________________
સમયે છેલ્લા ત્રણ મહિના એકધારો દાદાશ્રી વડોદરા રહેલા. રોજ એમની વિધિ થતી. બાની ઉંમર છોંતેર વર્ષની, મૃત્યુ પણ સારી રીતે થયું. કેવી સરસ પુણ્યે !
અશાતા વેદનીય ઉદયમાં હતી પણ હીરાબાને અંદરથી રોજ શાતા વેદનીય રહેતી હતી પછી મરતી વખતે સમાધિ મરણ જ હોય ને !
મૃત્યુ વખતે દાદાશ્રીને ખબર આપી કે હીરાબાએ દેહ છોડી દીધો છે. ત્યારે દાદાશ્રીએ કહ્યું કે અમે વિધિ કરીએ છીએ, તમે તમારે બધી વ્યવસ્થા કરો.
બીજે દહાડે સવારે લોકો સુખડના હાર પહેરાવીને દર્શન કરતા હતા. લોકોનો પ્રેમભાવ હીરાબા ઉપર કેટલો બધો ! એમનું કલ્યાણ થઈ ગયું, જ્ઞાનીના કહ્યા પ્રમાણે પામીને ચાલ્યા ગયા.
સ્મશાન યાત્રામાં દાદાશ્રી પણ વ્હીલચેરમાં બેસીને આવેલા. લોકો દાદાશ્રીને જુએ. પોતે સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટાપદમાં ! કોઈ અસર જ ના હોય એવી દશામાં ! વ્યવહારમાં આદર્શ ! હીરાબા ગયા તોય દાદાશ્રી સંપૂર્ણ વીતરાગ ! આ જગતની એવી કોઈ ચીજ નથી, જે એમને અડે. કોઈ દુઃખ એમને અડે નહીં. પોતે આ શરીરમાં જ રહેતા નથી. શરીરમાં રહેતા હોય તેને દુ:ખ થાય.
૧૯૨૩માં પરણ્યા હતા ને ૧૯૮૬માં છૂટા પડ્યા. સંયોગ વિયોગી સ્વભાવનો છે ! સંયોગી તો પોતે ચાલ્યા ગયા. બાકી આ બધું સંયોગ સંબંધ છે. ફાધરનો ઓગણીસમે વર્ષે સંયોગ પૂરો થયો, બ્રધરનો વીસમે વર્ષે સંયોગ પૂરો થયો. મધરનો અડતાળીસમે વર્ષે ને હીરાબાનો ઓગણ્યાએંસીમા વર્ષે સંયોગ પૂરો થયો.
લોકોને લાગે કે હીરાબા ગયા. દાદાશ્રી કહે છે, પોતે તો છે જ, મૂળ વસ્તુ તો છે જ ને એ તો કાયમના છે. બળવાની વસ્તુ બળી ગઈ, ના બળવાની રહી ગઈ. કાયમના છે તે તો ગયા જ નથી ને ! એ તો અમારી સાથે જ છે !
48