Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
સુપાત્ર જીવ સત્શાસ્ત્રનું શ્રવણ-વાંચન-ચિંતન કરે છે ત્યારે તેને પોતાના ચિત્તમાં રહેલાં વિકારો, વાસનાઓ દેખાય છે અને તે ટાળવાનો ઉપાય પણ પ્રાપ્ત થાય છે. તેની વિષયભૂખ મોળી પડતી જાય છે. સ્વાર્થવૃત્તિના સ્થાને પરાર્થવૃત્તિ વિકસતી જાય છે અને આર્ત્ત-રૌદ્રધ્યાનની પકડમાંથી તે બહાર આવે છે. તેના મનમાંથી ઈર્ષ્યા, માત્સર્ય, વ્યાકુળતા, સંતાપ, ખેદ વગેરે વૃત્તિઓ વિદાય લે છે અને સમજ, સહાનુભૂતિ, ઔદાર્ય, વાત્સલ્ય, પ્રસન્નતા વગેરે ગુણો તેનું સ્થાન લે છે. શાસ્ત્રાભ્યાસમાં રત રહેવાથી જગત સંબંધી વિકલ્પો અતિ મંદ પડી જાય છે અને રાગ-દ્વેષ ઘટતાં મન સ્વચ્છ થાય છે. આચાર્યશ્રી અમિતગતિજી કહે છે કે જે પ્રકારે મેલું કપડું પાણીથી સ્વચ્છ થાય છે, તે પ્રકારે રાગાદિ દોષોથી મેલું થયેલું મન શાસ્ત્રથી સ્વચ્છ (દોષરહિત) થાય છે.૧
૩૦૨
શાસ્ત્રસ્વાધ્યાયમાં અલ્પ અથવા નહીંવત્ કષ્ટ છે અને સાધક તેમાં સહેલાઈથી જોડાઈ શકે છે. એક બાજુ સ્વાધ્યાયતપ અલ્પ કષ્ટસાધ્ય છે, જ્યારે બીજી બાજુ તેનાં અનેક ઉત્તમોત્તમ ફળ છે. સ્વાધ્યાયથી તત્ત્વનો નિર્ણય થાય છે, ભાવોની શુદ્ધિ થાય છે, જ્ઞાની ભગવંતોનો અત્યંત મહિમા આવે છે, લીધેલ વ્રતોમાં દોષ લાગતાં નથી, સંશયનો નાશ થાય છે, મોક્ષરૂપી પુરુષાર્થ સિવાયની અન્ય ઇચ્છાઓ ઘટી જાય છે, મુમુક્ષુતા વૃદ્ધિ પામે છે, સંકલ્પ-વિકલ્પોનું મંદપણું થાય છે અને ચિત્તવૃત્તિ અંતર તરફ વળવાથી ધ્યાનનો અભ્યાસ સરળતાથી અને સફ્ળતાપૂર્વક થઈ શકે છે.
આ પ્રકારે સાધનામાર્ગે શાસ્ત્ર દીવા સમાન છે. મોક્ષમાર્ગે પ્રવૃત્તિના પ્રારંભથી માંડીને જીવ પૂર્ણતા ન પામે ત્યાં સુધી શાસ્ત્ર તેને ઉપકારક થાય છે. અપુનર્બંધકથી માંડીને માર્ગાનુસારી, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ આદિ ભિન્ન ભિન્ન ભૂમિકાએ રહેલ સાધકોને આગળ વધવામાં શાસ્ત્ર ખૂબ લાભદાયી નીવડે છે. પરંતુ અહીં એ ધ્યાન રાખવું ઘટે છે કે શાસ્ત્ર એ સાધન છે, સાધ્ય નથી. શ્રુત તો અનુભવીઓના જ્ઞાનનો બુદ્ધિમાં પડતો પડછાયો છે. પડછાયો કેટલું કાર્ય કરી શકે? એને જ બાથ ભીડીને ઊભા રહેવામાં જીવનની કૃતાર્થતા નથી. જેમ કલાસર્જન કરવા માટે ચિત્રકારના હાથમાં પીંછી અને રંગો મૂકવામાં આવે છે, જેમ પોતાની કલ્પનાની મૂર્તિ પથ્થરમાં કંડારી શકે એ માટે શિલ્પીના હાથમાં ટાંકણું અને આરસપહાણ મૂકવામાં આવે છે; તેમ પોતાનું લક્ષ સાધી શકે તે માટે જીવના હાથમાં સત્ત્શાસ્ત્ર મૂકવામાં આવે છે. ૧- જુઓ : આચાર્યશ્રી અમિતગતિજીકૃત, ‘યોગસાર’, અધિકાર ૮, શ્લોક ૭૫
'यथोदकेन वस्त्रस्य मलिनस्य विशोधनम् । રાગતિ-રોષ-લુદસ્ય શાસ્ત્રળ મનસસ્તથા ।।’
૨- જુઓ : શ્રી કાર્તિકેયસ્વામીકૃત, ‘કાર્તિકેયાનુપ્રેક્ષા', ગાથા ૪૬૧ 'परतत्तीणिरवेक्खो दुट्टवियप्पाण णासणसमत्थो । तच्चविणिच्छयहेदू सज्झाओ झाणसिद्धियरो ।। '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org