Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦.
૨૫૯ આનંદિત થઈ જાય છે અને અપૂર્વ હિત સાધે છે. તેઓ તુચ્છ કે તત્ત્વથી વિરુદ્ધ, કોઈનું અહિત કરનારાં કે કોઈને દુઃખ આપનારાં, કર્કશ, કડવાં કે આકરાં વચન બોલતા નથી. તેમની ભાષા હંમેશાં ઉપશાંત રસથી અને ગંભીર પ્રયોજનથી ભરેલી હોય છે. શ્રવણ કરતાં વિષય-કષાયો છૂટી જાય અને ચૈતન્યરસનું અમૃતપાન કરીને જીવોને તૃપ્તિ થાય એવું અપાર સામર્થ્ય તેમની વાણીમાં હોય છે. સર્વનાં અંતરમાં તરત વસી જાય તેવી સરળ રીતે તેમાં સત્યનું નિરૂપણ થયું હોય છે. મુમુક્ષુ જીવના હૃદયમાં સોંસરી ઊતરી જાય અને તેનામાં પરિણામ પામે એવો અલૌકિક અગાધ અને અમાપ એ વચનયોગ હોય છે. તેમનો વચનાતિશય જીવનું બહિર્મુખપણું છોડાવે છે, તેનામાં રુચિ અને અંતર્મુખ વલણ પ્રગટાવે છે. તે વચનના સેવનથી જીવની દિશા અને દશા પલટાઈ જાય છે. આવો અસામાન્ય પ્રકાર અને અસાધારણ પ્રભાવ તેમની વાણીમાં જોઈ શકાય છે.
સદ્ગુરુ કલ્પના વડે નહીં પણ અનુભવના બળ વડે કથન કરે છે. પરમ પવિત્ર અને નિર્મળ હૃદયસરિતામાંથી સહજતાએ પ્રવહતી વચનધારા તેમના વીર્યવંતા આત્મપ્રદેશોના સ્પર્શથી રંગાયેલી હોવાથી તેમાં અચિંત્ય શક્તિનો સંચાર થયેલો હોય છે. આ દિવ્ય વાણી આત્માને - શુદ્ધ થયેલા અનંત ગુણોને સ્પર્શીને વહેતી હોવાથી સહુનાં અંતર ઉપર અજબ પ્રભાવ પાડે છે. મુમુક્ષુના અંતરતમને એ ભેદે છે. તે વાણીમાં અનુભવનો નિચોડ છે, અનુભવનું અમૃત છે. એના શ્રવણ પછી ચિત્ત અન્યત્ર કશે ચોંટતું જ નથી. વાણીમાં એટલી શાંતતા, મધુરતા અને ગંભીરતા હોય છે કે સાંભળનાર એ વાણી સાંભળતા કદી થાકે નહીં. તેમના હૃદયમાંથી નીકળતી આનંદમય વાણી જીવની ગમે તેવી વેદનાને ભુલાવી દે છે અને પરિણતિને સુખના સાગર તરફ લઈ જાય છે. ગમે તે પ્રસંગે તેને યાદ કરતાં જ જગતનું દુઃખ ભુલાઈ જાય છે અને આનંદનાં ઝરણાં ફૂટી નીકળે છે. તેમની અનુભવના આસ્વાદથી રસબસતી વાણીથી મોક્ષમાર્ગમાં આરૂઢ થવાનો પુરુષાર્થ જાગે છે અને તે ઉજ્વળ પરિણામોની સ્થિરતા થતાં આત્મશ્રેયને સાધવા અર્થે તે જીવ જગતનો તમામ વૈભવ - ચક્રવર્તીની સમસ્ત સંપદા ત્યાગવા તૈયાર થઈ જાય છે. સગુરુ અંતરનાં એવાં નિધાન બતાવે છે કે મોક્ષાર્થી જીવો મોટા મોટા રાજ્યપદને તુચ્છ તરણાં જેવાં સમજીને છોડી દે છે અને ચૈતન્યનિધાનને સાધવા માટે ચાલી નીકળે છે.
જ્ઞાની જ્યારે બોલે છે ત્યારે વીતરાગભાવનું પોષણ થતું હોય છે. અંતરના શાંત રસના અનુભવમાંથી તે વચનો આવતાં હોવાથી તેમનાં વચનોમાં શાંત રસ ઝરતો હોય છે. તેમની મધુર વાણી જગતના સર્વ જીવોનું સાચું હિત કરનાર અને અહિતને આવું રાખનાર હોય છે. કોઈનું અહિત થાય તેવું વચન તેઓ બોલે નહીં. વળી, તેમનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org