Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સમાધાન :- પ્રતિક્રમણ જેમ સામાયિકનું અંગ છે, તેમ ચતુર્વિશતિસ્તવ આદિ પણ સામાયિકનાં અંગો છે. સામાયિકરૂપી સાધ્યની સિદ્ધિ માટે જેટલી આવશ્યકતા પ્રતિક્રમણરૂપી સાધનની છે, તેટલી જ ચતુર્વિશતિસ્તવ આદિની છે. બીજી રીતે કહીએ તો ચતુર્વિશતિસ્તવ આદિ સામાયિકના જ ભેદો છે, તેથી સામાયિકથી જુદા નથી. એટલે પરસ્પર સાધ્ય-સાધનભાવરૂપે રહેલાં છે. જેમ સામાયિકનું સાધન ચતુર્વિશતિ-સ્તવ આદિ છે, તેમ ચતુર્વિશતિ-સ્તવ આદિનું સાધન સામાયિક છે, અથવા ગુરુવંદન છે, અથવા પ્રતિક્રમણ છે, અથવા કાયોત્સર્ગ છે, અથવા પચ્ચખાણ છે. પચ્ચખાણથી જેમ સમભાવલક્ષણ સામાયિક વધે છે, તેમ સામાયિકથી પણ આશ્રવનિરોધરૂપ કે તૃષ્ણાછેદરૂપ પચ્ચખાણ-ગુણ વૃદ્ધિ પામે છે. અથવા સામાયિકથી જેમ કાયોત્સર્ગ એટલે કાયા ઉપરથી મમતા છૂટીને સમતા પ્રાપ્ત થાય છે, તેમ કાયોત્સર્ગ-કાયા ઉપરના મમત્વનો ત્યાગ, એ પણ સમભાવરૂપ સામાયિકની જ પુષ્ટિ કરે છે. એ જ રીતે, ત્રિકાલવિષયક સાવદ્યયોગની નિવૃત્તિરૂપ પ્રતિક્રમણ જેમ સામાયિકથી સિદ્ધ થાય છે, તેમ સાક્ષાત્ સાવદ્યયોગની નિવૃત્તિના પચ્ચક્તાણરૂપ સામાયિકથી પ્રતિક્રમણની પુષ્ટિ થાય છે. સમભાવલક્ષણ સામાયિક જેમ સમભાવપ્રાપ્ત સગુરુની આજ્ઞાના પાલનરૂપ ભક્તિનું પ્રયોજક છે. તેમ સમભાવપ્રાપ્ત સુગરના વંદનરૂપ વિનય પણ સમભાવરૂપ સામાયિક ગુણને વિકસાવનાર છે. એ રીતે છયે આવશ્યકો પરસ્પર એકબીજાના સાધક છે. તેથી તે છયે એકઠા મળીને ચારિત્રગુણની પુષ્ટિ કરે છે. અથવા ચારિત્ર એક જેનો વિભાગ છે, એવા (પંચાચારમય) પંચવિધ મુક્તિમાર્ગનું તેથી આરાધના થાય છે, શ્રીજિનેશ્વરદેવે ફરમાવેલો મુક્તિમાર્ગ એ પંચાચારના પાલનસ્વરૂપ છે, કારણ કે આત્માના મુખ્ય ગુણ પાંચ છે. એ પાંચેયને વિકસાવનાર આચારના પરિપૂર્ણ પાલન વિના આત્મગુણોના સંપૂર્ણ લાભ રૂપ મુક્તિરૂપી કાર્ય સિદ્ધ થઈ શકતું નથી.
- સામાયિક, ચતુર્વિશતિ-સ્તવ આદિ છયે આવશ્યકોથી આત્મગુણોનો વિકાસ કરનાર પાંચે આચારોની શુદ્ધિ કેવી રીતે થાય છે ? તેને વર્ણવતાં શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org