________________
[૧૩] દાદા-હીરાબા, કબીર સાહેબ ને એમના પત્ની જેવા
૨૫૯
મને ધણી થતા ના આવડતું હોય તો ફ્રેક્ટર થઈ જાય ને ? હું તો જ્ઞાની પુરુષ છું, મને ધણી થતા આવડે.
જરા બે-ચાર વખત ફસાઈ ગયો પણ મહીં ભગવાન હાજરને, એટલે તરત રસ્તો મળી જાય.
એટલે અમારે આ હીરાબા સાથે કોઈ જાતનો મતભેદ નહીં, તે તો કબીર સાહેબના બીબી જેવા છે. ઘણા સારા સ્વભાવના છે, પણ શું તે જ્ઞાની છે ? તે અમારી સાથે એડજસ્ટ થાય છે ? ના, અમે જ્ઞાની છીએ એટલે એડજસ્ટ થઈ જઈએ. જ્ઞાનીએ જ દરેક જગ્યાએ એડજસ્ટ થવું પડે.
વાંકાને વાંકી સીધાને સીધી કોઈ કહે, “હીરાબાનો સ્વભાવ કેવો હતો?” ત્યારે હું કહું, “કબીર સાહેબની વાઈફ જેવો.” અમારે જરૂર જ નહીં પણ અમે કહીએ કે એક દીવો લાવો, તો એ ધોળે દહાડે બે દીવા લઈને આવીને ઊભા રહે, ધોળે દહાડે.
પ્રશ્નકર્તા: કહ્યું એટલે પતી ગયું. કહ્યું, લાવો દીવો, એટલે દીવો લઈ આવે.
દાદાશ્રી : ના, એટલે એ એમ ના કહે કે “અત્યારે સૂર્યનારાયણ તપે છે, તમે આંધળા છો કે શું તે આટલા અજવાળામાં દીવા મંગાવો છો !” બીજી હોય તો તો ‘તમારા ડોળા ફૂટલા છે, આંધળા મૂઆ છો? બહાર અજવાળું આટલું બધું ને પાછા દીવા મંગાવો છો” કહે. કબીર સાહેબ એક મંગાવે તો આ બે લઈને આવે. પછી કબીર સાહેબે પેલાને કહ્યું કે આવી મળે તો પૈણજે. પણ એવી કશી મળે તમારા જેવા હોય તેને. અમે એવા પાંસરા ના હોય કે અમારી વહુ આવી હોય. જેટલો વાંકો હોય એટલી જ વાંકી વહુ હોય ને ? કબીર સાહેબ સીધા હતા. વહુના વાંક ઉપરથી જોઈ લેવું કે ધણી મૂઓ કેટલો છે વાંકો ! સમજ પડીને ?
પ્રશ્નકર્તા બરાબર છે. એ ખ્યાલ આવી જાય, તરત બેરોમીટર દેખાડે. દાદાશ્રી : એ હિસાબ જ છે, એ એનું જ પ્રતિબિંબ છે.