Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૮૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
પાછી ખેંચી લેવારૂપ પ્રત્યાહાર કરે છે. તેઓ પરપરિણતિને વમીને આત્મપરિણતિમાં રમે છે. તેઓ બાહ્યાભ્યતર સંગથી વિરામ પામી એકમાત્ર અસંગભાવને જ ભજે છે. વૈરાગ્યના બળે તેમની આત્મસ્વરૂપમાં સ્થિરતા વધતી જાય છે. તેમના રાગ-દ્વેષાદિનો ઘટાડો થતો જાય છે અને વીતરાગતા વધતી જાય છે. આમ, આત્મજ્ઞાનપૂર્વકનાં વૈરાગ્યાદિ સાધનો મોક્ષમાં કારણભૂત બને છે. તેથી જ વૈરાગ્યાદિ સાધનો આત્મજ્ઞાન પછી સફળ ગણાય છે. આચાર્યશ્રી કુંદકુંદદેવ કહે છે કે દાન, પૂજા, બ્રહ્મચર્ય, ઉપવાસ, અનેક પ્રકારનાં વ્રત અને મુનિર્લિંગધારણ આદિ સર્વ એક સમ્યગ્દર્શન થાય તો મોક્ષમાર્ગમાં કારણભૂત બને છે. સમ્યગ્દર્શન વિના તે સર્વ સંસારને વધા૨વાવાળાં છે. ૧ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પણ કહે છે કે દાનાદિ સર્વ ક્રિયાઓ સમકિત (આત્મજ્ઞાન) હોય તો જ શુદ્ધ છે, કારણ કે તે ક્રિયાઓના મોક્ષરૂપી ફળમાં સમકિતનું સહચારીપણું છે. આત્મજ્ઞાન વિના ગમે તેટલી ક્રિયાઓ આચરે તોપણ ચૈતન્યની શાંતિનું વેદન થતું નથી, કર્મબંધનથી છુટાતું નથી અને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી.૨
અહીં કોઈને પ્રશ્ન થાય કે વૈરાગ્યાદિ સાધનો જો સમ્યગ્દર્શન - આત્મજ્ઞાન પછી જ સફળ છે, અર્થાત્ આત્મજ્ઞાન પછી જ જો વૈરાગ્યાદિ સાધનો મોક્ષપ્રાપક બનતા હોય તો આત્મજ્ઞાન પહેલાં તે સાધનો કરવાનો શું અર્થ? આત્મજ્ઞાન પહેલાં જો તેની મોક્ષાર્થે કોઈ ઉપયોગિતા ન હોય તો તેને ધર્મક્રિયા કઈ રીતે કહી શકાય? આ પ્રશ્નનું સમાધાન એમ છે કે તે વૈરાગ્યાદિ જો આત્મલક્ષપૂર્વક કરવામાં આવે તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં કારણભૂત થતાં હોવાથી તે આત્મજ્ઞાન પહેલાં પણ કરવાં યોગ્ય છે. સમ્યગ્દર્શન પહેલાંની, અર્થાત્ મિથ્યાત્વ અવસ્થાની વૈરાગ્યાદિ ક્રિયાઓ મોક્ષપ્રાપક નથી એ કથન નિશ્ચયનયનું છે. નિશ્ચયનયની દૃષ્ટિએ તો આત્મજ્ઞાન સાથેનાં વૈરાગ્યાદિ જ ધર્મ કહેવાય છે, પરંતુ વ્યવહારનયની દૃષ્ટિએ મિથ્યાત્વની અવસ્થામાં પણ જે વૈરાગ્યાદિ ક્રિયાઓ આત્મલક્ષપૂર્વક થતી હોય તે પણ ધર્મ છે. ભલે તે ક્રિયા મિથ્યાત્વ અવસ્થામાં થતી હોય, પણ જો તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં સહાયક થતી હોય તો તે ક્રિયા પણ ધર્મક્રિયા જ છે. અંતે તો મિથ્યાત્વ અવસ્થામાં રહેલ સમકિતસન્મુખ જીવ જ આત્મજ્ઞાન પામે છે. આત્મજ્ઞાન એકાએક આકાશમાંથી ઊતરી પડતું નથી કે અચાનક આત્મામાં પ્રગટ થઈ જતું નથી. જે મિથ્યાત્વી આત્મા સદ્ગુરુનો યોગ પામે ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘રયણસાર', ગાથા ૧૦
'दाणं पूया सीलं, उववासं बहुविहं पि खवणं पि । सम्मजुदं मोक्खसुहं, सम्मविणा दीहसंसारं ।।'
૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૨ 'सम्यक्त्वसहिता एव शुद्धा दानादिकाः क्रियाः 1 तासां मोक्षफले प्रोक्ता यदस्य सहकारिता ।। '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org