________________
૪૧૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
હોવા છતાં તેઓ જિનાજ્ઞા વિરુદ્ધ આલંબનો આપી, ભક્તોને પોતાની માયાજાળમાં વધુ ને વધુ ફસાવતા રહે છે.૧
શાસ્ત્રોમાં નિરૂપણ કરેલો માર્ગ પોતે સાધી ન શકવાના કારણે તેઓ ઇચ્છાનુસાર પ્રવર્તે છે અને વિવિધ નામ-વેષ ધારણ કરે છે, કારણ કે ઉચ્ચ નામ-વેષ વિના લોકો તેમને ગુરુ માને નહીં. તેઓ ગુરુપણું મનાવવા ઉચ્ચ પદનું નામ ધરાવે છે, પણ તેમની પ્રવર્તના યથાયોગ્ય હોતી નથી. નીચા પદનું નામ ધરાવી થોડું ધર્મસાધન કરનારને દોષ નથી, પરંતુ ઉચ્ચ ધર્માત્માનું નામ ધરાવી તથારૂપ વર્તન ન રાખે તો તેમનું ખૂબ અહિત થાય છે. તેઓ ગુરુપદ ધરાવીને રાજી થઈ જાય છે, પરંતુ તેમને એ ભાન નથી રહેતું કે ભલે તેઓ અનેક લોકોને માન્ય હોય, અનેક લોકોને પ્રભાવિત કરતા હોય, અનેક લોકો તેમનાથી આકર્ષાઈને તેમની નિશ્રામાં તેમની આજ્ઞા મુજબ પ્રવર્તતા હોય; પણ તેઓ માન-પૂજાને આધીન થઈ, લોકોના વિનયનો લાભ લેતા હોવાથી પોતાનું ધોર અનર્થ કરે છે. વિનયમાર્ગનો આવો દુરુપયોગ કરનાર સામે દીવાદાંડી મૂકતાં શ્રીમદ્ કહે છે
‘યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અથવા પોતે જે બોલે છે તે પરમાર્થે યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના, સમજ્યા વિના, જે વક્તા થાય છે તે અનંત સંસારને વધારે છે. માટે જ્યાં સુધી આ સમજવાની શક્તિ થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું સારું છે.
વક્તા થઈ એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થંકરગોત્ર બંધાય છે અસ તેથી ઊલટું કરવાથી મહામોહનીય કર્મ બંધાય છે.’૨
આમ, સદ્ગુરુપદ માટે અનધિકારી હોવા છતાં જેઓ શિષ્યોને છેતરે છે અને શિષ્યોના વિનયનો લાભ લે છે, તેઓ મહામોહનીય કર્મનો બંધ કરી ભવજળમાં ડૂબે છે. મુખ્યત્વે દર્શનમોહ, કષાય અને નોકષાયનું સંયુક્ત નામ મહાર્મોહ છે, પરંતુ ઘણી વખત દર્શનમોહનું બળ બતાવવા અથવા તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમની હોવાથી મોહનીય કર્મનો ભયંકર ત્રાસ જીવને સમજાય તે અર્થે દર્શનમોહને પણ ‘મહામોહનીય ’એવું નામ અપાય છે. ૭૦ કોડાકોડી સાગરોપમની ગણતરી સંખ્યામાં થઈ શકે એવી નથી. શાસ્ત્રોમાં તેનો અંદાજ આ રીતે આપવામાં આવે છે સાત દિવસના તરતના જન્મેલા યુગલિક બાળકના સુકોમળ વાળને ભેગા કરી, તે વાળના ફરી કટકા ન થાય તેટલા ઝીણા કટકા કરી એક યોજન લાંબો, પહોળો અને ઊંડો કૂવો
૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૧, કડી ૩ ‘આલંબન કૂડાં દેખાડી, મુગધ લોકને પાડે; આણાભંગ તિલક તે કાલું, થાપે આપ નિલાડે રે.'
૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૭૧ (વ્યાખ્યાનસાર-૨, ૧૮-૧૫,૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org