Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૮
૩૬૫
આ અનંતાનુબંધી કષાય જીવના સમ્યક્ત્વને રોકે છે, જેના કારણે જીવ આ અપાર સંસારમાં જન્મ, જરા, વ્યાધિ, મરણ, ઇત્યાદિ દુ:ખ ભોગવતો ચારે ગતિમાં અને ચોરાસી લાખ યોનિમાં અનંત વાર પરિભ્રમણ કર્યા જ કરે છે. તન, ધન, સ્વજનાદિ પરમાં મારાપણાની માન્યતા અને તીવ્ર આસક્તિ હોવાથી તેને પોતાના શાશ્વત, સુખમય અને અચળ સ્વરૂપમાં પ્રીતિ થતી નથી. તેથી તે સદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મનું શરણ સ્વીકારતો નથી અને વિશેષમાં તેમનો દ્રોહ કરે છે, તેમની અવજ્ઞા કરે છે.
અનંતાનુબંધી કષાયના કારણે જીવની પ્રવૃત્તિ નિસ પરિણામવાળી હોય છે અને જ્યાં નિર્ધ્વસ પરિણામ હોય ત્યાં ભવભય હોતો નથી. તેથી તેવા ભવભયરહિતપણે થતાં ભોગાદિ પરિણામથી તેનામાં સામાન્ય મુમુક્ષુતા પણ પ્રગટતી નથી, આત્મકલ્યાણની ભાવના જ ઊગતી નથી અને આત્મપ્રત્યયી પરિણામોનું વલણ જ થતું નથી. જો કે ક્યારેક તીવ્ર પ્રતિકૂળતાના સમયે સંસારની આસક્તિનું નીરસપણું થાય છે, તથાપિ તેમ થવાનું કારણ પ્રતિકૂળ સંયોગ છે, આત્મહિતની ઇચ્છા નહીં. તેવા સમયે ચારિત્રમોહ થોડો મંદ થાય છે, પરંતુ દર્શનમોહ તો તે વખતે પણ બળવાન હોવાથી તેવું નીરસપણું માત્ર સ્મશાનવૈરાગ્યવત્ નીવડે છે અને તેથી તેની સંસા૨વાસનાનો પરિચ્છેદ થતો નથી. અનંતાનુબંધી કષાયનું પ્રાબલ્ય જ એવું છે કે જીવને પોતાની પ્રવૃત્તિથી કેવાં કેવાં કર્મબંધ થઈ રહ્યાં છે અને પોતાને કેવી હાનિ થઈ રહી છે તેનો વિચાર સરખો પણ
આવતો નથી. આમ, ચારે અનંતાનુબંધી કષાય જીવને અનંત દુઃખરૂપ સંસારવૃદ્ધિનાં કારણ થાય છે અને તે શુદ્ધ નિર્મળ આત્મદશાને અટકાવનાર મહાશત્રુ છે. આ ક્રોધ, માન, માયા, લોભમાં પણ માનની પ્રધાનતા છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે
‘આત્માના હિતને જે હણે-રોકે-હાનિ કરે-નુકસાન પહોંચાડે, આત્માનું જે અહિત કરે, આત્માની પ્રગતિમાં જે અંતરાયભૂત થઈ આડે આવે, આત્માની ને આત્મસંપત્તિની જે ઘાત કરે, આત્માને જે હણે-મારે, ટૂંકામાં કોઈ પણ પ્રકારે આત્માનું જે બૂરું-ભૂંડું કરે તે આત્માનો ‘શત્રુ' છે. અને આત્માનું મોટામાં મોટું બૂરુંભૂંડું કરનાર, આત્માના હિતનો રોધ કરનાર અને અહિતનો યોગ કરનાર, આત્માની પ્રગતિમાં આડે આવનાર, આત્માની-આત્મગુણની ઘાત કરનાર, આત્માને હણી નાંખનાર એવો આત્માનો મોટામાં મોટો શત્રુ જો કોઈ હો તો તે માન છે; માન એ આત્માના શત્રુઓનો અગ્રેસર છે.
માન એ આત્માની પ્રગતિને અવરોધનાર મોટામાં મોટો પ્રતિબંધ છે. અહંકારના
કારણે જીવને ‘હું કેમ વખણાઉં, કેમ સારો દેખાઉં' એ જ લક્ષ રહે છે. તેને પૂજાસત્કારમાં જ સુખબુદ્ધિ રહી હોવાથી બાહ્ય દૃષ્ટિ રહ્યા કરે છે. તેના કારણે ઘોષણાનો ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org