________________
ગાથા-૧૭
૩૫૭
સાધન છે અને નિશ્ચય સમકિત તે સાધ્ય છે.૧ એક ઉદાહરણ વડે આ વાત સ્પષ્ટ થશે
એક વૃક્ષને પચ્ચીસ ડાળીઓ છે. તે વૃક્ષની પહેલી ડાળી ઉપર વાંદરો બેઠો છે અને તેને પચ્ચીસમી ડાળીએ પહોંચવાની ઇચ્છા છે. પહેલી ડાળથી બીજી ડાળ ઉપર અને બીજીથી ત્રીજી ઉપર, એમ પહેલાંની ડાળીઓને છોડતો છોડતો, વચ્ચેની ડાળીઓ ઉપર પક્કડ જમાવીને કૂદતો કૂદતો તે છેવટની ડાળી ઉપર પહોંચી જાય છે. આ પ્રક્રિયા જોઈને એમ કહી શકાય કે સર્વ ડાળીઓ મૂકીને એ ઇષ્ટ સ્થાને પહોંચ્યો અને એમ પણ કહી શકાય કે વાંદરાને નિજસ્થાને પહોંચવામાં આગલી ડાળીઓ સાધનભૂત બની. આ જ રીતે વ્યવહાર સમકિતની ડાળી ઉપર આવ્યા પછી પુરુષાર્થ પ્રગટાવી નિશ્ચય સમકિતની પ્રાપ્તિ કરે તો વ્યવહાર સમકિતરૂપી ડાળને સાધન કહેવાય. વ્યવહાર સમ્યક્ત્વ પ્રાપ્ત કરેલ જીવને સદ્ગુરુ વારંવાર બોધદાન કરી, પ્રેરણા વડે ઉત્સાહ અને ખુમારી વધારી, તત્ત્વશ્રદ્ધાન કરાવી, સ્વ-પરનું ભિન્નપણું જેથી ભાસે એવી ચિંતનધારામાં તેના ચિત્તપ્રવાહને પુનઃ પુનઃ જોડી નિશ્ચય સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવે છે. શ્રી કાનજીસ્વામી કહે છે
જીવ
" વર્તમાન પુરુષાર્થવાળા સદ્ગુરુ શું કહે છે તેનો આશય સમજી લે અને તે જ અર્થનું ગ્રહણ કરે તો તેને પ્રત્યક્ષ કારણરૂપે સમકિત કહ્યું છે. અખંડ જ્ઞાનસ્વરૂપ સદ્ગુરુ તે પ્રત્યક્ષ કારણ છે, તેમની યથાર્થ પ્રતીતિ થતાં લાયક જીવને પરમાર્થે સ્વતત્ત્વનું લક્ષ થાય છે. આત્મા આનંદમય સહજ સુખસ્વરૂપી છે એવું ભાન થોડા વખતમાં પ્રગટ કરશે. એવી લાયકાતવાળાને અહીં સમકિત કહ્યું છે. આ સ્થૂલ વ્યવહારસમકિત છે, એટલે કે બોધબીજની અપૂર્વ રુચિ કરશે જ તેના કારણરૂપ સમકિત છે.’૨
વ્યવહાર સમકિતની પ્રાપ્તિ પછી જીવે નિશ્ચય સમકિત તરફ આગળ વધવું ઘટે. સદ્ગુરુની શ્રદ્ધારૂપ વ્યવહાર સમકિત તે ચૈતન્યમહેલનો દ્વારપાળ છે. તેની સહાયથી ચૈતન્યમહેલમાં પ્રવેશ પામી અતીન્દ્રિય સુખનો ભોગવટો થાય છે. જો જીવે પોતે ગ્રહણ કરેલા માર્ગમાં આ દ્વારપાળનો ભેટો ન થાય તો તેણે ચોક્કસ માનવું કે એ માર્ગ ચૈતન્યમહેલ તરફ લઈ જતો મોક્ષમાર્ગ નથી. વળી, દ્વારપાળ પાસે અટકી જાય છે તે મહેલના સુખથી વંચિત રહી જાય છે, તેથી આત્મસુખના અર્થીએ સદ્ગુરુની શ્રદ્ધા કરી, સ્વ-પરનું શ્રદ્ધાન કરવું અને નિરંતર અભ્યાસ દ્વારા ઉપયોગને અંતરમાં વાળી નિશ્ચય સમકિત પ્રગટાવવું.
૧- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીરચિત, ‘દ્રવ્યસંગ્રહ', ગાથા ૪૧ની ટીકા
' अत्र व्यवहारसम्यक्त्वमध्ये निश्चयसम्यक्त्वं किमर्थं व्याख्यातमिति चेत् ? व्यवहारसम्यक्त्वेन निश्चयसम्यक्त्वं साध्यत इति साध्यसाधकभावज्ञापनार्थमिति ।'
૨- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org