Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૦૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
કોઈ એક જડ ક્રિયામાં પ્રવૃત્તિ કરી જ્ઞાનીના માર્ગથી વિમુખ રહેતા હોય, અથવા મતિના મૂઢત્વને લીધે ઊંચી દશા પામતાં અટકતા હોય, અથવા અસત સમાગમથી મતિ વ્યામોહ પામી અન્યથા ત્યાગવૈરાગ્યને ત્યાગવૈરાગ્યપણે માની લીધા હોય તેના નિષેધને અર્થે કરુણાબુદ્ધિથી જ્ઞાની યોગ્ય વચને તેનો નિષેધ ક્વચિત કરતા હોય તો વ્યામોહ નહીં પામતાં તેનો હેતુ સમજી યથાર્થ ત્યાગવૈરાગ્યની ક્રિયામાં અંતર તથા બાહ્યમાં પ્રવર્તવું યોગ્ય છે."
આમ, જ્ઞાનીઓનો ઉપદેશ બાહ્ય ત્યાગાદિના નિષેધ કરવાના અર્થે હોતો નથી, પરંતુ જીવમાં સ્વરૂપજાગૃતિ જગાડવા અર્થે હોય છે, તેથી જીવે બાહ્ય ત્યાગ-વૈરાગ્યથી સંતુષ્ટ ન થઈ જતાં સ્વરૂપજાગૃતિ કેળવવી ઘટે છે. લોકસંજ્ઞાથી કે માનાદિની કામનાથી નહીં, પરંતુ સ્વરૂપલક્ષપૂર્વક ત્યાગાદિ કરવા ઘટે છે. જ્યાં આત્મસ્વરૂપની જાગૃતિ ન હોય ત્યાં સ્વીકારી લીધેલાં વિધિ-નિષેધને પકડી રાખવાની મથામણમાં જ જીવ રોકાઈ જાય છે. સત્ય ત્યાગ તો એ છે કે જેનાથી ઇષ્ટ પુદ્ગલોની આશંસા અથવા અનિષ્ટ પુદ્ગલોની અનિચ્છારૂપ દુર્થાન ન થાય, ચિત્તના વિકારો શાંત થાય, દેહાત્મબુદ્ધિ મોળી પડે, અહંકાર અને કર્તા-ભોક્તાપણાના તરંગો શમે. વળી, શુદ્ધાત્મસાધનના અર્થીને તે ત્યાગ-વૈરાગ્યાદિ કષ્ટરૂપ નથી લાગતાં, પરંતુ તેને તે ત્યાગ-વૈરાગ્યાદિ આત્મહિતકારક લાગે છે અને તેમ કરવામાં તે આનંદ માણતો હોય છે.
આમ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે ત્યાગ-વૈરાગ્યની મહત્તા દર્શાવતાં શ્રીમદે અહીં ઉપદેશ્ય છે કે જેના અંતરમાં ત્યાગ-વૈરાગ્ય ઉત્પન્ન થયા ન હોય તેને આત્મજ્ઞાન થાય નહીં અને જો જીવ તેમાં જ અટકી જાય, તેમાં જ કૃતકૃત્યતા માની સંતોષાઈ જાય તો તે આત્માર્થ ચૂકી જાય છે. આ ગાથાનો ફલિતાર્થ બતાવતાં એક પત્રમાં શ્રીમદે કહ્યું છે –
“જેના અંતઃકરણમાં ત્યાગવૈરાગ્યાદિ ગુણો ઉત્પન્ન થયા નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય. કેમકે મલિન અંતઃકરણરૂપ દર્પણમાં આત્મોપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. તેમ જ માત્ર ત્યાગવૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પોતાના આત્માનું ભાન ભૂલે. અર્થાત્ આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે, જેથી તે ત્યાગવૈરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંયમાદિ પ્રવૃત્તિ થઈ જાય; જેથી સંસારનો ઉચ્છેદ ન થાય, માત્ર ત્યાં જ અટકવું થાય. અર્થાત્ તે આત્મજ્ઞાનને પામે નહીં. એમ ક્રિયાજડને સાધન-ક્રિયા અને તે સાધનનું જેથી સફળપણું થાય છે એવા આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો અને શુષ્કજ્ઞાનીને ત્યાગ વૈરાગાદિ સાધનનો ઉપદેશ કરી વાચાજ્ઞાનમાં કલ્યાણ નથી એમ પ્રેર્યું.' ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૦૭-૬૦૮ (પત્રાંક-૭૮૫) ૨- એજન, પૃ. ૨૮ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org