Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૬
૧૭૭
વિશેષાર્થ
કહેવાનો આશય નથી, તેની સ્પષ્ટતા કરતાં શ્રીમદ્ પ્રસ્તુત ગાથાની બીજી પંક્તિમાં કહે છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું ન હોય, પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિના એકમાત્ર પ્રયોજન અર્થે જો વૈરાગ્યાદિ સાધનો થતાં હોય તો તે તથારૂપ યોગ્યતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ વળવા અર્થે જો વૈરાગ્યાદિ થતાં હોય તો તે આત્મિક ઐશ્વર્યને પ્રાપ્ત કરાવતાં હોવાથી સાર્થક છે. વૈરાગ્યાદિ સેવવાથી કષાયો મંદ પડે છે, ચિત્તની વિશુદ્ધિ થાય છે, આત્માની રુચિ તીવ્ર બને છે અને સ્વરૂપના અભ્યાસનો અવકાશ પ્રાપ્ત થાય છે. વૈરાગ્ય, ત્યાગ, ચિંતન આદિથી અંત:કરણ નિર્મળ થાય છે. અંતઃકરણ નિર્મળ થવાથી સદ્દગુરુનો ઉપદેશ પરિણમે છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી આત્માર્થી જીવ વૈરાગ્યાદિ સાધનો સેવી, તથારૂપ ગુણોને પ્રગટાવી, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અવિરત પુરુષાર્થ કરે છે. આમ, શ્રીમદે આત્મજ્ઞાન પૂર્વે અને આત્મજ્ઞાન પછી, એમ બન્ને અવસ્થામાં વૈરાગ્યાદિ સાધનોની ઉપયોગિતા દર્શાવી છે, સાથોસાથ ક્રિયાજડ અને શુષ્કજ્ઞાનપ્રધાન જીવોને પણ ગર્ભિતપણે ઉપદેશ આપ્યો છે.
2 અનાદિ કાળના પરિભ્રમણમાં જીવે અનંત વાર અનેક સાધનો કર્યા છે.
* અહિંસા, સત્ય, અચૌર્ય, બહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ મહાવ્રતો, પાંચ ઇન્દ્રિયોનો અને મનનો નિગ્રહ તેમજ છ કાય જીવની રક્ષા એમ બાર પ્રકારનો સંયમ, ગૃહાદિનો ત્યાગ ઇત્યાદિ પ્રકારના ઉપાયો તેણે અનેક વાર કર્યા છે. પ્રાણાયામ આદિ અષ્ટાંગ યોગની સાધના, હઠયોગના પ્રયોગોની કષ્ટકારી સાધનાઓ, વિવિધ પ્રકારના જાપ તેમજ અનેક પ્રકારની ઉગ્ર તપશ્ચર્યાઓ પણ તેણે કરી છે. આ રીતે વૈરાગ્યાદિ સાધનો કરવામાં કે કષ્ટ વેઠવામાં તેણે કોઈ કસર બાકી રાખી નથી. આવાં અનેક સાધનોનો આવો બળવાન પરિશ્રમ કર્યો હોવા છતાં પણ તે હજુ સુધી સફળ થયો નથી, કારણ કે તે સર્વે સાધનો અને ક્રિયાઓ તેણે આત્મજ્ઞાન વિના કર્યા છે અને આત્મજ્ઞાન વિના ભવદુઃખનો અંત આવતો નથી. આત્માના વિભમથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મજ્ઞાનથી શાંત થાય છે. ભેદજ્ઞાન દ્વારા આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવામાં જે પ્રયત્ન કરતા નથી, તે પરમ તપ કરવા છતાં પણ નિર્વાણને પ્રાપ્ત કરતા નથી. પંડિત શ્રી દૌલતરામજી લખે છે કે – ૧- જુઓ : (૧) આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર', શ્લોક ૪૧
"आत्मविभ्रमजं दुःखमात्मज्ञानात्प्रशाम्यति ।
नायतास्तत्र निर्वान्ति कृत्वापि परमं तपः ।।' (૨) કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત, ‘યોગશાસ્ત્ર', પ્રકાશ ૪, શ્લોક ૩
'आत्माज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते । तपसाऽप्यात्मविज्ञानहीनैश्छेत्तं न शक्यते ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org