________________
૧૯૨
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
ના, એમ નહીં, હું એવું કહેવા માગતો નથી. હું તો એમ કહેવા માગું છું કે આ વાસણ આપજો ને પાંચસો રૂપિયા રોકડા આપજો.” “હં.. તમે તો ભોળાના ભોળા રહ્યા, પાંચસો અપાતા હશે ?' કહે છે. ત્યારે મેં કહ્યું, ‘તમે જાણો હવે. એટલે મારે પેલો મતભેદ ઊડી ગયો. મારે જે મતભેદ ઊડાડવો હતો એ ઊડી ગયો, પછી ભલે આપો કે ના આપો. એટલે એ કહે છે, “મારે તો ચાર ભત્રીજીઓ છે. એકને આવું પાંચસો આપું તો બધે વારેઘડીએ આપવા પડે ને ?” મેં કહ્યું, ‘તમને ઠીક લાગે છે.'
મતભેદ ટળ્યો તે ઠર્યા ભોળા ‘તમારા મામાના દીકરાની દીકરી પૈણે ને, ત્યારે ચાંદીના તાટ આપો છો” એવું બોલ્યા એટલે હું સમજી ગયો કે આ મૂરખ બની ગયો આજે હું. વાત શું કહેવા ગયા ને થઈ ગયું શું આ ? એટલે મેં કહ્યું, હું એવું કહેવા નથી માગતો. મારી વાત સાંભળો તમે. હું એમ કહેવા માગું છું કે રોકડા પાંચસો આપજો અને ઉપરથી આ વાસણ આપજો.” “એટલા બધા રૂપિયા અપાતા હશે, પાંચસો રૂપિયા ? ચાર છોડીઓ છે એને તો. તમે ભોળા ને ભોળા રહ્યા' કહે છે.
જો મતભેદ છૂટી ગયો ને પણ ? મતભેદ પડવા ના દીધો ને ઊલટું એમણે મને કહ્યું કે “તમે તો ભોળા છો !” આ તો મારા’ ભાઈને ત્યાં તમે ઓછું આપો છો, એ વિચારો એમના મનમાં પેસતા હતા, તેને બદલે એમણે એમ કહ્યું કે “આટલા બધા ના અપાય !”
પછી મેં કહ્યું, ‘તો તમારે જેટલા આપવા હોય એટલા આપજો. ચારેવ ભત્રીજી આપણી છોડીઓ છે !” એટલે ખુશ થઈ ગયા. “દેવ જેવા છે' કહે છે !
જો પટ્ટી મારી દીધી ને ! હું સમજું કે આપણે પાંચસો કહીએ તો આપે એવા માણસ નથી આ ! એટલે આપણે એમને જ કબજો સોંપી દો ને ! હું સ્વભાવ જાણું. હું પાંચસો આપું તો એ ત્રણસો આપી આવે. એટલે બોલો, મારે સત્તા સોંપવામાં વાંધો ખરો ?
પ્રશ્નકર્તા : ના, કંઈ વાંધો નહીં.