Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૯૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ઉપદેશ કર્યો છે, તે જ પ્રકારે તેનું નિઃશંકતાથી શ્રદ્ધાન કરવું તે દર્શનવિનય છે. આમ આદિ લક્ષણોથી આત્માને વાસિત કરવો, દેવ-ગુરુની આશાતનાથી પરિહરવું, દેવમૂઢતા આદિ ત્રણ મૂઢતાથી રહિત થવું, ઉપગૂહન આદિ સમ્યકત્વનાં અષ્ટાંગોનું પાલન કરવું, સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ઉપાય કરવો, સમ્યગ્દર્શનના માહાત્મનો પ્રચાર કરવો - આ સર્વ દર્શનવિનય છે. (૩) ચારિત્રવિનય – સામાયિકાદિ પાંચ પ્રકારનાં ચારિત્રની શ્રદ્ધા રાખવી, યથાશક્તિ ચારિત્રનું પાલન કરવું, છ આવશ્યકોમાં ઉત્સાહપૂર્વક પ્રવૃત્ત રહેવું, સમિતિ-ગુપ્તિનું પાલન કરવું, ઇન્દ્રિયવિષયોનો અને કષાયોનાં પરિણામોનો ત્યાગ કરવો, અન્યને ચારિત્રનો ઉપદેશ આપવો વગેરે ચારિત્રવિનય છે. (૪) ઉપચારવિનય – રત્નત્રયધારક ગુરુ આદિનો ત્રણે યોગથી વિનય કરવો તે ઉપચારવિનય છે. ઉપચારવિનય પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારનો છે. સમ્યગ્દર્શન આદિ ગુણોથી વિભૂષિત ગુવદિ આવે ત્યારે ઊભા થવું, તેમની સન્મુખ જવું, બે હાથ જોડી અંજલિ કરવી, આસન આપવું, પ્રણામ કરવા, પગે પડવું, તેમનું સન્માન કરવું, તેમને પુસ્તકાદિ ઉપકરણ આપવાં, તેમને રહેવાની વ્યવસ્થા કરી આપવી, તેમનો સંથારો કરવો, તેમનાથી નીચા આસને બેસવું, નીચા આસને સૂવું, તેમના શરીરની સેવા કરવી, તેમનાં ઉપકરણો સંભાળવાં, તેઓ જાય ત્યારે વળાવવા જવું, તેઓ ચાલે ત્યારે તેમની પાછળ પાછળ ચાલવું આદિ કાયિક વિનય છે. પૂજ્યનાં વચનોનું બોલવું, આગમ અનુસાર બોલવું, હિતરૂપ બોલવું, થોડું બોલવું, મિષ્ટ બોલવું, કઠોરતારહિત બોલવું આદિ વાચિક વિનય છે. પાપગ્રાહક ચિત્તને રોકવું અને ધર્મમાં મનને પ્રવર્તાવવું આદિ માનસિક વિનય છે. આ ત્રણે પ્રત્યક્ષ ઉપચારવિનય છે. ગુવદિની ઉપસ્થિતિ ન હોય ત્યારે પણ મન-વચન-કાયાથી તેમને હાથ જોડવા, વંદન કરવું, તેમના ગુણોની સ્તુતિ કરવી, તેમનું સ્મરણ કરવું આદિ પરોક્ષ ઉપચારવિનય છે.
| વિનયના આ ચાર પ્રકારમાં રત્નત્રયની પ્રાપ્તિ એ જ તાત્ત્વિક વિનય છે, પરંતુ ઉપચારવિનય તે રત્નત્રયની પ્રાપ્તિમાં સહાયભૂત હોવાથી તેને પણ વિનયમાં સ્થાન આપવામાં આવ્યું છે. રત્નત્રયધારક સદ્ગુરુ આદિના બહુમાનથી રત્નત્રયનું બહુમાન થાય છે. તેથી જ સદ્ગુરુનાં વિનય-વૈયાવચ્ચ કરવા ઉપર શાસ્ત્રોમાં ઠેર ઠેર ભાર મૂકવામાં આવ્યો છે. જે જીવ સદ્ગુરુનાં વિનય-વૈયાવચ્ચ આદિ નથી કરતો તેને ધર્મની પ્રાપ્તિ થતી નથી. ગુરુનો અવિનય કરીને ધાર્મિક ક્રિયા કે વાંચન કરે તો તે ધર્મ સાધી શકતો નથી. ગમે તેટલી ધાર્મિક પ્રવૃત્તિ કરતો હોય તો પણ જેને ગુરુ પ્રત્યે વિનય નથી, તેનાં જ્ઞાન-દર્શન તો વિપરીત જ રહે છે. તેથી સદ્ગુરુનો વિનય કરવો, તેમની વૈયાવચ્ચ કરવી, તેમને સર્વ પ્રકારે અનુકૂળતા કરી આપવી એ પણ મોક્ષાર્થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org