________________
પર ૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન વૃત્તિ, સંકલ્પ, ઇન્દ્રિયજન્ય સુખોની કામના, અહં-મમની સ્થૂળ-સૂક્ષ્મ વાસના આદિનાં અવલોકન, પૃથક્કરણ અને વિસર્જનપૂર્વક જો વ્રત-તપ આદિ થાય તો જ તે સાર્થક છે. પરંતુ મતાથ જીવની વૃત્તિ તો માત્ર બાહ્ય વ્રત-તપનું પાલન કરવામાં રહે છે અને વળી તે તેનું અભિમાન કરવામાં રોકાઈ જાય છે, તેથી વ્રત-તપ દ્વારા પરમાર્થને ગ્રહણ કરવાનો પુરુષાર્થ પણ થતો નથી.
આમ, લૌકિક માન-પૂજા મેળવવા અર્થે વ્રતોરૂપી બાહ્ય આચાર પાળે અને તેમાં જો અભિમાન કરે તો તે જીવ પરમાર્થને ગ્રહણ કરી શકતો નથી. વ્રતના અભિમાનથી પ્રહાયેલા મતાર્થીને પરમાર્થનું, અર્થાત્ સાચી વાતનું ભાન તો થતું નથી અને ક્યારેક પુણ્યોદયે જ્ઞાની પુરુષનો યોગ બને અને તેમનાં લોકોત્તર વચનોના શ્રવણનો યોગ બની આવે તોપણ લોકમાં પોતાની વ્રતધારી તરીકેની જે પ્રતિષ્ઠા છે અને તેના દ્વારા જે માનપાન પ્રાપ્ત થઈ રહ્યાં છે, તે આ લોકોત્તર વચનાનુસાર વર્તન કરવાથી ચાલ્યાં જશે અથવા તો પોતાને માનાદિ પામવાની આકાંક્ષા છે તે આ સાચી વાતને ગ્રહણ કરવાથી પૂર્ણ નહીં થઈ શકે એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરતો નથી.
- પરિપૂર્ણ શુદ્ધદશારૂપ મોક્ષની પ્રાપ્તિ અર્થે મુમુક્ષુ જીવે એક શુદ્ધોપયોગરૂપ ધરાવવીતરાગભાવનો અભ્યાસ કર્તવ્ય છે. આ શુદ્ધોપયોગની પ્રાપ્તિ અને વૃદ્ધિ અર્થે પૂર્વાચાર્યોએ ભિન્ન ભિન્ન બાહ્ય સાધનો બતાવ્યાં છે. આ સાધનોનું યથાર્થ સેવન કરવાથી સાધક ક્રમે કરીને યોગ્યતાની વૃદ્ધિ કરી શકે છે, તેથી સાધકે યથાશક્તિ તે સાધનોનું પુનઃ પુનઃ અવલંબન લેવું ઘટે છે. આમ, નિશ્ચયધર્મ તો વીતરાગભાવ છે અને બાહ્ય સાધનોનું યથાર્થ પાલન કરવાથી સ્વરૂપાનુસંધાનમાં વૃદ્ધિ થતાં સ્વરૂપમગ્નતાની પ્રાપ્તિ તથા વૃદ્ધિ થતી હોવાથી બાહ્ય સાધનોના સેવનને વ્યવહારધર્મ કહ્યો છે. શુદ્ધોપયોગરૂપ પરમાર્થના લક્ષ વિનાનાં બાહ્ય સાધનો મોક્ષાર્થે સાર્થક નીવડતાં નથી અને તેથી તેની વાસ્તવિક ધર્મરૂપે ગણના થતી નથી. આમ, ધર્મની વ્યાખ્યા ત્રણ પ્રકારે થઈ શકે છે - નિશ્ચયધર્મ, વ્યવહારધર્મ અને નામધર્મ અથવા આભાસરૂપ ધર્મ. આ તથ્યને વ્રત-તપના સંદર્ભમાં વિચારીએ. વ્રત – રાગાદિ પરભાવથી વિરામ પામવાને સર્વવિરતિભાવ (વ્રતપરિણામ) કહે છે. સર્વ પ્રાણાતિપાતથી, સર્વ મૃષાવાદથી, સર્વ અદત્તાદાનથી, સર્વ મૈથુનથી અને સર્વ પરિગ્રહથી મન-વચન-કાયા વડે ત્રિવિધ વિરમણ તે સર્વવિરતિ કહેવાય છે અને તે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રત' નામે પ્રસિદ્ધ છે.
પરભાવપણે પરિણમવું તે હિંસા છે, પરભાવને પોતાના કહેવા તે અસત્ય છે, પરભાવનું ગ્રહણ કરવું તે ચોરી છે, પરભાવમાં રમણતા કરવી તે મૈથુન છે અને પરભાવોને પોતાના માનવા તે પરિગ્રહ છે. સ્વભાવમાં સ્થિર થતાં અહિંસા, સત્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org