Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૩૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉત્પન્ન થાય છે. શ્રીમદ્ લખે છે –
‘કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કભી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે.”
જીવ ધર્મમય જીવન જીવતો નથી એ જેટલું ખરાબ છે, તેનાથી હજારગણું ખરાબ પોતે ધર્મમય જીવન જ જીવી રહ્યો છે એવા ભ્રમમાં રહેવું તે છે. આ વિચિત્ર વિડંબના છે. રોગી હોવા છતાં પણ પોતાને નીરોગી માને છે. પોતાના કુળધર્મની પરંપરાનાં ક્રિયાકાંડ પૂરાં કરી લે છે અથવા તો પોતાના જ સંપ્રદાયનાં શાસ્ત્રો દ્વારા ઉદ્ઘોષિત થયેલ દાર્શનિક સિદ્ધાંતની માન્યતા પોતાના મનમાં ભરી લે છે અને ફક્ત આટલાથી જ એમ સમજી બેસે છે કે “હું ધર્મમય જીવન જીવી રહ્યો છું.' જેને પોતે ધર્મ માની રહ્યો છે તે સમ્યક્ છે કે મિથ્યા - એ હકીકતને ચકાસવાની તેને જરૂર જ લાગતી નથી, સત્ય ધર્મને શોધવાની આવશ્યકતા જ લાગતી નથી. જેમ હત્યારાની શોધ ત્યાં સુધી જ થાય છે કે જ્યાં સુધી હત્યાના અપરાધ માટે કોઈને પકડવામાં ન આવે. જેણે હત્યા કરી ન હોય તેને જો હત્યાના અપરાધી તરીકે પકડી લેવામાં આવે, સજા કરવામાં આવે, તો સાચો હત્યારો કદી પણ નહીં પકડાય! હત્યારો મળી ગયો હોય અને તેને સજા કરવામાં આવી હોય તો પછી હત્યારો શોધવાની જરૂર રહેતી નથી; પછી ભલેને તે સાચો હત્યારો ન હોય. જ્યારે શોધવાનું બંધ થઈ ગયું તો સાચો હત્યારો મળી આવવો પણ અસંભવિત છે. આ જ પ્રમાણે જીવ જ્યારે પોતે કલ્પેલા માર્ગને મોક્ષમાર્ગ માની લે છે તો પછી વાસ્તવિક સત્ય ધર્મની શોધનો પ્રશ્ન જ રહેતો નથી. યથાર્થ મોક્ષમાર્ગ વિષે નહીં જાણનાર જિજ્ઞાસુ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરી લે એવી સંભાવના છે, કેમ કે એની શોધ ચાલુ છે; પરંતુ કલ્પિત માર્ગને જ મોક્ષમાર્ગ માની બેઠેલાને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થવી અસંભવિત છે.
ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની બન્ને પ્રકારના જીવો પોતપોતાને મોક્ષમાર્ગના આરાધક માને છે. ક્રિયાજડ જીવો બાહ્ય વ્યવહારસાધનને સાધ્ય માને છે અને મુખ્ય નિશ્ચયસાધ્યને ભૂલી જાય છે; તેથી તેઓ અનુપયોગપણે, યંત્રવત્ બાહ્ય દ્રવ્યક્રિયા કર્યા કરે છે, પણ નિજસ્વરૂપને સાધી આપનાર એવી અંતરંગ ભાવક્રિયાને સ્પર્શતા પણ નથી; અર્થાત્ અંતર્ભેદનો અનુભવ કરતા નથી અને ઊલટું જ્ઞાનમાર્ગનો નિષેધ કરે છે. શુષ્કજ્ઞાની શુદ્ધ નિશ્ચયનયની મુખ્યતાએ પ્રરૂપણા કરતાં ગ્રંથો વાંચીને સદ્વ્યવહારનો લોપ કરે છે, શુભ ક્રિયાને નિષેધે છે અને અશુભમાં પ્રવર્તન કરે છે. તેઓ જ્ઞાનની માત્ર કોરી ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૯૯ (પત્રાંક-૬૮૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org