Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૯૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન અનેક શુભ આશયોથી મંગલની રચના કરવામાં આવે છે. (૨) અભિધેય વિષય
ગ્રંથમાં જે વસ્તુ વર્ણવવાની હોય તેને અભિધેય વિષય કહે છે. તે ગ્રંથના પ્રારંભમાં કહેવામાં આવે છે, કારણ કે ગ્રંથમાં આપેલો વિષય પોતાને ઇષ્ટ છે કે નહીં એ જાણ્યા વિના કોઈ પણ સુજ્ઞ વાચક ગ્રંથનું વાંચન ન કરે, માટે ગ્રંથારંભમાં વિષયનો નિર્દેશ પણ આવશ્યક છે. વર્તમાનમાં ગ્રંથના વિષયની પ્રાસંગિક વિગતો ઉપોદ્દઘાતમાં કે પ્રસ્તાવનામાં આપવામાં આવે છે, પરંતુ પૂર્વકાળમાં ઉપોદ્દઘાત કે પ્રસ્તાવના લખવાનો રિવાજ ન હતો; તેથી ગ્રંથારંભમાં વસ્તુનિર્દેશ કરવામાં આવતો. અભિધેય વિષયની સંકલના ગ્રંથના આરંભમાં કરવામાં આવતી હોવાથી વાચકને પ્રસ્તુત ગ્રંથ વાંચવો કે નહીં તેનો નિર્ણય કરવા માટે સુગમતા રહે છે. (૩) પ્રયોજન
પ્રયોજન એટલે હેતુ, ફળ. કયા ફળની પ્રાપ્તિના લક્ષે ગ્રંથ રચવામાં આવેલ છે તે ગ્રંથના પ્રારંભમાં જણાવવામાં આવે છે. “પ્રયોનન+નુશ્યિ ન સંતોષ પ્રવર્તતે I', એટલે કે પ્રયોજન વિના તો કોઈ મૂઢ પણ પ્રવૃત્તિ નથી કરતો. માટે શાસ્ત્રનું જ્યાં સુધી પ્રયોજન કહેવામાં ન આવ્યું હોય ત્યાં સુધી શાસ્ત્ર કોણ વાંચે? કેટલીક વાર પ્રયોજનના સુચન સાથે તેના અધિકારી વર્ગનો પણ નિર્દેશ કરવામાં આવે છે. વાચક જો અનધિકારી હોય તો ગ્રંથકર્તાનો આશય લક્ષગત ન થવાથી કેટલીક વાર વાચકને હાનિ થવાનો સંભવ રહે છે. કેટલાક ગ્રંથોમાં તાત્કાલિક પ્રયોજન તથા પરંપરા પ્રયોજન એમ બે પ્રયોજન ભેદપૂર્વક દર્શાવવામાં આવ્યાં હોય છે. વળી, કેટલાક ગ્રંથોમાં પ્રયોજન અભેદપણે કે ગર્ભિતપણે સૂચવવામાં આવ્યું હોય છે. (૪) સંબંધ
શાસ્ત્ર પોતાની મતિકલ્પનાથી નથી રચાયું, પરંતુ કોઈ પ્રસિદ્ધ અને ઇષ્ટ વસ્તુ સાથે તેનો સંબંધ છે અથવા પૂર્વાચાર્યોનાં કથન સાથે સંબંધ છે તેમ દર્શાવવું પણ આવશ્યક છે કે જેથી શ્રદ્ધાળુ એમાં સુગમતાથી પ્રવર્તે. સંબંધ દર્શાવવાથી પાઠકને ગ્રંથ ઉપર વિશ્વાસ બેસે છે, આદર વધે છે, તેમજ ગ્રંથનું મૂલ્ય તે પારખી શકે છે. ગ્રંથમાં આપેલ ઉપદેશ પોતાના મનની કલ્પનાથી નથી કહેવાયો, પરંતુ પૂર્વના આચાર્યોએ જેમ કહ્યું છે અને પોતાને પણ આચાર્યપરંપરાએ પોતાના ગુરુ મારફત જે પ્રમાણે મળ્યું છે તે પ્રમાણે કહેવાયું છે એવો ગ્રંથનો સંબંધ પણ સૂચિત કરવામાં આવ્યો હોય છે. આ પ્રકારના સંબંધનિર્દેશના કારણે ગ્રંથ ખૂબ જ વિશ્વસનીય અને આદરણીય બને છે.
આ અનુબંધ ચતુષ્ટયની બાબતમાં બધે જ એકવાક્યતા જોવા નથી મળતી. કોઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org