________________
૨૮૪
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પ્રૉમિસ કર્યું હતું. છોકરો નહોતો એટલે લોકો કહે છે કે “ભાઈ, તમે ફરી કરો, ફરી કરો.” મેં કહ્યું, “ના, મેં એમને પ્રૉમિસ આપ્યું છે.'
માત્ર પૈણ્યા નથી, પ્રોમિસ આપેલું છે લોકો કહે છે, “તમે ફરી મેરેજ કરો.” મેં કહ્યું, “ના, અમે પ્રૉમિસ આપેલું છે પરણતી વખતે.' પ્રોમિસ એટલે પ્રૉમિસ. માણસ પ્રૉમિસ ના પાળે તો બીજું શું કરી શકવાનો છે ? પ્રૉમિસ હું પાળું છું તે સારું જ કહેવાય ને ? તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા: બરોબર, પ્રૉમિસ તો પાળવું જ જોઈએ.
દાદાશ્રી : અમને ફરી પરણાવવા ફરે પણ એકવાર આપેલું વચન ભલેને અમે સગીર વયમાં પરણ્યા હોય પણ વચન ના તોડીએ. લગ્ન કર્યા એટલે “પ્રૉમિસ કર્યું આપણે લગ્નમાં, એટલે પ્રૉમિસ તો બધું પાળવું જ જોઈએ ને ? કોન્ટ્રાક્ટ કર્યો છે આ, તે આપણે પાળવો જ પડે ને ? હું હઉ પાળું જ છું ને ! છૂટકો જ નહીં ને ! રાજીખુશીથી સોદો કરેલો છે ને હવે ફરી જવાય ? સોદો નહીં કરેલો ?
પ્રશ્નકર્તા: કરેલો ને ! દાદાશ્રી : તે હવે ફરી જવાતું હશે ?
કોઈ કહે કે તમે પૈણ્યા છો ? ત્યારે કહ્યું કે માત્ર પૈણ્યા નથી, પણ પ્રૉમિસ આપેલું છે. પહેલા તો મેં બધા બહુ લોકો જોયા, પણ અમે તો પ્રૉમિસ આપેલું છે. પૈણતી વખતે પ્રૉમિસ, હાથ નથી આપતા ?
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તે ઘડીએ પ્રૉમિસ આપીએ છીએ.