________________
ગાથા-૧
૧૦૫
જ્ઞાનાનંદસ્વરૂપને ભૂલી ગયો છે અને દેહને જ પોતારૂપ માને છે. સુખ-દુ:ખની તેની સર્વ વ્યાખ્યા દેહને અનુકૂળ-પ્રતિકૂળ સંયોગોને અનુલક્ષીને જ નક્કી થતી હોય છે. તેને દેહથી ભિન્ન પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ભાસ્યું ન હોવાના કારણે તે પરસંયોગથી જ પોતાને સુખી-દુઃખી માને છે. તેની આ માન્યતા મિથ્યા છે. બાહ્ય સંયોગો સુખી કે દુઃખી કરવાની તાકાત ધરાવતા જ નથી. બહારના સંયોગની આત્મસ્વરૂપમાં નાસ્તિ છે. જે જીવમાં છે જ નહીં, તે જીવને સુખ-દુ:ખ આપી શકતા નથી; તેથી બાહ્ય સર્વ પરિવર્તનોથી, પ્રાપ્તિઓથી તેને કોઈ લાભ-હાનિ થતાં નથી. પરદ્રવ્ય તેને કોઈ લાભ કે નુકસાન કરી શકતું નથી. કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ તેને સુખી કે દુઃખી કરી શકતી નથી. માત્ર પોતાની ઊંધી માન્યતાના કારણે તેણે અનંતું દુઃખ વેઠવું પડે છે. એ વિપરીતતા ટાળી જો શુદ્ધાત્મસ્વરૂપનો આશ્રય આપવામાં આવે તો જીવ અપાર આત્મસુખનો ભોક્તા બને છે. જ્ઞાની ચારે ગતિનાં દુ:ખની વચ્ચે રહીને પણ સુખી જ છે. જ્ઞાનીએ પરમાંથી સુખબુદ્ધિ ખસેડી નિજ ચિદાનંદસ્વરૂપમાં સ્થાપી હોવાથી બાહ્યમાં ભલે નરકનાં દુ:ખો ભોગવતાં દેખાય, પણ તેમના અંતરમાં તો ભેદજ્ઞાન દ્વારા સ્વરૂપસુખની ગટાગટી જ ચાલતી હોય છે. જે સંયોગમાં જ્ઞાની દુઃખી ન થાય, તે જ સંયોગમાં જો અજ્ઞાની દુઃખી થતો હોય તો તેનાં દુ:ખનું કારણ સંયોગ નહીં પણ તેનું અજ્ઞાન જ છે એમ સિદ્ધ થાય છે.
વળી, એકનો ઇષ્ટ સંયોગ અન્યને માટે અનિષ્ટ અથવા એકનો અનિષ્ટ સંયોગ અન્યને માટે ઇષ્ટ હોઈ શકે છે. જો અન્યને સુખ આપવાનો સ્વભાવ વાસ્તવમાં અમુક સંયોગમાં હોય તો તે સંયોગે પ્રત્યેક વ્યક્તિને સુખ જ આપવું જોઈએ. અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા છે તો સર્વને તે ઉષ્ણતાનો જ અનુભવ કરાવે છે. એવી રીતે સુખ આપવું એ જો સંયોગનો સ્વભાવ ગણવામાં આવે તો સર્વને તે સંયોગમાં સુખનો અનુભવ થવો જ જોઈએ, પણ એમ તો જોવા મળતું નથી. સ્વાદિષ્ટ ગણાતી મીઠાઈ નીરોગીને સુખરૂપ લાગે છે, પરંતુ રોગીને એ જ મીઠાઈ દુઃખરૂપ લાગે છે. કોઈને પંખા વિના ચાલતું નથી, તો કોઈ પંખાથી દૂર ભાગે છે. આ રીતે વ્યક્તિએ વ્યક્તિએ સુખનો આધાર બદલાય છે. ક્યારેક એક જ વ્યક્તિને પણ એક વખતે જે પદાર્યાદિ સુખરૂપ લાગતા હોય તે જ પદાર્થાદિ પરિસ્થિતિ બદલાતાં દુઃખરૂપ ભાસે છે. ભૂખથી વ્યાકુળ માનવી ઘરે આવે અને મધુર સંગીત વાગી રહ્યું હોય તો પણ તેને તે વિષાદમય અને વિલાપરૂપ લાગે છે, પણ ખોરાક પેટમાં જતાં એ જ સંગીત તેને આલાદક અને આલાપરૂપ લાગે છે. વળી, જો પરદ્રવ્યમાં સુખ આપવાનો સ્વભાવ હોય તો જેમ જેમ એનું અનુસંધાન કરવામાં આવે, તેમ તેમ સુખની માત્રા વધવી જોઈએ. વાનગી ગમે તેટલી ભાવતી હોય, પણ જો અમુક પ્રમાણ કરતાં વધુ આરોગવામાં આવે તો એ જ વાનગી દુઃખનું કારણ બની જાય છે. આ વિભિન્ન તથ્યો જોતાં જ્ઞાની ભગવંતોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org