________________
૩૦૪
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
આપણો બોલ બોલેલો જો સામાને હિતકારી ના થઈ પડ્યો તો બોલ બોલેલો કામનો જ શું છે ?
અમને આવડે એવું. અમને બધું આવડે. અમારે તો દરેકને સુખ થાય એવું બોલવાનું જોઈએ. દરેકને સુખ કેમ વધે એ અમારી ભાવના
હોય.
આ પંચોતેર વર્ષે હીરાબાને ત્યાં જાઉં, ત્યારે કહું છું, ‘તમારા વગર મને ગમતું જ નથી પણ શું કરું, બહાર જવું પડે.” એમને આનંદ થાય. અને આપણે કપટ નથી કરતા, મને ખરેખર યાદ આવે. અને ગમતું-ના ગમતું તો, મને તો આ દેહ ઉપરેય ગમો નહીં ને ! મને રાગ-દ્વેષ કોઈ જગ્યાએ હોય નહીં ને ! પણ એમને આનંદ થાય કે ઓહોહો.... એટલું જ બોલવું, “અમને તમારા વગર ગમતું નથી. હવે એવું બોલવામાં શું જાય છે ? પણ આ ના બોલે ! આડા ! આ તો આબરૂ ગઈ મારી, કહે.
અને અમારે પાછી બનાવટ નહીં કરવાની. આ તો લોક બનાવટ કરે છે, એવું નહીં. એ વઢેને આપણને, ત્યારે થોડીવાર પછી કહી દેવું, ‘તું ગમે તે વટું, તોય તારા વગર મને ગમતું નથી.” આટલો ગુરુમંત્ર કહી દેવો. એવું કોઈ દહાડો બોલતા જ નથી ને ! તમને બોલવામાં વાંધો શું ? તારા વગર ગમતું નથી. મનમાં રાખીએ ખરો પ્રેમ, પણ થોડું ખુલ્લું કરવું.
બે જાતનો પ્રેમ રાખવો લોક કહે, “આવું કરવાથી તો વાઈફ ચઢી બેસે.” અલ્યા મૂઆ, ચઢી બેસે તે એને કંઈ મૂછો આવતી હશે ? ચઢી બેસે, તે શી રીતે ચઢી બેસે ? આવું લોકો ભડકાટમાં રહે છે. કશું ચઢી ના બેસે.
હા, પછી પોતાનામાં બરકત ના હોય તો તો બધું ચઢી બેસે. સહુ કોઈ ચઢી બેસે. બરકત તો જોઈએ ને ! પૈણ્યા પછી બરકત ના હોય, તો કામનું શું ?