________________
૫૭૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દુરાગ્રહ છે એટલું સમજી શકવાની યોગ્યતા પણ તે ખોઈ બેસે છે અને પરમાર્થપ્રાપ્તિ માટે આવશ્યક અધિકારીપણું પણ તે પ્રગટાવી શકતો નથી. આ સર્વ કારણોને લીધે શુષ્કજ્ઞાનીને પરમાર્થ માટે અનધિકારી કહ્યો છે.
અધિકારીપણું એ એક વિશેષ પ્રકારનું આંતરિક પરિણમન છે. જે જીવ અધિકારી છે તે તો માનાદિથી છૂટવાના જ પ્રયાસ કરે છે. તેને માનાદિમાં કદી પણ મીઠાશ લાગતી નથી, પણ ખેદ થાય છે. તે તેમાં રાજી થતો નથી, પરંતુ તેનાથી છુટાય એવા પ્રયત્નો આદરે છે. તે શાસ્ત્રના બોધને પોતાના અભિપ્રાયમાં સ્થિર કરી પરમાર્થપ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે છે. શાસ્ત્રની સમજને ઉદયપ્રસંગે જાગૃત કરી, નિજાવલોકન, ભેદજ્ઞાન અને સ્વરૂપસન્મુખતાના પ્રયત્નો કરે છે. આત્મહિતની નિષ્ઠા અને ઉત્કંઠાના કારણે તે યથાર્થ પ્રયોગશીલતા દ્વારા પરમાર્થપ્રાપ્તિ તરફ આગળ વધે છે. અધિકારી જીવના જીવનમાં પરમાર્થપ્રાપ્તિનો સપુરુષાર્થ જ અગ્રિમતા પામે છે. પરંતુ જેને પરમાર્થપ્રાપ્તિનો નિર્ણય થયો ન હોય, પુરુષાર્થ ઉલ્લભ્યો ન હોય, માનાદિનાં કારણોમાં અને પરિણામોમાં હજી મીઠાશ વર્તતી હોવાથી તેનાથી રહિત થવાની લગની લાગી ન હોય તે જીવ પરમાર્થ પ્રાપ્ત કરવા માટે અનધિકારી છે.
અનધિકારી જીવ પરમાર્થનિર્ભર રહેવાને બદલે માનાદિ ઉપર નિર્ભર હોય છે. પોતે બાંધેલી કલ્પના અનુસાર તે માનાદિ પ્રાપ્ત કરવા-સાચવવામાં પ્રવૃત્ત રહે છે. તેને માનાદિ મળે તો એમાં રસ આવે છે, મીઠાશ લાગે છે, એમાં તે તન્મય થઈ જાય છે. તેની વૃત્તિ માનમાં ઘોળાયા કરતી હોવાથી તેને પરમાર્થપ્રાપ્તિનો ઉત્સાહ અને દરકાર હોતાં નથી. તેનું વીર્ય માનાદિની પ્રાપ્તિ તરફ વળે છે, પરંતુ પરમાર્થ તરફ વળતું નથી. સહજ જ્ઞાન અને સહજ આનંદ આદિ અનંત ગુણોથી ભરપૂર નિજચૈતન્યના - ત્રિકાળી શુદ્ધ ધ્રુવ જ્ઞાયક આત્માના યથાર્થ માહામ્ય વિના તેની દૃષ્ટિ ત્યાં જામતી નથી. અનધિકારી જીવને નિજ ઉત્તમ પદ માટે ઝૂરણા થતી નથી. એક પરમાર્થપ્રાપ્તિનું જ કાર્ય કરવાનું છે એમ તેને અંતરમાં ભાસતું નથી. પરમાર્થપ્રાપ્તિના લક્ષ વિના તેનો સઘળો શાસ્ત્રાભ્યાસ નિરર્થક નીવડે છે. તે પોતાના શુદ્ધ આત્મસ્વભાવની વાત વાંચસાંભળે છે, પરંતુ તેને પ્રયોગાત્મક અભ્યાસ કરવામાં ઉમળકો આવતો નથી. તે આત્મા સુખાદિ અનંત ગુણસંપન્ન છે' એમ કહે છે, પરંતુ અંતરમાં તો એમ જ માને છે કે માનાદિમાં સુખ છે. હું પૂર્ણ પ્રભુ છું' એમ બોલવા છતાં તેને આત્માની મહત્તા નથી આવતી, પરંતુ પોતાની મહત્તા સ્થાપવા બાહ્યમાં ભમે છે. “માનાદિ મેળવું તો હું કંઈક કહેવાઉં' એમ માની તે માનેચ્છાની પૂર્તિના પ્રયત્ન કરે છે. માનાદિના બંધનમાં રસ્ત હોવાથી તે પરમાર્થનું મુખ્ય કામ કરતો નથી અને વિપરીત પુરુષાર્થના કારણે ભવાટવીમાં ઘોર રઝળપાટ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org