Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-પ
૧૬૯
સંભાળ તો કરતો નથી, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, અશુભ પરિણામમાં ટક્યો છે અને માને કે અમારો મોક્ષ થઈ જશે. વળી જરાય અપમાન થાય તો કાળજું કંપી ઊઠે છે. પણ ભાઈ! તું કહેતો હતો કે આત્મા સિદ્ધ જેવો છે, રાગ-દ્વેષ વિનાનો છે તો આમ કેમ? કંઈ પ્રતિકૂળતા થાય તો દ્વેષ-અણગમો અને સગવડતા મળે તો રાગ; કોઈ ખુશામત કરે; વખાણ કરે તો રાજી અને નિંદા કરે તો દ્વેષી, એમાં આત્મા મન, વાણી અને દેહથી જુદો છે એવો શુદ્ધ ભાવ ક્યાં આવ્યો?’
શુષ્કજ્ઞાની બોલે છે કે ‘પરપદાર્થમાં સુખ નથી. મારો આત્મા જ સર્વોત્કૃષ્ટ અને શાશ્વત સુખનો ખજાનો છે', પરંતુ તેને એવી નિઃશંકતા ઊપજી ન હોવાથી તે પરમાંથી સુખ મેળવવાની ચેષ્ટા કરે છે. જ્યાં સુધી જગતના કોઈ પણ પદાર્થમાંથી સુખ મળશે એવી માન્યતા અંતરમાં ઊંડે ઊંડે પણ હોય તો ત્યાં સુધી પરમાનંદરૂપ પોતાના આત્મા પ્રત્યે વૃત્તિનું પ્રવહવું થતું નથી અને તેના વિના આત્મસાક્ષાત્કાર થવો સંભવતો નથી. જ્ઞાનીને તો આત્મા અનંત આનંદનો કંદ છે એવી નિઃશંક પ્રતીતિ હોય છે, પરંતુ શુષ્કજ્ઞાનીને નિજપદાર્થમાં સુખબુદ્ધિ પ્રગટી ન હોવાથી પરપદાર્થમાં સુખબુદ્ધિ રહે છે. આત્મા પરમ સુખથી ભરેલો છે એવું ભાવભાસન થયું ન હોવાથી તે સ્વરૂપસન્મુખ થતો નથી અને તેની પરસમ્મુખતા મટતી નથી. પરથી નિરપેક્ષ, નિરાલંબ એવા પોતાના અસ્તિત્વનું શ્રદ્ધાન થયું ન હોવાથી તેની અનાદિની પરમાં રહેલી આધારબુદ્ધિ મટતી નથી. મારો આત્મા સત્ છે, અત્યારે જ હું પરિપૂર્ણ છું, પરમાનંદરૂપે અનાદિ-અનંત રહેનારો છું' એવો નિશ્ચય થયો ન હોવાથી તેને પરપદાર્થની આશા અને અપેક્ષા રહ્યા જ કરે છે. આ પ્રકારે શુષ્કજ્ઞાની ઈષ્ટ સંયોગને ઇચ્છે છે અને પરપદાર્થમાંથી સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે.
સાચી જ્ઞાનદશા પ્રાપ્ત થઈ નહીં હોવાથી શુષ્કશાની દેહાદિની પ્રતિકૂળતા આદિ પ્રસંગે વ્યાકુળ થઈ જાય છે, અનિષ્ટ વિયોગની ઇચ્છા કરે છે અને તથારૂપ વર્તન પણ કરે છે. મોટા મોટા ગ્રંથોનું અધ્યયન, જીવાજીવતત્ત્વોનો પરિચય, નયવિભાગથી વસ્તુસ્વરૂપની જાણકારી તથા જીવ અને કર્મવિષયક અનેક ઘટનાઓના જ્ઞાનસંપાદનનું પ્રયોજન છે વેદનાસમયે સમતાપરિણામ રાખવાં. પરંતુ શુષ્કજ્ઞાનીને વેદનાસમયે મમતા, ડર, વિરોધ, કાયરતા, દીનતા આદિ વર્તતાં હોવાથી તેનો શાસ્ત્રાભ્યાસ નિરર્થક નીવડે છે. સાચી જ્ઞાનદશા હોય તેમને દુઃખપ્રાપ્તિનાં કારણો વિષે વિષમતા થતી નથી અને તે દુઃખ ટાળવાની ઇચ્છા પણ થતી નથી. ભેદજ્ઞાનની સતત જાગૃતિ વર્તતી હોવાથી તેમને અંતઃસ્વરૂપની દૃષ્ટિ રહે છે. હું દેહથી નિરાળો જ્ઞાનમાત્ર છું' એવો સતત લક્ષ રહે છે.
આમ, શુભાશુભ ઉદય વખતે શુષ્કજ્ઞાનીને ઉત્સુક પરિણામ વર્તે છે, જ્યારે ૧- શ્રી કાનજીસ્વામી, “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org