________________
[૧૬.૨] દાદા કહેતા હીરાબાને - ‘તમારા વગર ગમતું નથી’
હીરાબાની ખબર લઈએ છીએ ! હીરાબાને ત્યાં જઈને જમી આવીએ છીએ. હીરાબા કહે, ‘કાલે જમવા આવજો', તો પાછા જઈએ છીએ અમે ત્યાં. બધા લોકેય કહે, ‘દાદા જમવા આવ્યા'તા આજ. ને હીરાબાને કેવા સાથે.' હીરાબાય વિધિઓ કરે છે, ‘હું શુદ્ધાત્મા' બોલે છે. પણ કેવું અમે નાટક કર્યું છે ! હીરાબા એ ના જાણે કે નાટક કરે છે, હં. હું કહું કે ‘તમારા વગર ગમતું નથી મને. પણ આ પગે એવું થયું તેથી, નહીં તો મને તો તમારા વગર ગમતું જ નથી.' એ ના જાણે કે નાટક કરે છે આ !
૨૯૯
પ્રશ્નકર્તા ઃ આનું નામ શુદ્ધ વ્યવહાર.
દાદાશ્રી : હા, શુદ્ધ વ્યવહાર. અને દસ-પંદર દહાડે એક ફેરો ભાણાભાઈને કહે કે આજે કહેજો, જમવા આવે દાદા.' એટલે અમારે જવું જ પડે. ગમે તેટલું કામ હોય તો બધું કાઢી નાખવું પડે. એમને રાજી રાખવા પડે.
પ્રશ્નકર્તા : ફાઈલ નંબર ટુ છે.
દાદાશ્રી : હું... એ ચીઢાય તો આપણી આબરૂ ગઈ. આ થોડી ઘણી રહી છે આબરૂ તેય જતી રહે ! પણ એ ચીઢાય એવું રાખ્યું જ નથી કશુંય.
હૃદયથી બોલો, પણ ડ્રામેટિક
કોઈ સગું થાય નહીં છતાંય વ્યવહાર ચૂકાય નહીં. વ્યવહારમાં એમ કહેવું કે ‘તમારા વગર અમને ગમતું નથી.' હુંય હીરાબાને કહું છું કે ‘તમારા વગર મને ગમતું નથી.' ત્યારે કહે, ‘હા, એવું થાય જ ને, ના થાય આપણે ?' એમને એમ ખબર નહીં કે આ પાકા છે.
પ્રશ્નકર્તા : દાદા, તમે પણ અમને એવું જ શિખવાડો છો હવે. અમારે પણ એમ જ કરવાનું છે હવે.
દાદાશ્રી : ના, એ એટલું જ શીખવાની જરૂર છે. બીજું ‘તું શું સમજુ, તારામાં અક્કલ નથી', એવું કરીને શું કાઢવાનું ?