Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૩
૧૩૯
વાતો કરે છે, પરંતુ અનુકૂળ-પ્રતિકૂળ સંજોગોમાં મુકાય ત્યારે મોહાવેશમાં વર્તે છે; અર્થાત્ તેઓ નિશ્ચયને માત્ર શબ્દથી ગ્રહે છે, પણ અંતરમાં યથાર્થપણે પરિણમાવતા નથી. આમ, બન્ને પક્ષો સ્વચ્છંદે પ્રવર્તી, મોક્ષમાર્ગના નામે સંસારમાર્ગે ગમન કરી ભવસમુદ્રમાં ડૂબે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે :
કોઈ કહે મુક્તિ છે વીણતાં ચીથરાં, કોઈ કહે સહજ જમતાં ઘર દહિથરાં; મૂઢ એ દોય તસ ભેદ જાણે નહીં, જ્ઞાનયોગે ક્રિયા સાધતાં તે સહી.’૧
ઉપાધ્યાયશ્રી અહીં એકાંત પક્ષમાં રાચતા એવા મૂઢ જીવોનું સ્વરૂપ જણાવતાં કહે છે કે કોઈક નિશ્ચયદૃષ્ટિશૂન્ય જીવો કેવળ વ્યવહાર વડે, એટલે કે પડિલેહણાદિ તેમજ પ્રતિક્રમણાદિ ક્રિયાઓ વડે તથા કેવળ કાયક્લેશરૂપ તપ કરી, નગ્નભાવે વિચરવાથી અથવા તો ફાટ્યાંતૂટ્યાં વસ્ત્રો પહેરવાથી મોક્ષમાર્ગ સધાય એમ કહે છે; જ્યારે કેટલાક જીવો નિશ્ચયની વાતો આગળ કરીને મનમાન્યા વિષયભોગો ભોગવતાં હોવા છતાં પણ મોક્ષમાર્ગ સધાય છે એમ કહે છે. આ બન્ને આત્માર્થ સાધી શકતા નથી. શ્રી જિનમતાનુસાર મોક્ષમાર્ગનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી અને તેને યથાર્થપણે અનુસરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે એમ અહીં સ્પષ્ટ જણાવ્યું છે.
વર્ષાઋતુ શરૂ થતાં જમીનમાંથી ઉત્પન્ન થતાં અળસિયાની જેમ વર્તમાન કાળે સમાજમાં ચારે બાજુ વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલે છે, પણ તે પ્રવૃત્તિ કરનારાઓને ધર્મના મંગળ સ્પર્શનો અનુભવ થતો નથી, કારણ કે તેમને મોક્ષમાર્ગના સ્વરૂપની સમજણ નથી. આત્મપરિણામમાં સવળું પરિવર્તન કે વિકારમાંથી મુક્તિ એ મોક્ષમાર્ગની આરાધનાનું મુખ્ય અંગ છે, જ્યારે બાહ્ય ક્રિયા અને શાસ્ત્રાભ્યાસ એ મોક્ષમાર્ગની આરાધનાનું ગૌણ અંગ છે. પરંતુ સમાજમાં મોક્ષમાર્ગના મુખ્ય અંગને ગૌણ અને ગૌણ અંગને મુખ્ય બનાવવામાં આવ્યું હોવાથી બાહ્ય ક્રિયાકાંડ કે કોરી જ્ઞાનચર્ચાને જ લોકો મોક્ષમાર્ગ માની બેસે છે અને તે દ્વારા પોતાને ધાર્મિક માની-કહેવડાવી મિથ્યા સંતોષમાં રાચે છે. તેઓ બાહ્ય વ્રત લેવાને ચારિત્ર અને શાસ્ત્રની ગાથાઓને મોઢે કરવાને જ્ઞાન માની અટકી જાય છે, પરિણામે મોક્ષ સાધી શકતા નથી. બાહ્ય વ્રતની ક્રિયા કરવાને જ ચારિત્રની આરાધના માનવી અને અધ્યાત્મશાસ્ત્રો ભણીને સૂત્ર વાંચવા-ભણવાને જ જ્ઞાનની આરાધના માનવી એ તેમની મોક્ષમાર્ગ અંગેની સમજણની ખામી દર્શાવે છે. તેથી જ કેવળજ્ઞાની પણ જેમાં દોષ કાઢી ન શકે એવું ઉત્કૃષ્ટ બાહ્ય ચારિત્ર અનંત વખત પાળવા છતાં જીવનો મોક્ષ થયો નહીં. તેવી જ રીતે અત્યારનાં જેટલાં ભાષાસાહિત્ય અને શાસ્ત્રો છે તે સર્વ ભેગાં કરીએ તોપણ તે જ્ઞાન એક પૂર્વના સહસ્રાંશ જેટલું પણ નથી, એવી અપરિમિત વિદ્યાના નવ નવ પૂર્વો ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૧૬, કડી ૩૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org