________________
ગાથા-૧૦
૨૪૫
વિશેષાર્થ
પૃથ્વી સર્વ પ્રાણીઓનો આધાર છે, તેમ સદ્ગુરુ સર્વ પ્રકારના કલ્યાણનો આધાર છે, તેથી સદ્ગુરુનું સ્વરૂપ સમજવું આવશ્યક છે. તે જાણ્યા વિના સાચા અને ખોટા ગુરુ વચ્ચે રહેલા ભેદનો વિવેક થઈ શકતો નથી અને તેથી મોક્ષમાર્ગે ગમન થઈ શકતું નથી. અશ્વ, રથ તથા ચક્રની ઉપયોગિતા યોગ્ય સારથિ દ્વારા જ ફળે છે; તેવી જ રીતે દર્શન, જ્ઞાન અને ચારિત્ર પણ સાચા ગુરુના આશ્રયે સમ્યપણે પરિણમે છે. જો સારથિરૂપ ગુરુ સાચા ન મળ્યા તો આ ત્રણે નિષ્ફળ જાય છે. મોક્ષયાત્રાના બદલે સંસારપરિભ્રમણ નીપજે છે. જ્યારે ધર્મ પ્રગટે છે, અર્થાત્ જીવના દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ ગુણોનું સમ્યક્ પરિણમન થાય છે, ત્યારે શુદ્ધ ચૈતન્યસ્વભાવનો આશ્રય એનું ઉપાદાનકારણ હોય છે અને સદ્ગુરુનો આશ્રય એનું નિમિત્તકારણ હોય છે.
શુદ્ધાત્માની અનુભૂતિરૂપ આત્મજ્ઞાન જેમને પ્રગટ્યું છે એવા સદ્ગુરુના આશ્રયે આત્મજ્ઞાન પ્રગટે છે. દીપકની ઉપાસનાથી જેમ દીપક પ્રગટે, તેમ પ્રજ્વલિત જ્યોત જેવા સદ્ગુરુ દ્વારા આત્માનુભવરૂપ ભાવદીવો પ્રગટે છે. શ્રી સદ્ગુરુના આશ્રય વિના જીવને માર્ગની પ્રાપ્તિ થવી અત્યંત કઠણ છે. જીવને આત્મદશાની ઊંચી શ્રેણી પ્રાપ્ત કરાવવામાં શ્રેષ્ઠ નિમિત્ત છે. શ્રી સદ્ગુરુનાં વીતરાગરસયુક્ત વચનામૃત, તેમની ગુણોથી સુશોભિત પવિત્ર મુખમુદ્રા અને અપૂર્વતાને પ્રાપ્ત કરાવનાર પરમ ઉપકારી સત્સમાગમ. શાંત ભાવને પમાડનાર સદ્ગુરુનાં અમૃતસ્વરૂપ વચનો અનાદિની મોહનિદ્રામાં સૂતેલા ચેતનને જાગૃત કરે છે, પડતી વૃત્તિને સ્થિર રાખવામાં સહાય કરે છે. તેમનું દર્શનમાત્ર નિર્દોષ સ્વભાવ પ્રતિ વળવાની પ્રેરણા આપે છે અને સ્વરૂપપ્રતીતિથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે (ચોથું ગુણસ્થાનક), તેથી પણ આગળ વધીને આત્માની નિળ દશા થાય એવા અપ્રમત્ત સંયમ તરફ લઈ જાય છે (સાતમું ગુણસ્થાનક), અને ત્યારપછી પૂર્ણ વીતરાગ, નિર્વિકલ્પ સ્વભાવ પ્રગટ કરાવી કેવળી પદ પમાડે છે (તેરમું ગુણસ્થાનક), અંતે આયુષ્યકાળ અંતર્મુહૂર્ત જેટલો બાકી રહે ત્યારે તે કેવળી પ્રભુ ત્રણે યોગને રૂંધી પાંચ હ્રસ્વાક્ષર જેટલો સમય અયોગી કેવળી તરીકે રહે છે (ચૌદમું ગુણસ્થાનક), તે પછી એક સમયમાં સિદ્ધાલયમાં બિરાજમાન થાય છે અને અનંત, અવ્યાબાધ, સહજાનંદસ્વરૂપમાં સર્વ કાળને માટે રહે છે. આ પરમ કલ્યાણકારી દશાની પ્રાપ્તિ સદ્ગુરુનાં વચનામૃત, મુદ્રા અને સત્તમાગમ દ્વારા થાય છે, માટે આત્મોત્થાન અર્થે સદ્ગુરુની અત્યંત આવશ્યકતા છે.
=
સદ્ગુરુ મોક્ષની પ્રત્યક્ષ મૂર્તિ સમાન છે અને તેમના જ્વલંત દર્શનથી મુમુક્ષુના અંતરમાં ન ભુસાય એવી ચમત્કારિક છાપ પડે છે. સ્વરૂપલક્ષી સદ્ગુરુનું આત્મચારિત્ર દેખી મુમુક્ષુ સ્વરૂપલક્ષ ભણી સહેજે ઢળે છે અને તેથી તેની બધી પ્રવૃત્તિ સ્વરૂપલક્ષી જ થાય છે, તેમજ તે પ્રવૃત્તિ આત્માર્થસાધક થતી હોવાથી સત્સાધનરૂપ નીવડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org