Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૧૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્માનો સર્વાગી વિકાસ સાધવામાં અનેક પ્રકારે સહાય કરે છે. વિશ્વનું સ્વરૂપ, પદાર્થોની નિત્યતા, સંયોગોની ક્ષણભંગુરતા, અનંત ગુણોથી શોભતું આત્મદ્રવ્યનું અખૂટ જ્ઞાનાનંદનિધાન, અન્ય દ્રવ્યો સાથેના નિમિત્ત-નૈમિત્તિક સંબંધ અંગેની અણસમજણના કારણે ઉદ્ભવેલ અનેક ભ્રાંતિના નિરસનની વિધિ, સ્વાધીન ચૈતન્યસ્વભાવનો મહિમા વગેરે દર્શાવી શ્રીગુરુ એક તરફ શિષ્યનું જ્ઞાન સમ્યક કરે છે તો બીજી તરફ પોતાના પ્રગટ શુદ્ધાત્મસ્વરૂપની અલૌકિક પારમાર્થિક ચેષ્ટાઓનું અવલોકન કરવાની શિષ્યને અનેક સુંદર તકો આપી તેના મિથ્યાત્વને નિર્બળ બનાવે છે. જેમના વચનબળ વડે જીવ નિર્વાણમાર્ગને પામે છે એવી સજીવનમૂર્તિ પ્રત્યે લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઇચ્છાપણે સુદઢ થયેલ પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા દ્વારા શિષ્યની અંતરંગ નિર્મળતા વધતી જાય છે. પરિણામે “આત્મા છે', આત્મા નિત્ય છે', “આત્મા કર્મનો કર્તા છે', “આત્મા કર્મનો ભોક્તા છે', ‘આત્મા સર્વ કર્મથી સર્વથા નિવૃત્ત થઈ મોક્ષ પામી શકે છે' અને “મોક્ષ પામવાનાં સાધન છે' - સમ્યગ્દર્શનના નિવાસનાં આ છે સ્થાનકો તેને વિચાર કરીને સિદ્ધ થાય છે. શ્રીમદે આત્માનાં આ છ પદો અદ્ભુત શબ્દચમત્કૃતિથી, અર્થચમત્કૃતિથી તથા તત્ત્વચમત્કૃતિથી ગર્ભિતપણે આ શાસ્ત્રની પ્રથમ ગાથામાં સૂચવી દીધાં છે. તે આ પ્રમાણે - (૧) પ્રથમ પદ - ‘આત્મા છે'. ગાથાની શરૂઆત “જે સ્વરૂપ' શબ્દોથી થાય છે અને તે દ્વારા આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. સ્વરૂપ તેને કહેવાય કે જે ત્રણે કાળ અખંડપણે ટકી રહે. પરપદાર્થના ગમે તેવા સંયોગોમાં પણ તે પલટાય નહીં, અર્થાત્ તે પોતાનું ધ્રુવપણું ક્યારે પણ છોડે નહીં. આત્મા જ્ઞાનલક્ષણધારક ધુવ તત્ત્વ છે. “જે સ્વરૂપ' લખીને સર્વ પરવસ્તુથી ભિન્ન એવું આત્મસ્વરૂપ ચોક્કસપણે છે એમ સ્પષ્ટ કરી શ્રીમદે આ પ્રથમ ગાથામાં આત્માનું અસ્તિત્વ સૂચવ્યું છે. આમ, આત્મા એક વિશિષ્ટ વસ્તુ છે, અવસ્તુ નથી એમ આત્માના અસ્તિત્વનું સૂચન કરી દેહાત્મવાદનું નિરસન કર્યું છે. (૨) બીજું પદ - ‘આત્મા નિત્ય છે'. ગાથામાં ‘પામ્યો દુ:ખ અનંત' કહ્યું, તેમાં
અનંત' શબ્દ દ્વારા આત્માનું ત્રિકાળ ટકવાપણું સિદ્ધ થાય છે. અનંત એટલે જેનો કદી પણ અંત આવે નહીં તે સ્વરૂપની સમજણ વિના આત્મા અનંત કાળથી અનંત દુ:ખ ભોગવતો આવ્યો છે અને જો તે સ્વરૂપને સમજશે નહીં તો ભવિષ્યમાં પણ તે અનંત દુ:ખ પામશે. આ વાતનો સ્વીકારથી પૂર્વજન્મ અને પુનર્જન્મ સિદ્ધ થાય છે અને તે સિદ્ધ થતાં આત્માનું ત્રિકાળ હોવાપણું સિદ્ધ થાય છે. આત્મા પોતાનાં કર્મ અનુસાર સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે અને એ પરિભ્રમણ દરમ્યાન અસારભૂત એવા સંસારની ચારે ગતિમાં દુ:ખ ભોગવે છે. કર્મના પરિણામરૂપ નાશવંત દેહ પલટાયા કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org