Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૧૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન (૩) કોઈ પણ પરવસ્તુને જેણે પોતાની માની, તેણે ત્રણે કાળની પરવસ્તુ અને વિકારભાવને પોતાનું સ્વરૂપ માનીને અનંત પરદ્રવ્યોની ચોરીનું મહાપાપ કર્યું. (૪) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ પણ કરી શકે એમ માનનારે સ્વદ્રવ્ય-પદ્રવ્યને ભિન્ન ન રાખતાં એ બન્ને વચ્ચે વ્યભિચાર કરી બેમાં એકપણું માન્યું અને એવાં અનંત પદ્રવ્યો સાથે એકતારૂપ અબહ્મસેવન કર્યું, તેમાં અનંત મૈથુનસેવનનું મહાપાપ કર્યું. (૫) એક રજકણ પણ પોતાનું નથી, છતાં હું તેનું કરી શકું એમ જે માને છે તે પદ્રવ્યને પોતાનું માને છે. ત્રણે જગતના જે પરપદાર્થો છે તે સર્વને તે પોતાના માને છે, એટલે આ માન્યતામાં તેણે અનંત પરિગ્રહનું મહાપાપ કર્યું.
આ રીતે જગતનાં સર્વ મહાપાપો અજ્ઞાનમાં સમાઈ જાય છે, તેથી જગતનું સૌથી મહાન પાપ અજ્ઞાન જ છે. આવા મહાભયંકર અજ્ઞાનના અભાવનો ઉપાય છે જ્ઞાન, પોતાના સ્વરૂપની સમજણ. આ સંસારના ભીષણ દુઃખમય પરિભ્રમણચક્રમાંથી પોતાના આત્માને જે ઉગારી લેવા માંગે છે, તે સ્વહિતના અભિલાષી જીવે પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને જાણવાનો પ્રયત્ન પ્રથમ કર્તવ્યરૂપ છે. ચૈતન્યસ્વરૂપી આત્માનો મહિમા લાવી તેમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરવા યોગ્ય છે. વીતરાગી અંતરંગ પુરુષાર્થ વિના પોતાના ત્રિકાળી સ્વદ્રવ્ય તરફ પર્યાય વળતી નથી અને ત્યાં સુધી સુખની પ્રાપ્તિ થતી નથી. સુખ તો સ્વભાવન્મુખતાથી જ પ્રાપ્ત થાય છે. જે જીવ હું પોતે જ્ઞાન, આનંદ આદિ અનંત ગુણોનો પિંડ છું' એવો સ્વીકાર કરે નહીં, તે પોતાના સ્વરૂપની સન્મુખ ક્યાંથી થશે? અને સન્મુખતા કર્યા વિના પર્યાયમાં સુખ ક્યાંથી પ્રગટશે? માટે જીવે સ્વરૂપનો નિર્ણય કરી તેની સન્મુખ થવું ઘટે છે. એ નિર્ણયનું ફળ મહાન છે. તેનાથી અનાદિ કાળનો થાક પળવારમાં ઊતરી જાય છે. ઉપયોગ અંતર્મુખ કરતાં તે અભેદ થઈને પોતાના અતીન્દ્રિય આનંદમય સ્વભાવને વેદે છે, અનુભવે છે અને ત્યાં આનંદની પ્રાપ્તિ થાય છે. સ્વરૂપના જ્ઞાનથી અનાદિ દુ:ખપરંપરાની નિવૃત્તિ થાય છે.
જીવે વિચારવું ઘટે છે કે જેના વિસ્મરણનું મહાભયાનક પરિણામ પોતે અનંત કાળ ભોગવ્યું છે તે આત્મસ્વરૂપ કેવું છે? આત્મા અનંતગુણાત્મક શુદ્ધ ચૈતન્યદ્રવ્ય છે. પદ્રવ્ય અને પરભાવથી સર્વ પ્રકારે ભિન્ન છે. દેહાદિ નોકર્મ, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ તથા રાગાદિ ભાવકર્મથી તે તદન ભિન્ન છે. કર્મકૃત સઘળું તેનાથી ભિન્ન છે. અન્યથી તેને કોઈ લાભ-હાનિ નથી. તેના સ્વભાવમાં અંતરાય કરવા અન્ય કોઈ સમર્થ નથી. તે તો ત્રિકાળી, અનંતસામર્થ્યવાન, સ્વાધીન દ્રવ્ય છે. શાંતિનો પુંજ છે. દિવ્ય જ્ઞાનનો પિંડ છે. સુખશક્તિથી ભરપૂર છે. જગતના કોઈ પણ પદાર્થની ઉપમા દ્વારા કે સર્વોત્કૃષ્ટ વાણીપ્રયોગ દ્વારા આત્માના આનંદનું પૂર્ણ વર્ણન કરવું શક્ય નથી. જેમ ઘીની ઉપમા બીજા પદાર્થ વડે આપી શકાતી નથી, કારણ કે તેનું તાજાપણું અને તેની મીઠાશની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org