Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
જે શિષ્ય આત્મહિતથી વિમુખ છે, તેને ગુરુનાં હિતકારક વચન પણ કઠોર લાગે છે; પરંતુ જે શિષ્યને આત્મહિતની અભિલાષા છે, તેને તો કઠોર લાગતાં વચનો પણ ઉલ્લસિત કરે છે, દુઃખ કે ક્લેશ કરાવતાં નથી. વળી, જેઓ શિષ્યના દોષ કઢાવી ઉત્તમોત્તમ ગુણોથી વિભૂષિત કરે છે, તેઓ જ વાસ્તવમાં ગુરુ છે. શિષ્યના દોષ જોવા છતાં પણ તે દોષોનું નિવારણ ન કરે તે ગુરુ જ નથી. આચાર્યશ્રી શિવકોટિજી કહે છે કે જે જેનું હિત કરવા ઇચ્છે છે તે એને હિતના કાર્યમાં બલાત્કારથી પ્રવૃત્ત કરે છે, જેમ હિત કરવાવાળી માતા પોતાના રડી રહેલા બાળકનું મોઢું ફાડીને પણ તેને ઘી પીવડાવે છે. જે શિષ્યોના દોષ જોઈને પણ તે દોષોનું નિવારણ નથી કરતા એ ભલે જિહ્વાથી મધુર બોલે છે, તોપણ એ ભદ્ર નથી, અર્થાત્ ઉત્તમ ગુરુ નથી. શિષ્યને લાત મારતા હોય તોપણ શિષ્યને દોષોથી અલિપ્ત રાખે છે તે જ ગુરુ હિત કરવાવાળા સમજવા જોઈએ.૧ આમ, ગુરુ તો દોષ કઢાવવા માટે શિષ્યને પ્રતિકૂળ લાગે એવી કઠોરતા પણ આચરે છે અને તેમ કરવાથી શિષ્યનું કલ્યાણ જ થાય છે. પરંતુ જો ગુરુ શિષ્યના દોષ જોવા છતાં, ‘શિષ્યના દોષ કઢાવવા કંઈ કહીશ તો તે ક્રોધિત થશે અથવા સંઘ છોડી જશે તો સંધ કેમ ચાલશે?' એમ વિચારી જો દોષ ન બતાવે તો તે ગુરુ ગુરુપદને યોગ્ય નથી. વળી, સાચો શિષ્ય તો એમ જ ઇચ્છે કે ‘ગુરુ નિરંતર મારા ક્ષુદ્રમાં ક્ષુદ્ર દોષ પણ સૂક્ષ્મતાથી જોઈને મને સ્પષ્ટપણે કહે.' તે એમ ન ઇચ્છે કે ‘ગુરુ મારા દોષ પ્રગટ ન કરે તો સારું અથવા માફ કરે તો સારું.' જેને દોષ જણાવવા પણ હોય અને લોકનિંદાથી બચવા માટે છુપાવવા પણ હોય, પ્રાયશ્ચિત પણ લેવું હોય અને કડક સજામાંથી પણ બચવું હોય; તેનામાં પોતાના દોષોનાં સ્વીકાર, તિરસ્કાર અને આલોચન માટે જે મુમુક્ષુસહજ ગંભીરતા હોવી ઘટે તેનો અભાવ વર્તે છે. તે દંભાદિનો આશરો લઈ દોષોના સંસ્કાર વધુ ગાઢ બનાવે છે. તે ધાર્મિક પ્રવૃત્તિ દ્વારા પોતાના દોષને ઢાંકવાનો પ્રયાસ કરે છે, જેથી મૂળ દોષ નાબૂદ થવાની વાત તો દૂર રહી, પણ અન્ય દોષની પુષ્ટિ થાય છે. આવો જીવ અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ વર્ષો પર્યંત કરતો રહે તોપણ તેના અંતરમાં ધર્મની કોઈ અસર ઊપસી શકતી નથી. સાચો સાધક તો પોતાના દોષનો બચાવ કર્યા વિના સરળ ચિત્તે તેનો સ્વીકાર કરી, તેની અત્યંત નિંદા કરી, કડક પ્રાયશ્ચિત લે છે, જેથી તે દોષને ફરી માથું ઊંચકવાનો અવસર ન મળે. શ્રીમદ્ પ્રકાશે છે
૧- જુઓ : આચાર્યશ્રી શિવકોટિજીકૃત, ‘ભગવતી આરાધના’, ગાથા ૪૭૯,૪૮૧ 'पिल्लेदूण रडंत पि जहा बालस्स मुहं विदारित्ता 1 पज्जेइ घदं माया तस्सेव हिद વિચિંતંતી ।। जिन्भाए वि लिहतो ण भद्दओ जत्थ सारणा णत्थि । पाएण वि ताडिंतो स भद्दओ जत्थ सारणा अत्थि ।। '
૩૭૦
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org