવકાશ જ રહેતો નથી અને પરિણામે તેઓ આત્મપરિણામરૂપ પરમાર્થને પામી શકતા નથી. ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની એ બન્ને પ્રકારના મતાર્થી જીવો પરમાર્થરૂપ રાજમાર્ગને ચૂકી પોતાના મતના વર્તુળમાં એવા સપડાઈ જાય છે કે તેઓ માર્ગ પામવાને અધિકારી અયોગ્ય બની જાય છે. આમ, શ્રીમદે આ ગાથામાં ગર્ભિતપણે સૂચવ્યું છે કે પરમાર્થ પામવાનો અધિકારી માત્ર આત્માર્થા મુમુક્ષુ જીવ જ છે.
અપાત્ર
મતાર્થી જીવને આત્માનો લક્ષ નહીં હોવાથી તથા માનની કામના રહેતી
વિશેષાર્થ હોવાથી, લોકમાં પોતાનાં માન-મોટાઈ આદિ સુરક્ષિત રહે એવી ઇચ્છાથી
તે પોતાના મતનો આગ્રહ મૂકતો નથી, માટે તેને પરમાર્થમાર્ગની સાચી સૂઝ પડતી નથી અને તેનાં બધાં સાધનો મોક્ષાર્થે નિષ્ફળ નીવડે છે. તેની માન્યતા અને પ્રવૃત્તિ એવી હોય છે કે જેથી તે જ્ઞાન પામવાને અધિકારી થતો નથી. બરાબર તાકીને લક્ષ્ય પ્રત્યે બાણ છોડવામાં આવે તો તે લક્ષ્ય અવશ્ય વીંધાય છે, પણ જો લક્ષ્યનું અનુસંધાન કર્યા વિના બાણ છોડવામાં આવે તો નિશાન ચૂકી જવાય છે; તેમ પરમાર્થલક્ષે સત્સાધન કરે તો તેનો ઉપયોગ અંતર્મુખ થાય અને સ્વરૂપમાં સ્થિર થવાય, પરંતુ ૫રમાર્થલક્ષના અનુસંધાન વિના થયેલા મતાર્થી જીવના સર્વ પ્રયત્નો પરમાર્થે નિષ્ફળ જાય છે. તેની સર્વ ધાર્મિક ક્રિયાઓની પાછળ માન અને મત સાચવવાની જ વૃત્તિ હોય છે. તે દાન આપે તોપણ પોતાની પ્રશંસા માટે આપે છે અને તે માટે પાત્ર-અપાત્રનો વિચાર પણ કરતો નથી; તપ કરે તોપણ માનપાન વધે તેવા હેતુપૂર્વક કરે છે, પણ તે પોતાનાં પરિણામોની તપાસ કરતો નથી; તે પૂજા-પ્રભાવનાદિ કરે તોપણ સમાજમાં પોતાના વખાણ થાય એ માટે કરે છે, પરંતુ તેનાં પરમાર્થપ્રયોજન પ્રત્યે લક્ષ કરતો નથી; ગુર્વાદિને વંદન, સ્તુતિ આદિ કરે તોપણ સમાજમાં પ્રતિષ્ઠા પામવાનો તેનો હેતુ હોય છે, પણ તેમનો આશ્રય ગ્રહી પોતાનું આત્મકલ્યાણ કરતો નથી; શાસ્ત્રાભ્યાસ કરે તોપણ બીજાઓને સંભળાવી પ્રશંસા મેળવવાની કામના હોય છે, પણ તે શાસ્ત્રોના પરમાર્થને અંતરમાં અવધારતો નથી. આમ, તેના સર્વ પ્રયત્નો અવળી દિશામાં વળે છે. તે જે કાંઈ કરે છે તે માનાદિ પોષવા અર્થે કરે છે, ઘટાડવા માટે નહીં. તેની સર્વ ધાર્મિક પ્રવૃત્તિનાં મૂળમાં મોટાઈનો ભાવ હોવાથી અને વિભાવથી છૂટવારૂપ તથા સ્વભાવમાં સ્થિતિ થવારૂપ પરમાર્થપ્રાપ્તિનો ભાવ નહીં હોવાથી તેના તે સર્વ પ્રયત્ન નિષ્ફળ નીવડે છે. તેથી જ ગણિશ્રી દેવચંદ્રજી મહારાજે કહ્યું છે
-
દ્રવ્યક્રિયા સાધન વિધિ યાચી, જે જિન આગમ વાચી રે;
પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, તિણે નવિ થાયે સાચી રે.૧
૧- ગણિશ્રી દેવચંદ્રજીરચિત, 'વિહરમાન જિન સ્તવન', શ્રી સુબાહુ ભગવાનનું સ્તવન, કડી ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org