________________
૫૧૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
(૨) વળી, પોતાના સંપ્રદાયના વેષના આગ્રહને મોક્ષનું કારણ માનનાર જીવ પણ મતાર્થી છે. અમુક જ પ્રકારના વેષ દ્વારા મોક્ષ પ્રાપ્ત થઈ શકે એવો દઢાગ્રહ સેવનાર મતાથ, પોતાના સંપ્રદાય દ્વારા પ્રતિપાદિત બાહ્ય લિંગ ન ધરાવનાર ધાર્મિક જનની ઠેકડી ઉડાડે છે, એને ધૃણાની નજરથી જુએ છે અને એનો તિરસ્કાર પણ કરે છે. તે બાહ્ય વેષમાં જ - દ્રવ્યલિંગમાં જ મોક્ષમાર્ગની કલ્પના કરતો હોય છે અને લિંગકૃત આગ્રહ સેવવામાં જ મોક્ષની આરાધના માને છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે –
“કોઈ કહે “અમે લિંગ તરશું, જૈનલિંગ છે વારુ”;
તે મિથ્યા નવિ ગુણ વિણ તરિયે, ભુજ વિણ ન તરે તારૂ રે." કેટલાક અજ્ઞાનીઓ કહે છે કે અમે સાધુના વેષમાત્રથી તરી જઈશું, કારણ કે જૈન સાધુવેષ ભવથી તારનારો છે. પણ આ વાત અજ્ઞાનથી ભરેલી છે, કારણ કે જેમ ભુજા વિના તરવૈયો તરી શકતો નથી, તેમ ગુણ વિના કદી પણ ભવસમુદ્ર તરી શકાતા નથી; અર્થાત્ સમ્યગ્દર્શનાદિ ગુણ ભવથી તારનાર છે, નહીં કે માત્ર બાહ્ય વેષ.
મોક્ષની પ્રાપ્તિ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગની આરાધનાથી થાય છે અને આ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ તો આત્માશ્રિત છે, દેહાશ્રિત નહીં; કારણ કે નિજાત્માની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે, પરવસ્તુથી આત્માની ભિન્નતાનો બોધ તે સમ્યજ્ઞાન છે અને પરદ્રવ્યનું અવલંબન છોડીને સ્વરૂપમાં એકાગ્ર થવું તે સમ્યફચારિત્ર છે. આ પ્રકારે મોક્ષનો ઉપાય આત્માશ્રિત છે, દેહાશ્રિત નથી અને વેષનો સંબંધ તો દેહ સાથે છે, તેથી વેષનો આગ્રહ કાર્યકારી નથી.
આત્મામાં એવી શક્તિ છે કે પોતે જ સાધકતમ થઈને પોતાનાં સમ્યગ્દર્શન આદિનું સાધન થાય છે. કોઈ પણ સંયોગમાં એવી તાકાત નથી કે તે જીવના કાર્યનું સાધન થાય. જીવના કાર્યનું સાધન થવાની તાકાત જીવમાં જ છે. જેમ દરિયો પોતામાં ને પોતામાં ઘૂઘવે, તેમ પોતામાં ને પોતામાં દ્રવ્ય અને પર્યાય વચ્ચે જ બધી રમત છે, એનાથી બહાર નથી. પરમ શુદ્ધ આત્મસ્વભાવમાં લીનતા તે જ પરમ સુખનું સાધન છે. અખંડ આત્માને ધ્યેયરૂપ બનાવવો એ જ મોક્ષનો ઉપાય છે. તેથી મોક્ષનું સાધન જીવમાં જ છે, બહાર નથી. આમ, જ્યાં અંતરંગ સાધન જ મોક્ષનું કારણ છે તો પછી અમુક પ્રકારના બાહ્ય વેષથી જ મોક્ષ થશે એવો આગ્રહ કેવી રીતે રાખી શકાય?
અહીં એ ધ્યાન રાખવું ઘટે છે કે બાહ્ય વેષ અને મોક્ષને કારણ-કાર્ય સંબંધ ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૧, કડી ૧૮ ૨- આ વિષયને પ્રસ્તુત ગ્રંથની ગાથા ૧૦૭માં વિસ્તારથી સમજાવવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org