________________
૨૧૩
પણ સતત રાખે છે. સત્શાસ્ત્રના સ્વાધ્યાય છતાં અધ્યાત્મશૂન્યતા કેમ આવી? વસ્તુસ્વરૂપ સ્પષ્ટ સમજવા છતાં સ્વસ્વરૂપમાં સ્વપણું કેમ થતું નથી? કર્તવ્ય જાણવા છતાં પરિણમન કેમ થતું નથી? ધ્રુવ તત્ત્વ ઉપર ધ્યાન કેમ જતું નથી? પરપદાર્થ પ્રત્યે આકર્ષણ કેમ રહે છે? સત્શાસ્ત્રનું ભણતર હોવા છતાં નિષ્ફળ જવાનાં કારણો કયાં હોઈ શકે? તે કારણો મટાડવાનો ઉપાય શો છે?' આ રીતે સ્વરૂપપ્રાપ્તિની ભાવનાના કારણે આત્માર્થા જીવ સતત આત્મનિરીક્ષણ દ્વારા પોતાના દોષોનું અવલોકન કરતો રહે છે.
ગાથા-૮
આત્માર્થી જીવને સંસારના પ્રસંગો અને પ્રકારોમાંથી રુચિ ઘટતી જાય છે અને માત્ર સ્વરૂપમાં ઠરવાની ભાવના તે નિરંતર કરતો રહે છે. સ્વરૂપપ્રાપ્તિની તીવ્ર લગની ભેદજ્ઞાનના અભ્યાસને નિપજાવનારી હોવાથી તેનું જ્ઞાન નિર્મળ થતું જાય છે અને તેથી તેની સમજણમાં વિપર્યાસ થવાનો સંભવ રહેતો નથી. જીવ જો આત્માર્થીની ભૂમિકામાં પ્રવેશ્યો ન હોય તો અનાદિની વિપરીત સંસ્કારયુક્ત બુદ્ધિના કારણે તે પ્રાયઃ શાસ્ત્રાધ્યયન કરતી વખતે વિપરીત સમજણનો શિકાર બને છે. તેને વસ્તુનું સ્વરૂપ પણ કલ્પિતપણે અન્યથા ભાસે છે. પરંતુ આત્માર્થીની ભૂમિકામાં સ્વરૂપની ભાવનાનું પ્રાધાન્ય હોવાથી યથાર્થ ભાવનાપૂર્વકનું જ્ઞાન તેની શુષ્કતાને તોડે છે અને તે રાગદ્વેષની પ્રધાનતામાં ન વર્તતાં ચૈતન્યની પ્રધાનતામાં જ વર્તે છે. સાધ્યલક્ષ ન છૂટે તે રીતે સર્વ પ્રસંગોમાં તે વર્તે છે. વળી, જ્યારે તેને જણાય કે સાધ્યની સિદ્ધિમાં મદદરૂપ ક્રિયાઓની તેનાથી અવગણના થઈ રહી છે, શુભ ક્રિયાઓ પ્રત્યે તેને અણગમો થઈ રહ્યો છે, ક્રિયાનો નિષેધભાવ અને શાસ્ત્રનો આગ્રહભાવ થઈ ગયો છે; ત્યારે તે પોતાની ભૂલ સમજી, શુભ ક્રિયાને અંગીકાર કરી તેમાં તે પ્રવૃત્ત થાય છે. અંતર્મુખી પુરુષાર્થ દ્વારા પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યસ્વભાવનો આશ્રય કરવાના માર્ગ ઉપર જે નિમિત્તો દ્વારા પોતાની દશા ઊર્ધ્વતા પામી શકે, તે નિમિત્તોનું અપૂર્વ માહાત્મ્ય, બહુમાન તથા ઉપકારીપણું ચિંતવી તે તેનું ગ્રહણ કરે છે તથા પરના પ્રભાવથી પૂર્ણતઃ મુક્ત થવાનું આત્મસામર્થ્ય પ્રગટ્યું નથી એમ જાણી અયોગ્ય નિમિત્તોનો ત્યાગ કરે છે. આરંભ અને પરિગ્રહને વૈરાગ્ય અને ઉપશમના કાળરૂપ જાણી તે પ્રત્યે ત્યાગવૃત્તિ કેળવે છે. આમ, જીવનમાં ત્યાગ-વૈરાગ્યની ગૌણતા થતી જણાય તો તે ત્યાગ-વૈરાગ્યનું માહાત્મ્ય સ્વીકારી તેને જીવનમાં પ્રસ્થાપિત કરે છે.
આ પ્રકારે આત્માર્થી જીવ ક્રિયાજડત્વ અને શુષ્કજ્ઞાન બન્નેને અકલ્યાણકારી જાણી, પોતામાં જે પ્રકારનો દોષ હોય તે દોષથી નિવૃત્ત થાય છે. જ્યાં જ્યાં જેમ યોગ્ય હોય ત્યાં ત્યાં તેમ સમજવું, એકાંત પક્ષ ગ્રહણ ન કરવો, પણ યથાયોગ્ય આચરણ કરવું એવો ‘વિવેક’ ગુણ આત્માર્થીમાં પ્રગટ્યો હોય છે. આ ગાથાના સંદર્ભમાં શ્રીમદ્ એક પત્રમાં લખે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org