________________
૧૮૫ બદલે તમે આત્મજ્ઞાન અમને છે એમ માનો છો અને આત્મામાં તો ભોગાદિ કામનાની અગ્નિ બળ્યા કરે છે, પૂજાસત્કારાદિની કામના વારંવાર સ્ફુરાયમાન થાય છે, સહજ અશાતાએ બહુ આકુળ-વ્યાકુળતા થઈ જાય છે, તે કેમ લક્ષમાં આવતાં નથી કે આ આત્મજ્ઞાનનાં લક્ષણો નહીં! ‘માત્ર માનાદિ કામનાએ આત્મજ્ઞાની કહેવરાવું છું,' એમ જે સમજવામાં આવતું નથી તે સમજો; અને વૈરાગ્યાદિ સાધનો પ્રથમ તો આત્મામાં ઉત્પન્ન કરો કે જેથી આત્મજ્ઞાનની સન્મુખતા થાય.’૧
ગાથા-૬
આમ, શ્રીમદે આ ગાથામાં વૈરાગ્યાદિની ઉપયોગિતાનો બોધ આપી માર્ગ ભૂલેલા ક્રિયાજડ તથા શુષ્કજ્ઞાની જીવોને યથાર્થ માર્ગદર્શન આપ્યું છે. માત્ર બાહ્ય ક્રિયા કરવાથી જ કલ્યાણ થઈ જશે એવું માનનારા ક્રિયાજડને એમ બોધ આપ્યો છે કે કાયાને દમવી, રોકવી એ કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિનો હેતુ નથી. કોરી વૈરાગ્યાદિ ક્રિયાઓ આત્મજ્ઞાન વિના સફળ થતી નથી અને મોક્ષ અપાવી શકતી નથી. જેને પરમાર્થે હિત-અહિતની પરીક્ષા નથી, અકષાય તથા કષાયનો, જ્ઞાન તથા અજ્ઞાનનો વિવેક નથી, આત્મસ્વરૂપનું ભાન નથી; તે જીવ ધર્મના નામે પુષ્કળ ક્રિયાકાંડ કરી પોતે મોક્ષમાર્ગને સાધે છે એવું મિથ્યા અભિમાન કરે છે અને પોતાના આત્માર્થને છેદે છે. જો તે રાગ, દ્વેષ અને મોહ ઘટાડે નહીં તો તેનો સર્વ કાયક્લેશ વૃથા છે. તેને મિથ્યાત્વનો સંવર તો હજી થયો નથી અને યોગનો સંવર કરવા જાય છે, તેથી તેને યથાર્થ સંવર ક્યારે પણ થતો નથી. ઉદાહરણ તરીકે એક માણસને રૂા. ૯૯,૯૯૯/-નું દેવું હોય, તેમાંથી જો તે એકમનો નવડો ચૂકવે તો રૂા. ૯૯,૯૯૦/-નું દેવું બાકી રહે, પરંતુ જો તે પહેલો નવડો ચૂકવે તો માત્ર રૂા. ૯,૯૯૯/-નું દેવું બાકી રહે. એ રીતે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પંચાસવરૂપ પાંચ નવડા અનાદિથી જીવને લાગેલા છે. તેમાંથી જો તે છેલ્લો નવડો ચૂકવે, અર્થાત્ માત્ર યોગનો સંવર કરવા જાય તો તેથી કંઈ તેનું પરિભ્રમણરૂપ દેવું છૂટે નહીં. જીવે વિચારવું ઘટે કે આજ સુધી તેણે મિથ્યાત્વનો પહેલો નવડો ચૂકવ્યો નથી અને અનંત વાર કેવળ બાહ્ય ક્રિયાઓ દ્વારા એકમનો નવડો ચૂકવવા પ્રયત્ન કર્યો છે અને તે કારણે તેનું પરિભ્રમણ ટળ્યું નથી. તેથી બાહ્ય ક્રિયાઓમાં જ ઇતિકર્તવ્યતા માની તે ક્રિયાઓમાં જ રોકાઈ જવું ઘટતું નથી, પરંતુ અંતરંગ આત્મપરિણામરૂપ અધ્યાત્મક્રિયામાં ઊંડા ઊતરવું ઘટે છે. આમ, વૈરાગ્યાદિ જો આત્મજ્ઞાન સહિત હોય તો અવશ્ય મોક્ષફળ પમાડતાં હોવાથી સફળ છે અને આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે આત્મજ્ઞાનના એકમાત્ર પ્રયોજનને અર્થે કરવામાં આવતાં હોય તો તે વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો એમ બતાવી, શ્રીમદે ક્રિયાજડ જીવોને તે વૈરાગ્યાદિ સાધનો એકમાત્ર આત્માર્થે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે, સ્વરૂપલક્ષે સેવવાની ભલામણ કરી છે.
૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૨૭-૫૨૮ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org