Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૫૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અહીં બાહ્ય ત્યાગનો નિષેધ કરવાનો આશય કદાપિ નથી, પણ અંતર્યાગની ઉપેક્ષા કરીને, બાહ્ય ત્યાગને જ સર્વસ્વ માનીને તેનો એકાંત આગ્રહ કરવાનો તથા અંતર્યાગ પ્રત્યે દુર્લક્ષ સેવવારૂપ વૃત્તિ-પ્રવૃત્તિનો નિષેધ કરવામાં આવ્યો છે. જે જીવ બાહ્ય ત્યાગને નિરર્થક માનીને તેને છોડી દે છે, તે તો મોક્ષમાર્ગનો અનાદર કરનાર મિથ્યાદષ્ટિ છે. ઉપદેશનું અવળું અર્થઘટન કરી જીવ નીચે પડે તો તે જીવનો જ દોષ છે. જો ધર્મબુદ્ધિથી બાહ્ય ત્યાગ કરતો હોય તો જેટલો રાગ છૂટે છે તેટલો સાચો ત્યાગ થાય છે એમ જાણી, માત્ર બાહ્ય ત્યાગથી સંતુષ્ટ થવા યોગ્ય નથી એમ કહેવાનો આશય છે. કેવળ બાહ્ય ત્યાગથી કલ્યાણ નથી' એમ જણાવી બાહ્ય ત્યાગને છોડી દેવા કહ્યું નથી, પણ અંતર્યાગ તરફ રુચિ તથા પુરુષાર્થ જાગૃત કરાવવા અર્થે કહેવામાં આવ્યું છે. બાહ્ય ત્યાગ કરવાનો ઉદ્દેશ અંતર્ભાગને અર્થે છે. બાહ્ય ત્યાગ કરીને અંતર્યાગ સુધી પહોંચવાનો જાગૃતિપૂર્વકનો પ્રયત્ન ન થાય તો તે બાહ્ય ત્યાગ કલ્યાણકારી થઈ શકે નહીં. મન અનેકવિધ વિષયોના ભોગોમાં રત હોય તો તે બાહ્ય ત્યાગ કઈ રીતે સાર્થક થાય? અંતર્યાગ કરવામાં બાહ્ય ત્યાગ સહાયકારી છે, પણ મહત્ત્વ તો અંતર્યાગનું છે. અંતર્યાગ જ મુખ્ય છે, બાહ્ય ત્યાગ ગૌણ છે. આત્મજ્ઞાન સહિતનો બાહ્ય ત્યાગ કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થેનો બાહ્ય ત્યાગ, અર્થાત્ સ્વરૂપજાગૃતિપૂર્વકની વિરતિ જ યોગ્ય છે એમ સર્વ દેશ-કાળના જ્ઞાનીઓએ સ્વીકાર્યું છે. અંતર્યાગની પૂર્વે, સાથે કે પછી - એમ બાહ્ય ત્યાગના ત્રણ પ્રકારોને જ્ઞાનીઓએ સાપેક્ષપણે, કક્ષાભેદે મોક્ષમાર્ગમાં યથાયોગ્ય સ્થાન આપ્યું છે, પણ તેમાં અંતર્યાગની જ મુખ્યતા છે અને તેથી જીવે પોતાનાં પરિણામોની સતત જાગૃતિ રાખવી આવશ્યક છે. બાહ્ય ત્યાગ વખતે અંતરમાં જો શુભ પરિણામ હોય તો તે પુણ્ય છે અને જો તે વખતે માન વગેરે સંબંધી અશુભ વિચાર હોય તો તે પાપ છે. પુણ્ય-પાપ બને વિકાર છે અને વિકારથી ધર્મ થતો નથી, પણ જો તે વખતે વિકારી ભાવોનો ત્યાગ થાય તો ધર્મ થાય છે, તેથી જીવે બાહ્ય ત્યાગમાં અટકી ન રહેતાં અંતર્યાગ તરફ ઢળવું કર્તવ્યરૂપ છે.
જ્ઞાનીઓએ દ્રવ્યસંયમ અને ભાવસંયમ એમ બન્ને પ્રકારના સંયમનો ઉપદેશ કર્યો છે, પણ તેમાં ભાવસંયમનું જ પ્રાધાન્ય રહ્યું છે. ભાવસંયમની પ્રાપ્તિ અર્થે દ્રવ્યસંયમ સહાયકારી હોવાથી તેને ઉપકારી કહ્યો છે. જીવનો બહિર્મુખ ઉપયોગ પુદ્ગલનો રસ લેવા દોડે છે. તેને અંતર્મુખ કરવા, તે વિકારી પરિણતિનો ત્યાગ કરવા માટે દ્રવ્યસંયમનું પાલન કરવું ઘટે છે. દ્રવ્યસંયમમાં જેના વિકલ્પોથી અશાંતિ થવાની સંભાવના છે, અર્થાત્ જે દ્વારા વ્યાકુળતાની જનનીરૂપ અભિલાષાઓની વૃદ્ધિ થવાની સંભાવના છે, તે ક્રિયાઓનો તથા તે વસ્તુઓનો ત્યાગ કરવામાં આવે છે. તે તે ક્રિયાઓ તથા વસ્તુઓનો ત્યાગ કરી, શાંત તથા એકાગ્ર ચિત્તે, સ્વરૂપની અનંતી રુચિપૂર્વક અંતર્ભાગના અભ્યાસનો સમ્યક્ પુરુષાર્થ થતાં જીવને શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org